Surat Crime News: સુરતના પોશ વિસ્તાર પાલમાંથી એક ગાયનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના ગુરુવારે બની હતી જે બાદ પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પોલીસને બાદમાં જાણવા મળ્યું કે એક રખડતા કૂતરાને નજીકના મેદાનમાંથી ગૌ માતાનું માથું ઉપાડ્યા બાદ તેને રસ્તા પર છોડી દીધું હતું.
પાલ ઇન્સ્પેક્ટર કેએલ ગાધેએ જણાવ્યું હતું કે, “અસંખ્ય ફૂટેજ તપાસ્યા પછી, અમને જાણવા મળ્યું છે કે એક રખડતો કૂતરો નજીકના ખુલ્લા મેદાનમાંથી ગાયનું માથું લાવ્યો હતો. આજુબાજુમાં ઘણા ઢોરના શેડ છે અને અમે તેમને તપાસવાનું શરૂ કર્યું છે”.
આ પણ વાંચો: માઉન્ટ આબુમાં જોવા મળી દીપડાની જોડી, પર્યાવરણવિદે ક્લિક કરી અદ્ભુત તસીવીરો
પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે સવારે સુરતમાં રાજહંસ વિંગ્સ એપાર્ટમેન્ટ નજીક એલપી સવાણી રોડ નજીકના મુખ્ય માર્ગ પર એક રાહદારીને ગાયનું માથું મળી આવ્યું હતું . ત્યાર બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી જેઓ ઘટનાસ્થળે પહોંચીને કપાયેલા માથાની તપાસ કરી હતી.
પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ 196 (ધર્મ, જાતિ અને જન્મસ્થળના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 325 (પ્રાણીઓને મારવા, ઝેર આપવા અને અપંગ બનાવવા માટે કરવામાં આવેલ દુષ્કત્ય) અને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ હેઠળ એફઆઈઆર નોંધી છે.





