અમદાવાદ : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી છે, તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે, પાર્ટી ભારતમાં ગઠબંધન હેઠળ ગુજરાતમાં આગળ વધશે.
ઈસુદાન ગઢવીએ પાર્ટી કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતની જનતાના હિતમાં પાર્ટી કોંગ્રેસ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખુબ વદી ગયો છે, અને સત્તાધારી પાર્ટી તેને પ્રોત્સાહન આપે છે, ભ્રષ્ટાચારીઓને રાજકારણીઓને રક્ષણ મળે છે. તેમણે ભાજપમાં પડેલા રાજીનામા પર કહ્યું કે, તે ભાજપ પાર્ટીનો આંતરીક મુદ્દો છે, પરંતુ જે પ્રકારના આક્ષેપોનો વિવાદ છે તેની તપાસ થવી જોઈએ.
INDIA ગઠબંધન અંતર્ગત સીટોની વહેંચણી અંગે ચર્ચા કરાશે
તમને જણાવી દઈએ કે, વિપક્ષ પાર્ટીઓએ INDIA ગઠબંધન કરી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપા પાર્ટીને હરાવવા એક સાથે આવવાનો નિર્ણય લીધેલો છે, જે અંતર્ગત AAP આદમી પાર્ટી ગુજરાતમાં INDIA ગઠબંધન સાથે આગળ વધશે. આ જોડાણ માત્ર કેન્દ્રમાં જ નહીં ગુજરાતમાં પણ લાગુ રહેશે. ગઢવીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આપ બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરી રહ્યા છીએ. આ વખતે ભાજપ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો જીતી શકશે નહીં.
ગઢવીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા
પત્રકાર પરિષદમાં ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના નેતાઓ સામે મોટા આક્ષેપો થયા છે. જેમાં કરોડો રૂપિયાના જમીનના સોદામાં સંડોવણી હોવાના આક્ષેપો છે. આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આપ નેતાએ કહ્યું કે, મારી માંગ છે કે, ED આ કેસોની તપાસ કરે.
ભાજપ અમારો અવાજ દબાવી નહીં શકે
તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ અને આપ અમે સાથે મળીને ગુજરાતની જનતાના પ્રશ્નો અને ભ્રષ્ટાચારથી લઈને પ્રજાને લગતા જે પણ વિષયો હશે તે મુદ્દા ઉઠાવીશું. દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીની સરકાર છે. આ પહેલા કોંગ્રેસની સરકાર હતી. દિલ્હીમાં ભાજપની જીત નથી થઈ. એટલા માટે હવે બિલ લાવવામાં આવ્યું છે, પરંતુ અમે ડરવાના નથી, અમે પ્રજાના પ્રશ્નોને ઉઠાવતા રહીશું, ભાજપ આમ આદમી પાર્ટીને દબાવી કે રોકી નહી શકે.
આ પણ વાંચો – અમેરિકાના આ મ્યુઝિયમમાં છે જ્ઞાનવાપીનું સત્ય, 150 વર્ષ જૂના ફોટા આપી રહ્યા જુબાની
કોંગ્રેસ પ્રવક્તાએ પણ કર્યો ખુલાસો
ઈસુદાને જણાવ્યું કે, લોકસભા ચૂંટણી 2024માં આપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડીશું. પાર્ટી કેટલી સીટો પર ચૂંટણી લડશે? આ અંગે હાી કમાન્ડ લેવલે ચર્ચા ચાલી રહી છે. ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ મામલે કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના પ્રવક્તા અમિત નાયકે કહ્યું છે કે, લોકો મોંઘવારી અને બેરોજગારીથી ચિંતિત છે. દેશની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે.





