રીતુ શર્મા : ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા એક અભૂતપૂર્વ પગલું ભરવામાં આવ્યું છે. પ્રથમ વખત 60 થી વધુ કરાર આધારિત નોન-ટીચિંગ સ્ટાફ સભ્યોને 31 મે સુધીમાં યુનિવર્સિટી કેમ્પસમાં તેમના રહેણાંક ક્વાર્ટર ખાલી કરવા માટે નોટિસ પાઠવી છે.
નિયમોને ટાંકીને, 1920 માં મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરાર આધારિત કર્મચારીઓને કોઈ સત્તાવાર આવાસ પ્રદાન કરી શકાશે નહીં. વાઈસ-ચાન્સેલર પ્રોફેસર ભરત જોશીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “નિયમો મુજબ, ગુજરાત વિદ્યાપીઠ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને આવાસ આપી શકતી નથી.”
પટાવાળાઓ અને કારકુનો સહિતનો સ્ટાફ – જેમાંથી મોટાભાગના ગ્રુપ સી કેટેગરીમાં કોન્ટ્રાક્ટના ધોરણે કામ કરે છે, તેઓ 40 વર્ષથી વધુ સમયથી કેમ્પસમાં રહે છે.
તેઓની 2007 થી – જ્યારે કરાર આધારિત નિમણૂંકો કરવામાં આવી હતી – 2018 સુધી સત્તાવાર રહેઠાણો અથવા ક્વાર્ટર ફાળવવામાં આવ્યા હતા. 2007 પહેલા તેઓ નિયમિત કર્મચારી હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાક કર્મચારીઓ તો વિદ્યાપીઠમાં બીજી પેઢીના કર્મચારી છે અને તેથી પરિવારો 40 વર્ષથી વધુ સમયથી કેમ્પસમાં જ રહે છે.
જો કે, અધિકારીઓએ એવો પણ દાવો કર્યો હતો કે, અગાઉના વહીવટીતંત્ર દ્વારા અમુક ફાળવણી કરવામાં આવી હતી, જેઓ પાત્ર ન હતા.
કુલપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં 20 એપ્રિલના રોજ યોજાયેલી શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ગુજરાત વિદ્યાપીઠ મંડળ અથવા ટ્રસ્ટના બોર્ડની પ્રથમ બેઠકમાં કરાર આધારિત કર્મચારીઓને કેમ્પસમાંથી ઘર ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત વિદ્યાપીઠ મંડળ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં નવનિયુક્ત ટ્રસ્ટીઓ સહિત 18 સભ્યો હાજર રહ્યા હતા.
મિલકતોના ભાડાની સમીક્ષા કરવા અને “નિયમો અથવા અનધિકૃત ફાળવણીઓ વિરુદ્ધ કબજે કરાયેલ રહેણાંક અને બિન-રહેણાંક મિલકતોનો કબજો પાછો લેવા” માટેની પ્રક્રિયા શરૂ કરવા માટે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
આમાંના કેટલાક રહેણાંક ક્વાટર્સ જર્જરિત હાલતમાં હોવાનું જાણવા મળે છે અને તેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવશે.
પ્રો. જોશીએ કહ્યું, “આ 60 ક્વાર્ટરમાંથી માત્ર 20-25 જ સારી સ્થિતિમાં છે. બાકીના ક્વાર્ટ્સની હાલત સારી નથી અને તેને સમારકામ અને જાળવણીની જરૂર છે.”
કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પાસે એચઆરએ ઘટક નથી હોતો, તેમની પાસેથી દર મહિને 140 રૂપિયાનું મામૂલી ભાડું લેવામાં આવતું હતું.
આ પણ વાંચો – ગુજરાત હાઈકોર્ટે 40 ન્યાયાધિશોનું પ્રમોશન રદ કર્યું, જસ્ટિસ એચએચ વર્માનું પ્રમોશન યથાવત
ગૂજરાત વિદ્યાપીઠમાં જોવા મળેલા ફેરફારો બાદ આ નોટિસ નવીનતમ છે, જે તેની પ્રક્રિયાઓ અને ડીમ્ડ-ટુ-બી-યુનિવર્સિટી તરીકેની સ્થિતિ અંગે પ્રશ્નોનો સામનો કરી રહી હતી.
ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો