Jignesh Mevani: “રાજ્યમાં એક તરફ પોતાની માલિકીની જમીનમાં જવા માટે પણ દલિતોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે એ સંજોગોમાં વર્ષો પહેલા દલિતોને ફાળવેલી જમીનોમાં ઘૂસેલા ગુંડા તત્વોને બહાર કાઢીને એમની સામે ગુન્હો દાખલ કરી રક્ષણ પૂરું પાડવાની વાત સાંભળવા પણ સરકારી તંત્ર તૈયાર નથી”. આ આક્ષેપ વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા ગુજરાત સરકાર પર લગાવવામાં આવ્યો છે. સાથે જ વડગામએમએલએ એ આજે એક ટ્વીટ કરીને પોતાના જીવને જોખમ હોવાની વાત પણ જણાવી છે. ત્યાં જ તેમના પરિવાર, ટીમના સભ્યોને કંઈ થાય તો તેના માટે આઈપીએસ રાજકુમાર પાડિંયનને જવાબદાર ઠેરવવા તેવું જણાવ્યું છે.
ખરેખરમાં થોડા દિવસો અગાઉ ગુજરાતના દલિત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સીનિયર IPS રાજકુમાર પાંડિયન પર ખોટો વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી પાસે IPS રાજકુમાર પાંડિયન વિરૂદ્ધ ‘વિશેષાધિકાર હનન’ માટે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, જ્યારે તેઓ મીટિંગ માટે IPS રાજકુમાર પાંડિયનની ઓફિસમાં ગયા તો અધિકારીએ તેમની સાથે ‘અશિષ્ટ અને અભિમાની રીતે’ વ્યવહાર કર્યો હતો.
આ પણ વાંચો: જિગ્નેશ મેવાણીએ IPS અધિકારી પર લગાવ્યો અપમાન કર્યાનો આરોપ, કોંગ્રેસ MLAએ અધિકારીને યાદ કરાવ્યો પ્રોટોકોલ
હવે આ મુદ્દે એમએલએ જિજ્ઞેશ મેવાણીએ આઈપીએસ રાજકુમાર પાંડિયન સામે બાંયો ચઢાવી છે. ત્યાં જ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સાથી સંગઠનો વતી સુબોધ કુમુદ દ્વારા આ સંદર્ભે જણાવાયું છે કે,”એક સમયના નકલી એન્કાઉન્ટરના આરોપી તરીકે જેલવાસ ભોગવીને CBI કોર્ટ દ્વારા ટેકનીકલ કારણોસર નિર્દોષ છૂટેલા સરકારના માનીતા રાજકુમારને મળવા માટે ગયા ત્યારે ધારાસભ્યના પ્રોટોકોલનો ભંગ કરીને મોબાઇલ બહાર રાખવાના મુદ્દે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવેલ જે કોઈ સંજોગોમાં ચલાવી લેવાય તેમ નથી. સરકારી રાજકુમારના રાજદરબારમાં એવા તો કયા ગોરખધંધા ચાલે છે જેનું રેકોર્ડીંગ થઈ જવાનો અને પ્રજા સમક્ષ આવી જવાનો રાજકુમાર પાંડિયનને ડર સતાવે છે?”
હવે આ મામલે ધારસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા એક ટ્વીટ કરીને પોતાના જીવને જોખમ હોવાની વાત કહી છે. સાથે જ તેમણે આ ટ્વીટમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યોનો પણ ઉલ્લેખ કર્યો છે. વડગામ ધારાસભ્યએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, If I am killed, IPS officer Rajkumar Pandiyan will be responsible for my death! જો બાબા સિદ્દીકીની માફક મારી, મારા પરિવારની અથવા મારા ટીમના કોઈ સભ્યની હત્યા થાય છે તો તેના માટે માત્ર ને માત્ર IPS રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે. બનાવટી એન્કાઉન્ટર મામલે 7 વર્ષની જેલ ભોગલી ચૂકેલા ઓફિસરના ચરિત્રને લઈ આખુ ગુજરાત જાણે છે. ભલે ગમે તે થઈ જાય, હું ગુજરાતના અને દેશના દલિત, એવમ્ બહુજનના આત્મ સન્માનની લડાઈ નહીં છોડું”.





