Jignesh Mevani vs Rajkumar Pandian: વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને IPS અધિકારી રાજકુમાર પાંડિયન વચ્ચેનો વિવાદ વધુ વણસી ગયો હોય તેમ લાગી રહ્યું છે. વડગામ એમએલએ એ ગઈકાલે એક ટ્વીટ કરીને પોતાના જીવને જોખમ હોવાની વાત જણાવી છે. ત્યાં જ તેમના પરિવાર, ટીમના સભ્યોને કંઈ થાય તો તેના માટે આઈપીએસ રાજકુમાર પાડિંયનને જવાબદાર ઠેરવવા તેવું જણાવ્યું હતું. જે બાદ આજે જિજ્ઞેશ મેવાણીએ આઈપીએસ રાજકુમાર પાંડિયનને ફરજ પરથી ડિસમિશ કરી દેવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે.
ખરેખરમાં 15 ઓક્ટોબરના રોજ બપોરે 12.30 વાગ્યાની આસપાસ ગુજરાતના દલિત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસ પક્ષના અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા એડીશનલ ડીજી IPS રાજકુમાર પાંડિયનને દલિતોને સરકારી પડતર અને ટોચ મર્યાદા ધારા હેઠળ ફાળવેલી 20 હજાર વીઘા જમીનોમાં અસામાજીક તત્વો અને ગુંડાઓએ કબ્જો કર્યો હોવાની ફરિયાદને લઈ મળવા પહોંચ્યા હતા. જ્યાં જિજ્ઞેશ મેવાણીએ સીનિયર આઈપીએસ અધિકીરીએ પાંડિયન દ્વારા ખોટો વ્યવહાર કર્યાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી પાસે IPS રાજકુમાર પાંડિયન વિરૂદ્ધ ‘વિશેષાધિકાર હનન’ માટે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, જ્યારે તેઓ મીટિંગ માટે IPS રાજકુમાર પાંડિયનની ઓફિસમાં ગયા તો અધિકારીએ તેમની સાથે ‘અશિષ્ટ અને અભિમાની રીતે’ વ્યવહાર કર્યો હતો.
IPS રાજકુમાર પાંડિયનને ડિસમિસ કરો
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જિજ્ઞેશ મેવાણી લખ્યું છે કે, “IPS રાજકુમાર પાંડિયને અમારી સાથે બેહદુ વર્તન કર્યું છે અને તેની વિગતવાર ફરિયાદ અમે વિધાનસભા અધ્યક્ષને કરી છે. આ આઈપીએસ અધિકારી અગાઉ 302ના આરોપી તરીકે સાત વર્ષ જેલ કાપી કેસમાંથી ડિસચાર્જ થયેલ છે. તેમની સાથે અતિગંભીર, અતિસંગીન આરોપો છે. તઓ મારા અને મારા પરિવાર તથા મારા સાથીઓના જાનમાલને ગંભીર નુક્સાન પહોંચાડી શકે તેમ છે. આથી તમે આ પત્રની નોંધ લઈ આઈપીએસ પાંડિયનને નોકરીમાંથી ડિસમિસ કરશો. IPS અધિકારી રાજકુમાર પાંડિયનને એક ક્ષણ પણ રહેવાનો અધિકાર નથી.”
આ પણ વાંચો: જિજ્ઞેશ મેવાણીનું ટ્વીટ – બાબા સિદ્દીકી માફક મારી હત્યા થાય તો આ વ્યક્તિ જવાબદાર
મારી હત્યા થાય તો IPS અધિકારી જવાબદાર
ગઈ કાલે જિજ્ઞેશ મેવાણી દ્વારા એક ટ્વીટ કરીને પોતાના જીવને જોખમ હોવાની વાત કહી હતી. સાથે જ તેમણે આ ટ્વીટમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ધારાસભ્યએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, If I am killed, IPS officer Rajkumar Pandiyan will be responsible for my death! જો બાબા સિદ્દીકીની માફક મારી, મારા પરિવારની અથવા મારા ટીમના કોઈ સભ્યની હત્યા થાય છે તો તેના માટે માત્ર ને માત્ર IPS રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે. બનાવટી એન્કાઉન્ટર મામલે 7 વર્ષની જેલ ભોગલી ચૂકેલા ઓફિસરના ચરિત્રને લઈ આખુ ગુજરાત જાણે છે. ભલે ગમે તે થઈ જાય, હું ગુજરાતના અને દેશના દલિત, એવમ્ બહુજનના આત્મ સન્માનની લડાઈ નહીં છોડું”.





