ગુજરાતના સાળંગપુર ખાતે આવેલા વિશ્વ વિખ્યાત શ્રી કષ્ટભંજન દેવ મંદિરમાં ‘કિંગ ઓફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ સાળંગપુરમાં હનુમાનજીની આ ભવ્ય મૂર્તિનું અનાવરણ કરતા હવે ભક્તો આ વિશાળ મૂર્તના દર્શન કરી શકશે. ‘કિંગ ઓફ સાળંગપુર’ની પ્રતિમાના દર્શન લગભગ 7 કિમી દૂરથી પણ થઇ શકશે. ઉલ્લેખનીય છે કે, દેશના ગૃહ મંત્રી અમિત શાહ ગુરુવાર હનુમાન જયંતિના રોજ ‘કિંગ ઓફ સાળંગપુર’ના દર્શન કરવા માટે સાળંગપુર આવશે.
‘કિંગ ઓફ સાળંગપુર’ મૂર્તિની વિશેષતા
સાળંગપુરમાં હનુમાનદાદાની વિશાળ-ભવ્ય મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. 54 ફૂટ ઊંચી આ મૂર્તિનું નામ ‘કિંગ ઓફ સાળંગપુર’ રાખવામા આવ્યું છે અને ભક્તો લગભગ ચાર કિમી દૂરથી તેના દર્શન કરી શકશે. જાણો ‘કિંગ ઓફ સાળંગપુર’ની વિશિષ્ટતાઓ…
‘કિંગ ઓફ સાળંગપુર’ની મૂર્તિ 54 ફુટ ઉંચી છે. આ મૂર્તિનું મુકુટ 7 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે તેમજ મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. હનુમાન દાદાની આ મૂર્તિના હાથ 6.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે. તો પગ 8.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે. હનુમાન દાદાની દાદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે.
‘કિંગ ઓફ સાળંગપુર’ની મૂર્તિનું વજન 30 હજાર કિલો
‘કિંગ ઓફ સાળંગપુર’ની મૂર્તિનું નિર્માણ પંચધાતુમાંથી કરવામાં આવ્યું અને તેમાં પંચધાતુની જાડાઇ 7 એમએમ જેટલી છે. 54 ફુટ ઉંચી આ પ્રતિમા હરિયાણાના માનેસરમાં તૈયાર કરવામાં આવી છે અને તેનું વજન 30 હજાર કિલો છે અને તે લગભગ 5000 વર્ષ સુધી અડીખમ રહે તેટલી મજબૂત અને ભૂકંપ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. આ વિશાળકાય પ્રતિમાનો બેઝ બનાવવામાં જ એક વર્ષનો સમય લાગ્યો હતો અને તે 50 હજાર સોલિડ ગ્રેનાઇડ રોક અને 30 હજાર ઘનફુટ લાઇમ ક્રોંકિટમાંથી બનાવવામાં આવ્યો છે. દરરોજ 200થી 300 જેટલા કારીગરોએ આઠ-આઠ કલાક મહેનત કરીને આ ભવ્ય પ્રતિમાનું નિર્માણ કર્યું છે. આ પ્રોજેકટને 1,45,888.49 સ્ક્વેર મીટરના ક્ષેત્રફળમાં તૈયાર કરાયો છે. આ પ્રતિમાન બેઝ બનાવવા મકરાણાના પથ્થરોનો ઉપયોગ કરાયો છે.

આધુનિક ટેકનોલોજીથી પ્રતિમાનું નિર્માણ
‘કિંગ ઓફ સાળંગપુર’ની પ્રતિમાના નિર્માણમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રતિમાને જીવંત અને ભવ્ય બનાવવા હેતુ તેના બાંધકામમાં 3D પ્રિન્ટર, 3D રાઉટર અને સીએનસી મિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રતિમા લગભગ 5000 વર્ષ સુધી અડીખમ રહે તેટલી મજબૂત અને ભૂકંપ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. આ પ્રતિમાના લગભગ 7 કિમી દૂરથી પણ દર્શન કરી શકાશે.





