અમદાવાદમાં નવરાત્રી (Navratri 2022) દરમિયાન એક યુવકને ગરબા રમવા દરમિયાન સ્ટેપ ભૂલી જવા ઘણું મોઘું પડ્યું છે. જેના કારણે પડોશમાં રહેતા યુવકોએ તેની ખરાબ રીતે પીટાઇ કરી હતી. આ દરમિયાન તેને પેટમાં ગંભીર ઇજા પહોંચી છે. સોસાયટીના અન્ય લોકોએ વચ્ચે પડીને તેનો જીવ બચાવ્યો હતો. 25 વર્ષના યુવકે ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના અમદાવાદના વસ્ત્રાલના શિવમ એપાર્ટમેન્ટમાં બની છે. શિવમ એપોર્ટમેન્ટમાં રહેતા રાહુલ બારોટે રામોલ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે. પીડિત રાહુલે જણાવ્યું કે તેના પડોશમાં રહેતા ચાર લોકોએ ગરબા રમતા સમયે સ્ટેપ ભૂલી જતા તેની સાથે મારપીટ કરી હતી.
ગરબા નથી આવડતા તો કેમ આવે છે
પીડિત રાહુલે FIRમાં જણાવ્યું કે જ્યારે તે પોતાની સોસાયટીમાં ગરબા રમી રહ્યો હતો તો મિહિર નામના એક વ્યક્તિએ તેને આવીને પૂછ્યું કે શું તેને યોગ્ય રીતે ગરબા આવડતા નથી? જવાબમાં પીડિત રાહુલ બારોટે કહ્યું કે તે ગરબા રમવામાં તેટલો સારો નથી.
આ પણ વાંચો – ખેડામાં નવરાત્રીમાં ગરબા બંધ કરાવવા પથ્થરમારો, વાતાવરણમાં તંગદિલી, 6 ઈજાગ્રસ્ત
પીડિતે જણાવ્યું કે આવો જવાબ આપતા તે ગુસ્સે થયો હતો અને કહ્યું કે ગરબા નથી આવડતા તો અહીં શું કરી રહ્યો છે? આ વાતને લઇને યુવકની મિહિર સાથે રકઝક થઇ હતી અને તેની સાથે મારપીટ કરી હતી. તેના પછી તેના ત્રણ મિત્ર પણ આવી પહોંચ્યા હતા અને તેમણે પણ રાહુલ સાથે મારપીટ કરી હતી.
સોસાયટીના લોકોએ બચાવ્યો જીવ
પીડિતે આરોપ લગાવ્યો કે મિહિરે તેના પેટના ભાગ પર હુમલો કર્યો અને પછી પાઇપથી માર માર્યો હતો. સોસાયટીના લોકોએ વચ્ચે પડીને બચાવ્યો હતો અને હોસ્પિટલ લઇ ગયા હતા.