Nisha And Riya Muniyasia In Israel Hamas War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ જંગ ચાલી રહી છે. ઈઝરાયલે હમાસ સામે યુદ્ધ જાહેર કર્યુ છે અને ગાઝા પટ્ટીમાં આક્રમક લશ્કરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વિરુદ્ધના યુદ્ધમાં મૂળ ગુજરાતના જૂનાગઢની બે સગી બહેનો પણ ઈઝરાયલ તરફથી જંગ લડી રહી છે. હમાસ સામે યુદ્ધ લડનાર આ ગુજરાતી બહેનો કોણ છે ચાલો જાણીયે
ઈઝરાયલની સેનામાં ગુજરાતની બે બહેનો હમાસ વિરુદ્ધ મેદાનમાં (Nisha Muniyasia And Riya Muniyasia In Israeli Army)
મીડિયા રિપોર્ટ અનુસાર હમાસ વિરુદ્ધના યુદ્ધમાં ઈઝરાયલમાં રહેતા ગુજરાતી પરિવારની બે બહેનોએ પણ હથિયાર ઉઠાવ્યા છે અને પેલેસ્ટાઇનના આતંકી સંગઠન સામે લડી રહી છે. આ બે ગુજરાતી બહેનોનું નામ છે નિશા મુળિયાસિયા અને રિયા મુળિયાસિયા. આ બન્ને બહેનોના પિતાનું નામ છે જીવાભાઇ મુળિયાસિયા અને તેઓ ગુજરાતના જૂનાગઢના માણાવદર તાલુકાના કોઠી ગામના વતની છે. જીવાભાઇ લગભગ ત્રીસ વર્ષ પહેલાં તેઓ તેમના મોટા ભાઈ સવદાસભાઈ મુળિયાસિયા અને તેમના પરિવાર સાથે તેલ અવીવ, ઈઝરાયેલમાં સ્થાયી થયા હતા. જીવાભાઇ મુળિયાસિયા ઘણા વર્ષોથી ઈઝરાયલમાં રહે છે અને તેલ અવીવમાં જનરલ સ્ટોક ચલાવે છે. તેમની બે પુત્રીઓ નિશા મુળિયાસિયા અને રિયા મુળિયાસિયા ઈઝરાયલ ડિફેન્સ ફોર્સમાં સૈનિક છે.

જીવાભાઇ મુળિયાસિયાની બે દિકરીઓમાં નિશા મુળિયાસિયા સૌથી મોટી છે અને ઇઝરાયેલી સેનાના કોમ્યુનિકેશન્સ અને સાયબર સિક્યુરિટી વિભાગમાં ચીફ તરીકે ફરજ બજાવે છે. તો નાની બહેન રિયા મુળિયાસિયા પણ તેનું પીયુસી પૂર્ણ કર્યા બાદ કમાન્ડોની તાલીમ પૂરી કરીને કાયમી IDF સૈનિક તરીકે સેવા આપી રહી છે. હમાસ વચ્ચેના અગાઉના યુદ્ધમાં મોટી બહેન નિશા પણ સામેલ હતી. અત્રે નોંધનિય છે કે, તેમના વિભાગે પેલેસ્ટાઇનમાં હમાસ વિરુદ્ધના યુદ્ધમાં ભારે નુકસાન પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ઈઝરાયલમાં તમામ નાગરિકો માટે લશ્કરી સેવા ફરજિયાત
ઇઝરાયેલમાં, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે લશ્કરી સેવા ફરજિયાત છે,જેમાં માત્ર શારીરિક અને માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓને જ આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો કલાકારો અને ખેલાડીઓને તેમની ફરજિયાત ભરતીના સમયગાળામાં 75 ટકા છૂટછાટ આપવામાં આવે છે જે પુરુષો માટે 2 વર્ષ અને આઠ મહિના અને સ્ત્રીઓ માટે બે છે.
ઈઝરાયલ – હમાસ વચ્ચે યુદ્ધ શનિવારથી યુદ્ધ શરૂ થયું છે. ઈઝરાયલના સૈન્ય દળમાં લગભગ સમાન સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ છે. જો કે, હકીકત એ છે કે બહેનો નિશા અને રિયાએ માત્ર તેમની ફરજિયાત સેવા IDF સાથે જ નહીં પરંતુ લશ્કરી કારકિર્દી પણ પસંદ કરી તે આ બહેનોની ખડતલતા દર્શાવે છે. બંને બહેનો ઇઝરાયેલ માટે બલિદાન આપવા માટે પણ તૈયાર છે.
આ પણ વાંચો | ઈઝરાયલ હમાસ યુદ્ધમાં ચાર દિવસમાં 2100 લોકોના મોત; ગાઝા પટ્ટી શું અને ક્યા આવેલી છે?
નિશા સેનામાં દરરોજ 18 કલાક કામ કરે છે. જીવભાઈ મુળિયાસિયાના પિતા નિશા પર ગર્વ અનુભવતા કહે છે કે, મને મારી દીકરી પર ખૂબ ગર્વ છે જે ઈઝરાયેલની સુરક્ષા કરી રહી છે.





