Ahmedabad Rain : શુક્રવારે બપોર પછી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના બોપલ, ઘુમા, એસજી હાઈવે, પ્રહલાદનગર, સેટેલાઈટ, જમાલપુર, લાલ દરવાજા સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે પશ્ચિમ અમદાવાદ પાણી પાણી થઈ ગયું હતું. સાંજનો ટાઇમ હોવાથી નોકરી-ધંધેથી ઘરે જતા લોકો પાણીમાં ફસાયા હતા.
ભારે વરસાદના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઇ છે. પશ્ચિમમાં ઠેર-ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના એસજી હાઇવે ઉપર ભારે વરસાદને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. કર્ણાવતી ક્લબ, બોડકદેવ, સિંધુભવન, ઇસ્કોન બ્રિજ ઉપર ટ્રાફિકજામ જોવા મળ્યો છે. ભારે વરસાદને કારણે શહેર પાણી-પાણી જ છે. વરસાદી પાણી રોડ પર ફરી વળતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદમાં અતિ ભારે વરસાદને કારણે 5 અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. જેમાં શાહીબાગ, અખબારનગર નિર્ણયનગર, મકરબા, પરિમલ ગાર્ડન અંડરપાસ બંધ કરાયા છે. વરસાદને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા અને સંબંધિત જિલ્લા તંત્રોને માર્ગદર્શન આપવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મોડી રાત્રે મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે મોબાઈલ ફોન દ્વારા વાત કરીને સમગ્ર જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદ તેમજ વિસાવદર તાલુકાના ગામોમાં ભરાયેલા પાણી, લોકોના સ્થળાંતર ની જરૂરિયાત વગેરેની પણ માહિતી લીધી હતીભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના અંજારમાં પડેલા વરસાદ અને તેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે કલેકટર સાથે વાત ચીત કરી હતી. અંજારમાં તળાવ છલકાવા તેમજ અંજાર નજીકનો ડેમ ઓવરફલો થવાની સ્થિતિમાં માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર કે જનજીવનને અસર ના પડે તે માટે પણ મુખ્ય મંત્રીએ જરૂરિયાત મુજબ યોગ્ય કાર્યવાહી કરવા સૂચવ્યું હતું.
આ પણ વાંચો – અમદાવાદમાં વરસાદે તંત્રની પોલ ખોલી, તસવીરોમાં જુઓ શહેરમાં પાણી જ પાણી
આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છ જામનગર, જૂનાગઢ તેમજ નવસારી જિલ્લામાં એનડીઆરએફની ટીમો એમ કુલ ૪ ટીમો જિલ્લા તંત્રની મદદ માટે મોકલવામાં આવી છે. એસડીઆરએફની બે ટીમ જૂનાગઢ અને જામનગરમાં મોકલી દેવાઈ છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામકે ગુજરાતમાં દર વર્ષે ચોમાસામાં આ સમયે પડતા વરસાદ કરતા ઘણો વધુ વરસાદ પડ્યો છે તેની વિગતો બેઠકમાં આપી હતી.
જામનગરમાં 9.30 ઈંચ જેટલો વરસાદ
જામનગર શહેરમાં 10 ઇંચ ઉપર વરસાદ પડવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો રામેશ્વર નગર, પુનિત નગર, મચ્છર નગર, નવાગામ ઘેડ, ધણસેરી તેમજ ચર્ચ વિગેરે વિસ્તારોમાં પાણી ભરાયા છે.

રાજકોટ : જામકંડોરણામાં 6 ઈંચ વરસાદ
આ બાજુ રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ગઈ કાલ રાત્રિના 12 વાગ્યા સુધીમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમના જણાવ્યા મુજબ પડધરી તાલુકામાં 2.5 ઈંચ, રાજકોટ તાલુકામાં 2 ઈંચ, લોધીકા તાલુકામાં 1.25 ઈંચ, કોટડા સાંગાણી તાલુકામાં 1.5 ઈંચ, જસદણ તાલુકામાં 2.25 ઈંચ, ગોંડલ તાલુકામાં 2 ઈંચ, જામકંડોરણા તાલુકામાં 6 ઈંચ, ઉપલેટા તાલુકામાં 5 ઈંચ, ધોરાજી તાલુકામાં 5.25 ઈંચ, જેતપુર તાલુકામાં 5 ઈંચ તથા વિછીયા તાલુકામાં 0.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
કચ્છ: અંજારમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો
કચ્છ જિલ્લાની વાત કરીએ તો, અંજારમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી છે. અંજાર શહેર પણ પાણી-પાણી થયું છે. ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. અંજાર ખેતીવાડી બજાર સમિતિમાં પાણી ભરાયા ગયા હતા. આજે વહેલી સવારથી જ મેઘરાજાએ બેટીંગ શરૂ કરી હતી અને 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યાની પણ માહિતી મળી રહી છે.