લોકસભા ચૂંટણી : આપને ભરુચ સીટ આપી, શું કોંગ્રેસે અહેમદ પટેલની 45 વર્ષની વિરાસતને મિટાવી દીધી?

Lok Sabha Elections : મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે અહેમદ પટેલના પરિવારનો વિરોધ હોવા છતાં કોંગ્રેસે આ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને કેમ આપી?

Written by Ashish Goyal
February 25, 2024 19:31 IST
લોકસભા ચૂંટણી : આપને ભરુચ સીટ આપી, શું કોંગ્રેસે અહેમદ પટેલની 45 વર્ષની વિરાસતને મિટાવી દીધી?
અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ભરુચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હતી (તસવીર - સોશિયલ મીડિયા)

Lok Sabha Elections 2024 : લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગુજરાતમાં પણ ગઠબંધન કર્યું છે. ગુજરાતમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને બે લોકસભા સીટ પર ચૂંટણી લડવા માટે કહ્યું છે. આ બે લોકસભા બેઠકો ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક છે. જોકે ભરૂચ લોકસભા બેઠક આપને આપવાના કોંગ્રેસના નિર્ણય સામે અહેમદ પટેલના પરિવારે નારાજગી વ્યક્ત કરી છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો કોંગ્રેસના ઉમેદવાર ભરૂચમાં નહીં હોય તો તેઓ અન્ય કોઇ પક્ષને ટેકો નહીં આપે. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ આ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હતી.

અહેમદ પટેલ સતત 3 ચૂંટણી જીત્યા હતા

અહેમદ પટેલ પરિવાર 45 વર્ષથી ભરૂચ લોકસભા બેઠક માટે મહેનત કરી રહ્યો છે. અહેમદ પટેલ સતત ત્રણ વખત આ બેઠક પર જીત્યા હતા. તે 1977, 1980 અને 1984ની લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર જીત્યા હતા. 1975માં કટોકટી બાદ જ્યારે દેશભરમાં કોંગ્રેસની વિરુદ્ધ લહેર હતી ત્યારે પણ અહેમદ પટેલે અહીંથી કોંગ્રેસને જીત અપાવી હતી.

કોંગ્રેસ સતત 10 ચૂંટણી હારી છે

1984 બાદ 1989માં ચૂંટણી થઈ અને કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો. 1989ની ચૂંટણીમાં અહેમદ પટેલને ભાજપના ચંદુ શામભાઈ દેશમુખે હરાવ્યા હતા. આ પછી આગામી સળંગ 9 ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસ જાળવી શકી ન હતી. મહત્વની વાત એ છે કે 1984 બાદ ભરૂચથી તમામ 10 લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો.

આ પણ વાંચો – દ્વારકામાં પીએમ મોદીએ કહ્યું – કોંગ્રેસમાં ઇચ્છાશક્તિ ન હતી, અમે બદલી દેશની તસવીર

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ બીજા નંબરે રહી હતી

મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે અહેમદ પટેલના પરિવારનો વિરોધ હોવા છતાં કોંગ્રેસે આ લોકસભા બેઠક આપને કેમ આપી? મુમતાઝ પટેલ સતત દાવો કરી રહ્યા હતા કે અહીંથી કોંગ્રેસના ઉમેદવાર હશે. ભરૂચ લોકસભા મત વિસ્તાર હેઠળ 6 વિધાનસભા મત વિસ્તાર છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને તમામ 6 વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 6,16,461 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 3,19,131 મત મળ્યા હતા. આ સાથે જ આમ આદમી પાર્ટીને 1,54,954 વોટ મળ્યા હતા. આવી સ્થિતિમાં લોકસભા સીટ પર કોંગ્રેસ બીજા નંબરે રહી હતી. તેમ છતાં આ બેઠક આપ પાર્ટીને આપવી એ કોંગ્રેસના કાર્યકરોને ગળે ઉતરતી નથી.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરી દીધા છે. 7 જાન્યુઆરીએ ભરૂચમાં એક જનસભાને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અહીંથી આપના ઉમેદવાર હશે. એટલે કે ગઠબંધનની જાહેરાત ન થાય તે પહેલા અરવિંદ કેજરીવાલે આ બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા.

ફૈઝલે સમર્થન ન આપવાની જાહેરાત કરી છે

બે દિવસ પહેલા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે જાહેરસભામાં જણાવ્યું હતું કે કોંગ્રેસ લોકશાહી પક્ષ છે અને ઇ્ડિયાનું ગઠબંધન આપણા દેશ માટે મહત્વનું છે. તેમણે કહ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હશે તો તેનાથી ગઠબંધનને ફાયદો થશે અને જીતવું સરળ બનશે. હું માનું છું કે ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસને આપવી જોઈએ, નહીં તો હું આ ગઠબંધનને ટેકો આપીશ નહીં.

અહેમદ પટેલનો વારસો વ્યર્થ નહીં જવા દઈએઃ મુમતાઝ પટેલ

આપને આ બેઠક આપવાના કોંગ્રેસના નિર્ણય અંગે મુમતાઝ પટેલે એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક સુરક્ષિત ન કરી શકવા બદલ હું અમારા જિલ્લા કેડરની હૃદયપૂર્વક માફી માંગું છું. હું તમારી નિરાશા સમજી શકું છું. તેમણે કહ્યું કે આપણે સાથે મળીને કોંગ્રેસને મજબૂત કરવા માટે ફરીથી સંગઠિત થઈશું. અમે અહેમદના 45 વર્ષના વારસાને વ્યર્થ નહીં જવા દઈએ.

ભાજપે મુમતાઝને ઓફર આપી છે

ભાજપે મુમતાઝ પટેલને પણ ઓફર આપી છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે આ કોંગ્રેસની આંતરિક બાબત છે, પરંતુ અહેમદ પટેલ ભરૂચ કોંગ્રેસના મોટા નેતા હતા તેવું હું માનું છું. મનસુખ વસાવાએ કહ્યું હતું કે હવે અહેમદ પટેલ નથી, તો તેમની દીકરીને કોંગ્રેસને પ્રોજેક્ટ કરવી જોઇતી હતી પરંતુ કોંગ્રેસે એવું કર્યું નહીં. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ રાષ્ટ્રીય વિચારધારામાં જોડાવા માંગે છે, તો ભાજપમાં તેમનું સ્વાગત છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ