મોડાસાથી એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે, જેમાં ચાર લોકોના મોત થયાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર-દુર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા તાલુકાના લાલપુરકંપા નજીક એક ફટાકડાની ફેક્ટરી આવેલી છે, જ્યાં બપોરે અચાનક આગ લાગી હતી. આગની ઘટના સાથે મોટા અવાજ સાથે વિસ્ફોટોનો અવાજ પણ આવ્યો હતો. અચાનક આગ લાગ્યાના સમાચારથી આજુ બાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા તંત્ર રેસ્કુ માટે ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું. ફાયર વિભાગે તુરંત કાર્યવાહી હાથ ધરી આગ પર કાબુ મેળવવાનું શરૂ કર્યું. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. તો 5 લોકોને સહિ સલામત બચાવી લેવામાં આવ્યા છે.
ઘટનાની જાણ શહેરમાં ફેલાતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા, પોલીસે ટ્રાફિક જામ ન થાય તે માટે મામલો હાથ પર લઈ લીધો અને ટોળાને છૂટા પાડવાની તજવીજ હાથ ધરી હતી.
સ્થાનિકો અનુસાર, ફેક્ટરીમાંથી ધડાકાના મોટા મોટા અવાજ સાંભળવા મળ્યા હતા, ધુમાડાના ગોટા લગબગ પાંચ કિમી સુધી જોવા મળી રહ્યા હતા. ઘાયલોને હાલમાં નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ફાયર વિભાગ અને પોલીસની ટીમ આગ કેવી રીતે લાગી તે મામલે તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.