Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો ન્યાયની આજીજી કરી રહ્યા છે. 12 જૂનનો આ ખૂબ જ કાળો દિવસ હતો જ્યારે આ વિમાન દુર્ઘટનામાં 270 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અમદાવાદથી લંડન જઇ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પીડિતોના પરિવારજનોમાંથી ઘણા લોકોએ વળતર લેવાનો નિર્ણય લીધો છે, જ્યારે એક પરિવારે અવો છે જેમણે કહ્યું છે કે તેઓ બોઇંગ પર કેસ કરશે. એર ઇન્ડિયાએ કહ્યું કે તેણે 10 જુલાઇ સુધીમાં તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના 92 પરિવારોને વળતર જાહેર કર્યું છે અને 66 અન્ય લોકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસે અકસ્માતમાં તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો સાથે વાત કરી હતી. ખુશ્બુ જે માત્ર 24 વર્ષની હતી અને આ વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કર્યા હતા. તે પોતાના પતિ વિપુલ સિંહને મળવા માટે લંડન જઈ રહી હતી અને લગ્ન બાદ તેની આ પહેલી યાત્રા હતી પણ સમયનો કાળ એવો સર્જાયો કે પત્નીના અંતિમ સંસ્કાર કરવા માટે પતિએ અમદાવાદ આવવું પડ્યું હતું.
આ અકસ્માતમાં ખુશ્બુના પતિ અને તેમના માતા-પિતાને સદમો લાગ્યો છે. પરિવારનું કહેવું છે કે વળતરના પૈસાથી તેઓ ખુશ્બુની યાદમાં કોઈ કામ કરશે.
આવું શા માટે બન્યું? અમે જાણવા માંગીએ છીએ
કાર્ગો મોટર્સ અમદાવાદ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ડિરેક્ટર પ્રમુખ નંદા, તેમના પત્ની નેહા અને નાના પુત્ર પ્રયાસનું પણ આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું. પ્રમુખ નંદા નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાં તેમના સૌથી મોટા પુત્ર 22 વર્ષીય પ્રથમના દિક્ષાંત સમારોહમાં ભાગ લેવા લંડન જઇ રહ્યા હતા. પ્રમુખના નાના ભાઈ પ્રણવ નંદાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આવું કેમ બન્યું? અમારે એ જાણવું છે. તેઓ બ્લેક બોક્સના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો – એર ઇન્ડિયાનું વિમાન કેમ ક્રેશ થયું? રિપોર્ટના મહત્વપૂર્ણ મુદ્દાઓ, અત્યાર સુધીનો ઘટનાક્રમ
પ્રમુખના નાના ભાઈ પ્રણવ નંદાએ જણાવ્યું કે અમેરિકાની લો ફર્મોએ એરલાઇન અને વિમાન કંપનીઓ સામે આ મામલો ઉઠાવવા માટે અમારો સંપર્ક કર્યો છે, પરંતુ અમે હજુ સુધી તેમનો જવાબ આપ્યો નથી.
અમદાવાદની ઉદ્યમી તૃપ્તિ સોનીએ પોતાના ભાઈ સ્વપ્નિલ (45), તેમની પત્ની યોગા (44) અને પોતાની ભાભી અલ્પા (55)ને ગુમાવ્યા હતા. તૃપ્તિ સોનીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે અમે અમેરિકાની કાનૂની ટીમની મદદથી બોઇંગ પર કેસ કરવા જઈ રહ્યા છીએ. અમે લો ફર્મ સાથે આ મામલાને લઇને ચર્ચા કરી છે, જેણે વિમાન દુર્ઘટનાના પીડિતો વતી આવા કેસો લડ્યા છે. સોનીના પરિવારે એર ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા વળતર દાવાનું ફોર્મ જમા કર્યું નથી.
(અહેવાલ – રિતુ શર્મા, પરિમલ ડાભી)