Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ તમામ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા માટે તેમના અભિયાનને તેજ બનાવ્યું છે. આ બધા વચ્ચે તમામ પક્ષો પોતાનું ધ્યાન મુસ્લિમ મતો પર કેન્દ્રિત કરી રહ્યા છે. ગુજરાતની કુલ વસ્તીના નવ ટકા જેટલા મુસ્લિમ સમુદાયનો હિસ્સો છે. પરંતુ તેનાથી વિપરિત કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા 1995થી અડધી થઈ ગઈ છે જ્યારે ભાજપે માત્ર એક જ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
ગુજરાતની 182 બેઠકો પર કોંગ્રેસે આ વખતે માત્ર 6 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે પણ બે દાયકા બાદ વ્યારા બેઠક પરથી ખ્રિસ્તી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે છેલ્લે 1998માં વાગરા વિધાનસભા બેઠક પરથી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. આમ આદમી પાર્ટીએ ત્રણ મુસ્લિમોને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) એ કુલ 13 નામાંકનમાંથી 11 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. તો, આ સમુદાયમાંથી ઘણા અપક્ષ ઉમેદવારો છે જેઓ કોંગ્રેસના વોટ શેરને નુકસાન પહોંચાડે તેવી અપેક્ષા છે.
રાજ્યની લગભગ 10 ટકા વસ્તી મુસ્લિમ છે
ઉલ્લેખનીય છે કે, 2011ની વસ્તી ગણતરીના ઉપલબ્ધ આંકડા મુજબ ગુજરાતની કુલ વસ્તી આશરે 6 કરોડ છે. કુલ વસ્તીમાં હિંદુઓ 88.57 ટકા અને મુસ્લિમો લગભગ 9.67 ટકા છે. એટલે કે રાજ્યમાં લગભગ 58.47 લાખ મુસ્લિમો વસે છે, પરંતુ રાજ્યની સત્તામાં તેમની ભાગીદારી લગભગ નહીવત્ છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી (2017)માં માત્ર ચાર મુસ્લિમ ઉમેદવારો ચૂંટાયા હતા. ચારેય કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. વર્ષ 1980માં જ્યારે કોંગ્રેસના માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા ત્યારે 12 મુસ્લિમ નેતાઓ વિધાનસભા પહોંચ્યા હતા.
ગુજરાતમાં, ભાજપ અને મુસ્લિમ
ગુજરાતમાં લગભગ 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. વર્ષ 1980માં ભાજપની રચના થઈ ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતમાં નવ વિધાનસભાની ચૂંટણી થઈ છે. આ દરમિયાન ભાજપે માત્ર એક ચૂંટણીમાં મુસ્લિમ નેતાને ટિકિટ આપી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી અને છેલ્લી વખત ભાજપે 24 વર્ષ પહેલા ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક પર મુસ્લિમને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપે તે બેઠક ગુમાવી હતી. ત્યારથી આજ સુધી ભાજપે એકપણ ચૂંટણીમાં એક પણ મુસ્લિમ નેતાને ટિકિટ આપી નથી.
આ પણ વાંચો – ભાજપ-કોંગ્રેસ વચ્ચે કોઈ આ મુદ્દે કોઈ મતભેદ નહી, બંને પક્ષમાં 20 બેઠકો પર નેતાઓના પુત્રો નસીબ અજમાવી રહ્યા
તમને જણાવી દઈએ કે 182 વિધાનસભા બેઠકો ધરાવતા ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થવાનું છે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.





