ગુજરાતની નજીક આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે. ધુળેટીના દિવસે માઉન્ટ આબુમાં વરસાદ સાથે કરા પડતા લોકોમાં આશ્ચર્ય સર્જાયુ છે તો પ્રવાસીઓ બદલાયેલા આ હવામાનની મજા પણ માણી છે. માઉન્ટ આબુમાં બુધવારે ગુરુ શિખર અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાાં કરા પડતા ચારેય બાજુ બરફની ચાદર છવાઇ ગઇ હતી.
ફાગણમાં અષાઢી માહોલ
છેલ્લા ઘણા દિવસથી ગુજરાત અને રાજસ્થાનમાં ફાગણ મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. તેમાં ધુળેટીના દિવસે ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદની સાથે કરા પડ્યા હતા. આકાશમાંથી બરફનો વરસાદ પડતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સર્જાયુ હતુ. આ સાથે પ્રવાસીઓને મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો.
ગુરુ શિખર પર બરફની ચાદર પથરાઇ
આબુમાં છેલ્લા ઘણા દિવસથી હવામાન પલટાયું છે. બુધવારે માઉન્ટ આબુના સૌથી ઊંચા શિખર ગુરુ શિખર પર વરસાદની સાથે કરા પડ્યા હતા. આકાશમાંથી બરફ પડતા ગુરુ શિખર સહિત માઉન્ટ આબુ પર બફરની ચાદર પથરાઇ ગઇ હોય તેવો માહોલ સર્જાયો હતો. પ્રવાસીઓએ કરાની મજા માણી હતો તો સ્થાનિક લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ
ઉલ્લેખનિય છે કે, ગુજરાતના હવામાનમાં છેલ્લા એક સપ્તાહથી મોટું પરિવર્તન આવ્યું છે. ગરમી વચ્ચે એકાએક વાદળછાયા વાતાવરણથી લોકોને રાહત તો મળી છે પરંતુ વરસાદના કારણે મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો છે. હોળીના દિવસે સમગ્ર રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કદાચ વર્ષો બાદ આ પહેલી ઘટના હશે જ્યારે હોળીના દિવસે વરસાદ પડ્યો છે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
કમૌસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
કમૌસમી વરસાદથી એક બાજુ સિઝનલ બીમારીઓનો ઉપદ્વવ વધ્યો છે તો બીજી બાજુ ખેતરોમાં ઉભા પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતાતૂર છે. હાલ ખેતરમાં ઘઉં, ચણા, બટાકા, ઇસબગુલ જેવા પાકો ખેતરોમાં ઉભા છે કાં તો લણણી ચાલી રહી છે ત્યારે કમૌસમી વરસાદથી પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.