ખેલજગતમાં નારી શક્તિ: રાજ્યની મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર યોજના અંતર્ગત કુલ ₹.11 કરોડથી વધુની સહાય

ગુજરાત રાજ્યની વાત કરીએ તો સરિતા ગાયકવાડ (દોડ), માના પટેલ (સ્વિમિંગ), અંકિતા રૈના (ટેનિસ), ઇલાવેનિલ વાલારિવન (શૂટિંગ), ભાવિના પટેલ (ટેબલ ટેનિસ) વગેરે મહિલાઓએ રમતગમત ક્ષેત્રે કાઠું કાઢ્યું છે અને ગુજરાત રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.

Ahmedabad September 22, 2025 18:49 IST
ખેલજગતમાં નારી શક્તિ: રાજ્યની મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર યોજના અંતર્ગત કુલ ₹.11 કરોડથી વધુની સહાય
શક્તિદૂત યોજના અંતર્ગત મહિલા ખેલાડીઓને ₹147 લાખથી વધુની પ્રોત્સાહન રકમનું વિતરણ. (તસવીર: સોશિયલ મીડિયા)

નવરાત્રી એટલે શક્તિનાં નવ સ્વરૂપની આરાધનાનો મહોત્સવ. નવરાત્રીનો તહેવાર સ્ત્રી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત@2047 વિઝનમાં મહિલા સશક્તિકરણ પર હંમેશા ભાર મૂક્યો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હવે ભારતના વડાપ્રધાન તરીકે તેમણે સામાજિક, શૈક્ષણિક, રાજકીય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવે તેવા સતત પ્રયાસો કર્યા છે. આમાં રમતગમત ક્ષેત્ર પણ બાકાત નથી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે શરૂ કરેલી ખેલ મહાકુંભની પહેલ અને એ તર્જ પર રાષ્ટ્રીય સ્તરે લૉન્ચ થયેલા ખેલો ઇન્ડિયા કાર્યક્રમના પરિણામે દેશની મહિલા ખેલાડીઓની પ્રતિભા ખીલી છે અને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે.

ગુજરાતની મહિલા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે વગાડ્યો ડંકો

ગુજરાત રાજ્યની વાત કરીએ તો સરિતા ગાયકવાડ (દોડ), માના પટેલ (સ્વિમિંગ), અંકિતા રૈના (ટેનિસ), ઇલાવેનિલ વાલારિવન (શૂટિંગ), ભાવિના પટેલ (ટેબલ ટેનિસ) વગેરે મહિલાઓએ રમતગમત ક્ષેત્રે કાઠું કાઢ્યું છે અને ગુજરાત રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. આ ખેલાડીઓએ રાજ્યની અન્ય મહિલાઓને ખેલકૂદ ક્ષેત્રે આગળ આવવા માટે પ્રેરિત કરી છે. ઉલ્લેખનીય છે કે, 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ખેલ મહાકુંભની પહેલના કારણે અનેક મહિલાઓ વિવિધ રમતોમાં હોંશભેર ભાગ લઈ રહી છે. ખેલ મહાકુંભ એ એશિયાનો સૌથી મોટો ગ્રાસરૂટ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. અત્યારસુધી ખેલ મહાકુંભ માટે અત્યારસુધીમાં કુલ 26 લાખ 56 હજારથી વધુ મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

શક્તિદૂત યોજના અંતર્ગત મહિલા ખેલાડીઓને ₹147 લાખથી વધુની પ્રોત્સાહન રકમનું વિતરણ

રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરે તે ઉદ્દેશથી ગુજરાત સરકારે વર્ષ 2006માં શક્તિદૂત યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમને નીડ બેઝ એટલે કે જરૂરિયાત પ્રમાણે રમતગમતની સંલગ્ન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

શક્તિદૂત યોજના હેઠળ અર્જુન એવોર્ડથી સન્માનિત અને વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં ગોલ્ડ મૅડલ મેળવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટેનિસ પ્લેયર અંકિતા રૈનાને 2017થી 2024 દરમ્યાન ₹2 કરોડ 19 લાખથી વધુની સહાય ચૂકવાઈ છે. સ્વિમર માના પટેલને શક્તિદૂત યોજના હેઠળ 2017થી 2024 દરમ્યાન ₹67,50,798ની સહાય ચૂકવાઈ છે. માના પટેલ રાજ્યમાંથી સ્વિમિંગ રમતમાં ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર પ્રથમ મહિલા છે અને સાઉથ એશિયન ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં અને ખેલો ઇન્ડિયા જેવી નામાંકિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મૅડલ પ્રાપ્ત કર્યા છે.

Sarita Gaikwad, Mana Patel
સરિતા ગાયકવાડ ડાંગ એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત છે. (તસવીર: સોશિયલ મીડિયા)

ડાંગ એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત અને એશિયન ગેમ્સ 2018માં મહિલા 4×400 મીટર રિલે ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર સરિતા ગાયકવાડને શક્તિદૂત યોજના હેઠળ 2017થી 2024 દરમ્યાન ₹12 લાખની સહાય ચૂકવાઈ છે.

વર્ષ 2024-25ની વાત કરીએ તો, ઇલાવેનિલ વાલરીવન (રાઈફલ શૂટિંગ), ઝીલ દેસાઇ (ટેનિસ), વૈદેહી ચૌઘરી (ટેનિસ), અંકિતા રૈના (ટેનિસ), માના ૫ટેલ (સ્વિમિંગ), સનોફર ૫ઠાન (કુસ્તી), તસ્નીમ મીર (બેડમિન્ટન), પેરા ઓલિમ્પિક 2024 માટે ભાવિના પટેલ (ટેબલ ટેનિસ) વગેરે કુલ 13 મહિલા ખેલાડીઓને શકિતદૂત યોજના અંતર્ગત કુલ ₹147 લાખ 23 હજારથી વધુની પ્રોત્સાહન રકમ ચૂકવાઈ છે.

આ પણ વાંચો: જીએસટી સુધારાથી ગ્રાહકોને મોજ; બજાજે લોન્ચ કરી ‘હેટ્રિક ઓફર’

રમતગમતમાં પ્રોત્સાહન મળે એ માટે મહિલા ખેલાડીઓને પુરસ્કારની યોજના

ગુજરાતની મહિલાઓ રમતગમત પ્રવૃત્તિઓમાં વધુને વધુ ભાગ લેતી થાય અને રાજ્યકક્ષા, રાષ્ટ્રકક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં સિદ્ધિ પ્રાપ્ત કરે એ ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા ‘રાજ્યની મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રમતગમત સ્પર્ધામાં વ્યક્તિગત અને સાંઘિક રમતમાં પ્રથમ તથા ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તેવી મહિલા ખેલાડીઓને વાર્ષિક ₹4800 પુરસ્કારની રકમ, દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનારને વાર્ષિક ₹3600નો પુરસ્કાર અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીઓને વાર્ષિક ₹2400 પુરસ્કારની રકમ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં આ યોજના અંતર્ગત મહિલા ખેલાડીઓને કુલ ₹11 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

છેલ્લા બે દાયકામાં ખેલકૂદ ક્ષેત્રે પરિવર્તકારી સાબિત થયા છે. ગુજરાતમાં આજે વૈશ્વિક કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે અને 2002 પહેલાં રાજ્યનું સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹2.5 કરોડ હતું, તે આજે ₹484 કરોડથી વધુનું થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લૉન્ચ થયેલી સ્પોર્ટ્સ પોલિસી 2022-27એ રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવામાં અને રમતવીરોની પ્રતિભાને વૈશ્વિક સ્તરે લઈ જવામાં નોંધનીય ભૂમિકા ભજવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ