મંગળવારે ગાંધીનગરમાં એક સંબંધીના એપાર્ટમેન્ટમાં 32 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો, પોલીસે જણાવ્યું હતું કે આ કેસના સંદર્ભમાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે , પીડિતાની ઓળખ રિંકલ હસમુખ વણઝારા તરીકે થઈ છે, જે અમદાવાદ શહેર પોલીસમાં પોલીસ હેડક્વાર્ટરમાં તૈનાત હતી. આ કેસમાં પોલીસે મોહન નાગજીભાઇ પારધી નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી અને મૃતક મહિલા છેલ્લા કેટલાક વર્ષોથી પ્રેમ સંબંધમાં હતા.
જોકે મંગળવારના રોજ મૃતક મહિલાએ આરોપીને લગ્ન વિશે વાત કરી હતી. પરંતુ મોહન પરિણીત અને એક બાળકનો પિતા હોવાથી તેણે લગ્નને લઈ ના પાડી દીધી હતી. જે બાદ રિંકલ અને મોહન વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેથી મોહને ઘરમાં પડેલા કપડાથી મહિલા કોન્સ્ટેબલના મોઢા પર કપડુ દબાવી દીધું હતું. હત્યા પછી મોહન ત્યાંથી દરવાજાને બહારથી બંધ કરી બસ મારફતે અમરેલી જતો રહ્યો હતો.
રિંકલ વણઝારાનો મૃતદેહ તેમના ભાઈ અને ભાભીને ગાંધીનગરના સેક્ટર-24 સ્થિત તેમના ઘરેથી મળી આવ્યો હતો, જેના પગલે તેમણે પોલીસને જાણ કરી હતી. બાદમાં સેક્ટર-21 પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્યારબાદ અકસ્માત મૃત્યુ (એડી) રિપોર્ટ દાખલ કર્યો હતો. બાદમાં આ કેસ ગાંધીનગર પોલીસની સ્થાનિક ગુના શાખા (LCB) ને સોંપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં નવરાત્રીના છેલ્લા નોરતા માટે IMDએ શું કરી આગાહ? અમદાવાદમાં કેવું રહેશે હવામાન?
ઉલ્લેખનિય છે કે, મંગળવારે સાંજે જારી કરાયેલા એક નિવેદનમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાળાએ જણાવ્યું હતું કે, “પ્રારંભિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રિંકલબેનની હત્યા કરવામાં આવી છે. અમારી માહિતી મુજબ તેમના નજીકના વ્યક્તિએ આ હત્યા કથિત રીતે કરી છે, શંકાસ્પદ વ્યક્તિને ગાંધીનગર એલસીબી દ્વારા તાત્કાલિક પકડી લેવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે”.