અદિતી રાજા : વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર સહિત બે વ્યક્તિઓ ગુરુવારે સાંજે એન્ક્લોઝરની મુલાકાત દરમિયાન હિપ્પોના હુમલામાં ઘાયલ થયા હતા.
પ્રાણી સંગ્રહાલયનું સંચાલન કરતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા સુપરવાઇઝર રોહિત ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે ક્યુરેટર ડૉ. પ્રત્યુષ પાટણકરને શરીર પર અનેક જગ્યાએ કટ અને ફ્રેક્ચર થયા હતા.
આ ઘટના ગુરુવારે સાંજે બની હતી, જ્યારે ડૉ. પાટણકર હિપ્પોપોટેમસની તપાસ કરવા માટે હિપ્પોના વાડાની મુલાકાત લઈ રહ્યા હતા, કારણ કે બે હિપ્પોપોટેમસમાંથી એકને પીઠમાં ઈજા થઈ હતી.
વડોદરાના મેયર કેયુર રોકડિયા, જેઓ ગુરુવારે સાંજે પાટણકરને હોસ્પિટલમાં મળ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, પ્રાણીએ તેમના પર હુમલો કર્યા બાદ ક્યુરેટર પડી ગયો હતો. તેમણે કહ્યું કે, પગમાં એક મોટી ધમની ફાટવાને કારણે સુરક્ષા સુપરવાઈઝરને હાઈપરવોલ્યુમ શોક લાગ્યો હતો.

રોકડિયાએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું, “ડૉ. પાટણકરે મને કહ્યું કે, તે પ્રાણીને તળાવમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે કોઈ પ્રતિસાદ ન મળ્યો, ત્યારે તેઓએ હિપ્પોના વાડામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જ્યારે તેમનું જૂતું સેફ્ટી ગ્રીલમાં ફસાઈ ગયું અને તે વાડામાં પડી ગયું. ત્યાં સુધીમાં એક હિપ્પોપોટેમસ પહેલેથી જ ખૂબ નજીક હતો. આવા હુમલાઓનો સામનો કરવા માટે પ્રશિક્ષિત, પાટણકરે કહ્યું કે, તેમણે મૃત હોવાનો ડોળ કર્યો, તેથી હુમલો હળવો રહ્યો. પરંતુ સુરક્ષા સુપરવાઈઝર પાટણકરને બચાવવા માટે કૂદી પડ્યો, અને પ્રાએ ગભરાઈને ગંભીર હુમલો કર્યો.
ઝૂ સ્ટાફ રોહિત અને પાટણકરને નજીકની નરહરિ હોસ્પિટલમાં લઈ ગયો. મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની, ડેપ્યુટી કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ સહિત VMCના અનેક અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. મોડી સાંજે, VMC અધિકારીઓ રોહિત માટે બ્લડ યુનિટની વ્યવસ્થા કરી રહ્યા હતા, જ્યારે પાટણકરને સર્જરી માટે લઈ જવામાં આવ્યા હતા.
પાનીએ જણાવ્યું હતું કે, “સંગ્રહાલયના ક્યુરેટર અને સુરક્ષા સુપરવાઈઝર હિપ્પોપોટેમસના વડામાં એક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. આ નિયમિત રાઉન્ડ દરમિયાન ઘટના બની હતી. પાટણકરને કેટલાક ફ્રેક્ચર થયા છે, જ્યારે સુરક્ષા સુપરવાઈઝરને હાયપોવોલેમિક શોક લાગ્યો હતો.”
હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સિક્યુરિટી સુપરવાઇઝર સ્થિર થશે ત્યારબાદ બાદ સર્જરી પણ કરવામાં આવશે. “અમે સિક્યોરિટી સુપરવાઈઝર માટે લોહીના ઘણા યુનિટની વ્યવસ્થા કરી છે. જલદી તેમના વિટલ્સ સ્થિર થશે, તેમની ફાટેલી ધમનીનું ઓપરેશન કરવામાં આવશે. VMC બંને ઇજાગ્રસ્તોને ઝડપથી સાજા થાય તે માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.”

વડોદરા પ્રાણી સંગ્રહાલય ડિમ્પી અને તેના સંતાન મંગલ નામના બે હિપ્પોપોટેમસનું ઘર છે. જાન્યુઆરી 2019 માં મંગલનો જન્મ થયા પછી, ડિમ્પીએ તે વર્ષે એપ્રિલમાં તેના પુરુષ પાર્ટનર ચુન્નુ પર કથિત રીતે હુમલો કર્યો હતો, જેના કારણે ચુન્નુનું મૃત્યુ થયું હતુ.
આ પણ વાંચો – ગુજરાત : કથિત ગેરરીતી શોધવા ગયેલા IAS અધિકારીને બંધક બનાવી કોન્ટ્રાક્ટરોએ માર માર્યો
સયાજીબાગના પૂર્વ ક્યુરેટર સી.બી. પટેલે જણાવ્યું હતું કે, “આવા હુમલા ખૂબ જ ઓછા થાય છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પ્રાણીના વાડામાં પ્રવેશ કરે છે, ત્યારે તે શક્ય છે. મને આજના હુમલાની જાણ નથી, પરંતુ ગુજરાતના પ્રાણી સંગ્રહાલયમાં હિપ્પોપોટેમસ દ્વારા સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હોય તે ચોક્કસપણે પ્રથમ વખત બન્યું છે.”