Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફ પડતાં મેદાની રાજ્યો ઉપર તેની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના પગલે કાતિલ ઠંડી પડી રહી છે. જોકે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે. જેથી આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત રહેશે. નલિયામાં બે ડિગ્રી તાપમાન ઘટીને 6.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
નલિયામાં બે ડિગ્રી તાપામાન ઘટીને 6.8 ડિગ્રી પર પહોંચ્યું
ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ ઉત્તરાયણનો તહેવાર હોવાથી લોકો અગાસી પર પહોંચ્યા હતા. જોકે, ઠંડા પવનો ફૂંકાતા કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા હતા. ગુજરાતમાં 6.8 ડિગ્રીથી લઈને 17.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં બે ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન ઘટીને 6.8 ડિગ્રીની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 17.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
અમદાવાદમાં કડકડતી ઠંડીનું જોર યથાવત
ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાની સાથે જ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ કડકડતી ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. ઉત્તરાયણનો તહેવાર હોવાથી અમદાવાદ શહેરમાં લોકો અગાસી પર પહોંચ્યા હતા. લોકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતા. ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં પહોંચ્યું
માઉન્ટ આબુમાં તાપમાનમાં 7 ડિગ્રીનો ઘટાડો થયો હતો. તાપમાન માઇનસ 4 ડિગ્રીએ પહોંચી ગયું હતું. મકરસંક્રાંતિની રજાઓમાં માટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા. જે ખુશ થઇ ગયા હતા. મેદાન અને બગીચા બરફના ચાદરથી ઢંકાયેલા જોવા મળ્યા હતા. માઉન્ટ આબુમાં વાહનો પર અને નકી લેક પર બરફની સફેદ ચાદર દેખાઈ હતી, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.ગાડીઓ પર પણ બરફ પથરાયેલો જોવા મળ્યો હતો.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 25.2 | 12.3 0 |
| ડીસા | 24.2 | 9.2 |
| ગાંધીનગર | 26.0 | 11.0 |
| વિદ્યાનગર | 24.5 | 12.6 |
| વડોદરા | 26.8 | 12.8 |
| સુરત | 30.9 | 16.0 |
| વલસાડ | – | – |
| દમણ | 30.0 | 16.8 |
| ભૂજ | 24.2 | 10.8 |
| નલિયા | 24.4 | 6.8 |
| કંડલા પોર્ટ | 26.2 | 12.5 |
| કંડલા એરપોર્ટ | 24.4 | 9.1 |
| અમરેલી | 27.2 | 12.5 |
| ભાવનગર | 24.9 | 15.6 |
| દ્વારકા | 24.5 | 14.8 |
| ઓખા | 22.3 | 17.5 |
| પોરબંદર | 27.6 | 14.0 |
| રાજકોટ | 27.0 | 9.9 |
| વેરાવળ | 30.0 | 15.9 |
| દીવ | 28.6 | 14.6 |
| સુરેન્દ્રનગર | 27.0 | 11.0 |
| મહુવા | 27.6 | 14.5 |
| કેશોદ | 27.5 | 11.9 |
આગામી પાંચ દિવસ કાતિલ ઠંડીનું જોર યથાવત રહેશે
ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડા પવનો ફૂંકાતા શીત લહેરના પગલે ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. તો બીજી તરફ આગામી પાંચ દિવસો સુધી તાપમાનમાં કોઈ ફેરફાર ન થતાં કાતિલ ઠંડી યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. માટે આજે વાસી ઉત્તરાયણના દિવસે પણ લોકોએ ઠંડા પવનો સામે રક્ષણ માટે સજ્જ થઈને જવું પડશે.





