હર્ષ સંઘવીએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ભારતીય જનતા યુવા મોરચાથી કરી અને તેના મહાસચિવ બન્યા. 2012માં તેઓ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને તેમાં જીત હાંસલ કરીને સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. ધી ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું, “મને લાગે છે કે આટલી નાની ઉંમરે મારા ખભા પર ઘણા પડકારો અને જવાબદારીઓ આવી ગઈ છે, જેને પૂર્ણ કરવા માટે સંઘર્ષ, સખત મહેનત અને સંકલ્પની જરૂર છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને ગૃહ મંત્રાલય, રેવન્યૂ વગેરે જેવી જવાબદારીઓ મળશે. એ વાત સાચી છે કે ભાજપ પોતાના કાર્યકરો પર મોટી જવાબદારીઓ સાથે વિશ્વાસ પણ રાખે છે. હાલ હર્ષ સંઘવી ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી છે.
બિન-રાજકીય અને ડાયમંડ બિઝનેસનો ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતા હર્ષ સંઘવી કેવી રીતે રાજકારણમાં આવ્યા…
બિન-રાજકીય અને ડાયમંડ બિઝનેસ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવતા હર્ષ સંઘવી કહે છે, “મેં ક્યારેય ચૂંટણી લડવાનું કે મંત્રી બનવાનું સપનું જોયું ન હતું. ભાજપ યુવા મોરચામાં જનરલ સેક્રેટરી તરીકે કામ કરતી વખતે, મને દેશભરમાં પ્રવાસ કરવાની અને યુવા પાંખના નેતાઓને મળવાની તક મળી હતી. ત્યારબાદ મને વિધાનસભાની ચૂંટણી લડવાનો મોકો મળ્યો, અને વિવિધ જવાબદારીઓ નિભાવવાની પણ તક મળી. અગાઉ મારો વધારે પડતો ઝોંક રાજકારણ કરતાં સામાજિક કાર્યો કરવા તરફ વધારે હતું.
1 સપ્તાહ સુધી ટ્રાફિક દંડમાંથી મુક્તિ આપવા પાછળનું કારણ શું છે?
ધી ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એવા મજૂરો- શ્રમિકો જેઓ આખો દિવસ મહેનત કર્યા બાદ પોતાને મળેલી કમાણીમાંથી નાણાં બચાવીને દિવાળીની ખરીદી કરવા માટે પોતાના પરિવારને બજારમાં લઈ જાય છે, તેમને ટ્રાફિક ચલણને કારણે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમના વિશે વિચારીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું. “આવા લોકો રોડ ઉપર લાગેલા સ્ટોલ કે નાના દુકાનદારો પાસેથી ખરીદી કરતા હોય છે. આવા લોકો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ કે હેલ્મેટ નથી હોતા અથવા રોંગ સાઇડમાં વાહન ચલાવતા હોય છે ત્યારે તેમને ટ્રાફિક પોલીસ પકડે છે અને તેમને 1,000 રૂપિયાનો દંડ ભરવો પડે છે, આવી ઘટના બનતા તેઓ પરેશાન થઈ જાય છે, જે તહેવારની ઉજવણીની મજા બગાડી શકે છે. નાના દુકાનદારોનો ધંધો પણ ઠપ થઈ ગયો છે, તેથી ઘણી ચર્ચા-વિચારણા બાદ અમે વાહનચાલકો પાસેથી દંડ ન વસૂલવાનો નિર્ણય લીધો છે. આ સાથે અમે સુરત-ડુમસ રોડ પર સ્ટંટ કરતા અને સ્પીડમાં બાઇક ચલાવતા વાહન ચાલકોને પકડવા માટે ઝુંબેશ શરૂ કરી છે. આવા લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
ટ્રાફિક નિયમ ભંગ કરનારને ગુલાબ આપી સમજાવીયે છીએ, આ નિર્ણય પર થઇ રહેલા રાજકારણથી અમે ડરતા નથી
કેટલાંક રાજકીય નેતાઓએ ટ્રાફિક દંડ માંથી સપ્તાહ સુધી મુક્તિ આપવાનો નિર્ણય અંગે રાજકારણ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ અમે ડરવાના નથી. અમે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનનો અધિકાર આપ્યો નથી. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને અટકાવીયે છીએ અને તેમને ગુલાબ આપી સમજાવીયે છીએ. અમારી પોલીસ ટીમ તેમને સમજાવે છે કે તેઓ તેમના પરિવાર માટે કમાણી કરનાર સભ્ય છે અને તેમનું જીવન મૂલ્યવાન છે, અને તેમણે 1,000 રૂપિયા બચાવ્યા છે. જો તેમને કંઈક થશે તો તેમના પરિવારની બહુ ખરાબ દશા થશે.
સગીરાઓના જાતીય શોષણના વધતા કેસો રોકવા કેવા પગલાં લેવાયા છે?
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, અમે એવા દેશનું નેતૃત્વ કરીએ છીએ જ્યાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી બહું જ પડકારજનક છે. દેશભરની ડીજી કોન્ફરન્સમાં, પીએમ અને UHM એ POCSO (જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ) કેસોમાં ઝડપી ટ્રાયલની ખાતરી કરવા પર ભાર મૂક્યો છે. અમે આ આદેશને પડકાર તરીકે સ્વીકાર્યો છે અને જાતીય શોષણના કેસોમાં મહત્વના પુરાવા એકત્રિત કરવાની, તાત્કાલિક ચાર્જશીટ દાખલ કરવાની અને ગુનેગારોને સજા થાય તેની ખાતરી કરી છે. અમે આરોપીઓને દોષિત ઠેરવવામાં સફળ રહ્યા છીએ.
‘લઠ્ઠાકાંડ’ હતો કે 'કેમિકલ કાંડ'..?
હર્ષ સંઘવી જણાવે છે કે, તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના દસ દિવસ પહેલા જ અમારી પોલીસ ટીમોએ એક ઝુંબેશ હાથ ધરી હતી અને વિવિધ સ્થળોએ દરોડા પાડીને લઠ્ઠો અને અન્ય માલસામાન જપ્ત કર્યો હતો.
ભલે તેઓ તેને કેમિકલ ટ્રેજેડી કહે અથવા લઠ્ઠાકાંડ – ગુનેગારોને કડકમાં કડક સજા થાય એ અમારી પ્રાથમિક જવાબદારી છે. આ કેસમાં અમે 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી, ગુનેગારોને જામીન ન આપવી અથવા કાયદાની છટકાબારીનો ફાયદો ન ઉઠાવે તેમજ જ્યારે કેસની ટ્રાયલ સમાપ્ત થાય ત્યારે આરોપીઓને દોષિત ઠેરવવામાં આવે તેની ખાતરી કરી છે.
પોલીસની કામગીરી સુધારવા કેવા પગલાંઓની જરૂર છે?
હર્ષ સંધવી જણાવે છે કે, પોલીસ અને જનતા વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. પોલીસ પ્રજાની મિત્ર સમાન છે. પોલીસ તેમનો મોટાભાગનો સમય ફરિયાદીઓ અને ગુનેગારો સાથે વિતાવે છે અને કેટલીકવાર, સમાજને પોલીસ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે, પરંતુ તેમના તણાવપૂર્ણ કામ અને જીવનને કારણે તેઓ તેમને મળી શકતા નથી… સુરતમાં, હું વ્યક્તિગત રીતે વિવિધ વિસ્તારોમાં ગયો હતો અને લોકોને મળ્યો હતો. મેં સુરત પોલીસ પાસેથી વિગતો મેળવી છે અને વિવિધ ઘટનાઓનો આંકડા એકઠાં કર્યા છે. અમે પોલીસને જનલક્ષી બનાવવા માગીએ છીએ અને તેના પર કામગીરી ચાલી રહ્યું છે.
સિનિયર પોલીસ અધિકારીઓએ મોર્નિંગ વોક દરમિયાન નાગરિકો સાથે વાતચીત કરવાની શરૂઆત કરી છે અને તેમની સાથે ફ્રેન્ડલી સંબંધ બનવાનું શરૂ કર્યું છે. આવા વાર્તાલાપ દરમિયાન અમારા સિનિયર પોલીસ અધિકારીઓને નવા વિચારો અને સલાહ-સૂચનો પણ મળે છે.