ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરત અને વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરની બદલી કરવામાં આવી છે. સુરત મનપા કમિશ્નર અને વડોદરા મનપા કમિશ્નર પદેથી આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુરતમાં મનપા કમિશ્નર બંછાનિધિ પાનીને વડોદરાના મનપા કમિશ્નર બનાવવામાં આવ્યા છે. જ્યારે વડોદરાના મનપા કમિશ્નર શાલિની અગ્રવાલની સુરત મનપા કમિશ્નરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એટલે કે સુરતના અધિકારીને વડોદરા અને વડોદરાના અધિકારીને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, 2019 ઓગસ્ટમાં બંછાનિધિએ સુરતનો ચાર્જ સંભાળ્યો હતો. તેમણે સુરતને સ્વચ્છતાના ધોરણે શહેરને દેશભરમાં નંબર વન લાવવાની મુહિમ હાથ ધરી હતી. આમાં તેમને મહદઅંશે સફળતા મેળવી 2020માં સુરતને સ્વચ્છના મામલે નંબર 2 બનાવ્યું હતું. આ સિવાય તેમણે શહેરમાં પાલ-ઉમરા બ્રિજનો કોયડો ઉકેલી બ્રિજ ઝડપી શરૂ થાય તે માટે તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. તો હવે બંછાનિધિ વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે જવાબદારી સંભાળશે.
તો શાલિની અગ્રવાલે જૂન 2021માં વડોદરાના મ્યિુનિસિપલ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. શાલિની અગ્રવાલે આ પહેલા કલેક્ટર તરીકે સારી કામગીરી કરી હોવાની, તથા તેઓ સ્ટેટજીસ્ટ પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ અને વિવાદોથી દુર રહ્યા હોવાની છાપ ધરાવે છે. તેમને હવે સુરત મહાનગરપાલિકા કમિશ્નર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે હતા, તેમણે રાજ્યમાં વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરી જનસભા સંબોધી હતી, તો આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સુરત અને વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નરની બદલી કરવામાં આવી હોવાના પણ સમચાર સામે આવ્યા છે.





