ભાવનગરમાં શનિવારે એક દુ:ખદ ઘટના બની હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. લગ્નના થોડા કલાકો પહેલા જ 22 વર્ષીય સોની હિંમત રાઠોડની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. તેના મંગેતર સાજન બારૈયા તેની સાથે લગ્ન ગ્રંથીથી જોડાવાનો હતો તેના પર જ હત્યાનો આરોપ છે. સાજન હાલમાં ફરાર છે.
ઘટનાની માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં બની હતી. સાજન શનિવારે સવારે ઘરમાં ઘૂસી ગયો અને તેની મંગેતર સોની સાથે દલીલો કરવા લાગ્યો. આ વિવાદ પાનેતર અને પૈસાને લઈને થયો હોવાનું કહેવાય છે. વાતચીત ઝડપથી શારીરિક ઝઘડામાં પરિણમી, અને સાજનએ લોખંડના પાઇપથી સોની પર હુમલો કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું, જેનાથી તેણીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
જ્યારે સોની ગંભીર રીતે ઘાયલ થઈ પછી તેના પરિવારે અવાજ સાંભળ્યો ત્યારે તેઓ જાગી ગયા અને ઘટનાસ્થળે ગયા તો તેણી લોહીથી લથપથ જમીન પર પડી હતી. પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી. ગંગાજલિયા પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો: ‘મારા જેવી દીકરી બહેન કોઇના ઘરે ન જન્મે’- રોહિણી આચાર્યની ભાવુક પોસ્ટ
આ કેસની માહિતી આપતાં ભાવનગર સિટી ડિવિઝનના ડેપ્યુટી એસપી આર.આર. સિંઘલે જણાવ્યું હતું કે સોની અને સાજન છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. શરૂઆતમાં તેમના પરિવારો તેમના લગ્નને મંજૂરી આપવા માટે તૈયાર ના હતા પરંતુ સામાજીક આગેવાનોની મધ્યસ્થી પછી તેઓ લગ્ન માટે સંમત થયા. શુક્રવારે લગ્ન પહેલાની કેટલીક વિધિઓ પૂર્ણ થઈ હતી પરંતુ સાજનએ લગ્ન થાય તે પહેલાં સોનીની હત્યા કરી હતી.
આ કેસની માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે સાજન સામે ઘણા ગંભીર કેસ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર સાજન સામે હત્યાનો પ્રયાસ, લૂંટ અને હુમલાના કેસ નોંધાયેલા છે. પોલીસે એક ટીમ બનાવી છે અને ક્રાઇમ બ્રાન્ચ સાજનને શોધી રહી છે.





