લોકસભા ચૂંટણી 2024: માત્ર મોદીનો ચહેરો પુરતો નથી, ગુજરાતના રાજકારણને પ્રભાવિત કરનાર જ્ઞાતિઓ પર એક નજર

Gujarat Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજ ભાજપની વિરુદ્ધ છે.ગુજરાતના રાજકારણને પ્રભાવિત કરનાર તમામ જ્ઞાતિ સમુદાયો પર એક નજર કરીએ

Written by Ajay Saroya
May 05, 2024 00:13 IST
લોકસભા ચૂંટણી 2024: માત્ર મોદીનો ચહેરો પુરતો નથી, ગુજરાતના રાજકારણને પ્રભાવિત કરનાર જ્ઞાતિઓ પર એક નજર
ગુજરાતના ભાજપના રાજકોટ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. (Photo - @PRupala)

Gujarat Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ઘણી વિવાદિત ઘટનાઓ બની છે. કેન્દ્રીય મંત્રી અને રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ક્ષત્રિયો માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. રૂપાલાના આ નિવેદન સામે ક્ષત્રિય સમાજ દ્વારા 23 માર્ચથી જ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. પુરષોત્તમ રૂપાલાની ટિકિટની માંગણી ન સ્વીકારાતા ક્ષત્રિય સમાજે ભાજપના વિરોધમાં રાજ્યમાં પોતાના 92 સંગઠનોની સંકલન સમિતિની રચના કરી છે. આ દરમિયાન ક્ષત્રિય સમાજના લોકોએ તેમના લોકસભા મત વિસ્તારોમાં ભાજપ ઉમેદવારોના ચૂંટણી પ્રચારને પણ અટકાવી દીધો છે.

ક્ષત્રિય સંગઠનોની માંગણી ભાજપે સ્વીકારી નથી તેમ છતાં પરષોત્તમ રૂપાલા અને પક્ષના અન્ય આગેવાનોએ સમાજની માફી માંગી છે. ગુજરાતના રાજકારણને પ્રભાવિત કરનાર જ્ઞાતિઓ પર નજર કરીએ :

ક્ષત્રિય સમાજનો પુરુષોત્તમ રુપાલા સામે વિરોધ

ગુજરાતમાં ઉચ્ચ જાતિના ક્ષત્રિય કે રજપૂતની વસ્તી અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. રાજપૂત સંગઠનોની સંકલન સમિતિએ દાવો કર્યો છે કે, રાજ્યમાં આ સમુદાયની વસતી 10 ટકા છે. તેના સંયોજક રામજુભા જાડેજાએ જણાવ્યું હતું કે ક્ષત્રિયોની સંખ્યા 70 લાખ જેટલી છે. જાડેજાનો દાવો છે કે આ સમુદાય જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને ભરૂચ સહિત અનેક લોકસભા બેઠકો પર ચૂંટણી પરિણામને પ્રભાવિત કરી શકે છે. રાજ્યની તમામ 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. ભાજપના ક્ષત્રિય સમાજના એક નેતાનો દાવો છે કે ગુજરાતમાં આ સમુદાયની વસ્તી 17 ટકા છે.

અમદાવાદના સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીના જણાવ્યા અનુસાર, રાજપૂતોની જનસંખ્યા ગુજરાતની કુલ વસ્તીના લગભગ 7 થી 8 ટકા જેટલી છે. જાનીએ કહ્યું કે, આટલી ક્ષમતાને જોતાં રાજપૂતોની ચૂંટણી પરિણામો પર ખાસ અસર નહીં પડે. તેમણે એમ પણ ધ્યાન દોર્યું હતું કે ક્ષત્રિયોનો એક વર્ગ ભાજપને ટેકો આપી રહ્યો છે.

Parshottam Rupala vs Kshatriyas
પરષોત્તમ રૂપાલા વિ ક્ષત્રિયોનું વિરોધ પ્રદર્શન

ગુજરાત ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, અમને આ ક્ષત્રિય આંદોલનની બહુ ચિંતા નથી. તેઓ સંખ્યાની દ્રષ્ટિએ બહુ મજબૂત નથી અને તેમાંથી તમામ આપણી વિરુદ્ધ નથી. તેમાંથી ઘણા ભાજપ સાથે છે. તેથી આ આંદોલનની અમને બહુ અસર થવાની નથી. ઊલટાનું, ગ્રામીણ વિસ્તારોમાં ક્ષત્રિયો વિરુદ્ધ અન્ય સમુદાયોના મતોનું ધ્રુવીકરણ થવાથી અમને લાભ થઈ શકે છે.

જો કે 2 મેના રોજ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્ષત્રિય સમાજને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોને કોંગ્રેસ માટે પોતાના મતનો બગાડ ન કરવા જણાવ્યું હતું. પીએમ મોદીએ જામનગરમાં નવાનગર શાસક પરિવારના વડીલ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે પણ મુલાકાત કરી હતી.

અન્ય પછાત વર્ગો (ઓબીસી)

સમગ્ર ગુજરાતમાં ઓબીસી સમાજ ફેલાયેલો છે. ગુજરાતમાં લગભગ 45-50 ટકા વસ્તી છે. રાજ્યના બે મુખ્ય ઓબીસી સમૂદાય કોળી અને ઠાકોર છે. અમુક અન્ય અગ્રણી ઓબીસી સમુદાયોમાં ચૌધરીઓ, માલધારીઓ અને વિચરતી-જનજાતિઓ અને બિન-અનુસૂચિત જનજાતિઓ (એનટી-ડીએનટી)નો સમાવેશ થાય છે.

રાજ્યમાં કુલ મળીને 146 સમુદાયો છે જેમને ઓબીસી હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમાં કેટલાક મુસ્લિમ જૂથોનો પણ સમાવેશ થાય છે. પાટીદાર સમાજ એ રાજ્યમાં અમારા સમર્થનની કરોડરજ્જુ છે. જો કે, અમારી પાર્ટી ઓબીસીની ઉપેક્ષા ન થાય તે માટે સભાન પ્રયાસો કરે છે. 1980ના દાયકામાં કોંગ્રેસે રચેલું KHAM (ખામ) (ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) સમીકરણ ફરીથી પ્રભુત્વ ન ધરાવે તે માટે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે અને તેથી અમારો પક્ષ ખૂબ જ સભાનપણે ખાતરી આપે છે કે ઓબીસીના હિત અને પ્રતિનિધિત્વની અવગણના ન થાય.

1980ના દાયકામાં તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની આગેવાની હેઠળની કોંગ્રેસે પક્ષની વિરુદ્ધ થઈ ગયેલા પાટીદારો સામે ચૂંટણીલક્ષી રીતે જીતનાર સામાજિક ગઠબંધનની રચના કરવા માટે KHAM સમીકરણનો ઉપયોગ કર્યો હતો.

પાટીદાર સમાજ

ગુજરાતમાં પાટીદાર સમાજ સૌથી શક્તિશાળી છે. તેઓ કૃષિ, વેપાર અને શિક્ષણ સહિત ઘણા મુખ્ય ક્ષેત્રોમાં પ્રભુત્વ ધરાવે છે. તે રાજ્યમાં ભાજપના સમર્થનનો આધાર કેન્દ્ર પણ છે. રાજ્યમાં તેમની વસ્તી લગભગ 12-15% છે. 2015ના પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપ અને પાટીદારો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. આનાથી 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ડર લાગ્યો હતો જ્યારે પાર્ટી રાજ્યની 182 બેઠકોમાંથી માત્ર 99 બેઠકો જીતી શકી હતી, જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. પરંતુ ત્યારબાદ ભાજપે આ સમુદાય સાથેના તેના સંબંધોને સુધાર્યા છે.

PM Modi Speech Anand
પીએમ નરેન્દ્ર મોદી એ આણંદ માં જનસભા સંબોધી (ફોટો – બીજેપી ગુજરાત)

તેમણે પાટીદાર નેતા ભૂપેન્દ્ર પટેલને પણ મુખ્યમંત્રી બનાવ્યા હતા. ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ રીતે જોઈએ તો ઓબીસીની સંખ્યા પાટીદારો કરતાં વધારે છે. પરંતુ પાટીદારો પોતાની જનસંખ્યા તાકત ઉપરાંત રાજ્યમાં ધન સંપત્તિ પણ ખેંચી લાવે છે. અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, કચ્છ, મહેસાણા, સુરત અને અમદાવાદ સહિત અનેક લોકસભા બેઠકો પર ચૂંટણી પરિણામ નક્કી કરવામાં પાટીદાર સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

આદિવાસી

ગુજરાતની 15 ટકા વસ્તી અનુસૂચિત જનજાતિ (એસટી) છે. 26 બેઠકોમાંથી ચાર બેઠકો એસટી અનામત છે – દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી અને વલસાડ. રાજ્યના પૂર્વ ભાગમાં આદિવાસીઓની વસ્તી ફેલાયેલી છે. એસટીની ચાર બેઠકો ઉપરાંત સાબરકાંઠા, ભરૂચ, બનાસકાંઠા અને પંચમહાલ જેવી લોકસભા બેઠકોમાં આદિવાસીઓની વસ્તી નોંધપાત્ર છે.

વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના સહયોગી કોંગ્રેસ અને આપ એ અનુક્રમે સાબરકાંઠા અને ભરૂચમાં આદિવાસી ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપે ભરૂચમાં અનુભવી આદિવાસી નેતા અને છ વખતના સાંસદ મનસુખ વસાવાને પણ મેદાનમાં ઉતાર્યા છે, જેમનો મુકાબલો આપ પાર્ટીના ચૈતર વસાવા સાથે છે.

મુસ્લિમ

એક અંદાજ મુજબ ગુજરાતની વસતીમાં મુસ્લિમોની સંખ્યા 10 ટકા જેટલી છે. તેઓ ઓછામાં ઓછી 15 બેઠકો – કચ્છ, જામનગર, જૂનાગઢ, ભરૂચ, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ પૂર્વ, ગાંધીનગર, નવસારી, પંચમહાલ અને આણંદ બેઠકો પર સારી સંખ્યામાં છે. જો કે, આ પ્રચાર અભિયાનમાં મુસ્લિમ મુદ્દાઓ મુખ્ય સ્થાને આવ્યા નથી. ભાજપ અને કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે તેઓ તેને વ્યૂહાત્મક કારણોસર ઉઠાવવામાં આવ્યા નથી. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ રાજ્યના સૌથી મોટા મુસ્લિમ નેતા હતા. વર્ષ 2020માં તેમના નિધન બાદથી ગુજરાતમાં મુસ્લિમ નેતાગીરીમાં શૂન્યાવકાશ સર્જાયો છે.

હાલ જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ગુજરાત વિધાનસભામાં એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય છે. રાજ્યના કેટલાક અન્ય અગ્રણી મુસ્લિમ નેતાઓમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને કોંગ્રેસના નેતા કાદિર પીરઝાદાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024: 3 રાજ્યમાં કોંગ્રેસના ઉમેદવારોએ કેમ છોડી દીધું મેદાન? ભાજપની ચાલ કે અન્ય કોઇ કારણ

દલિત

રાજ્યમાં લગભગ 8 ટકા વસ્તી સાથે અનુસૂચિત જાતિ (એસસી) ગુજરાતમાં એક મહત્વનો સમુદાય છે. રાજ્યમાં બે એસસી-અનામત બેઠકો છે, અમદાવાદ પશ્ચિમ અને કચ્છ. દલિતોની વસ્તી ધરાવતા અન્ય કેટલાક લોકસભા મતવિસ્તારોમાં બનાસકાંઠા, પાટણ, જામનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. પોતાના ચૂંટણી પ્રચારમાં ઈન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ આરોપ લગાવી રહી છે કે ભાજપે સત્તામાં આવ્યા બાદ સંવિધાન બદલવા અને અનામત વ્યવસ્થાને નબળી પાડવા માટે 400 પાર નો નારો આપ્યો છે. ભાજપે આ આરોપોને ફગાવી દીધા છે અને જુઠ્ઠાણું ફેલાવવા માટે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પર વળતો પ્રહાર કર્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ