OBC Reservation : ગુજરાત ભાજપા સરકાર દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં ઓબીસીને 27 ટકા અનામત આપવાની જેહેરાત કરવામાં આવી છે. એટલે કે, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ એટલે કે પાલિકા પંચાયતની ચૂંટણીમાં હવે ઓબીસી માટે 27 ટકા બેઠકો અનામત રહેશે. તમને જણાવી દઈએ કે, 50 ટકા અનામતની મર્યાદા છે, તેને ધ્યાનમાં રાખી આ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે એસસી-એસટી અનામતમાં કોઈ ફેરફારની જાહેરાત થઈ નથી.
ગુજરાત સરકારના મંત્રી ઋષિકેષ પટેલે આ મામલે જાહેરાત કરતા કહ્યું છે કે, આ પહેલા ઝવેરી પંચના રિપોર્ટને કેબિનેટમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ મામલે કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. અને ઓબીસીને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં 27 ટકા અનામતનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઋષિકેષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ઓબીસીને 27 ટકા અનામતનો નિર્ણય લીધો છે, આનાથી એસસી કે એસટી અનામતમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. રાજ્યમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા જેવી સ્થાનિક સ્વરાજ સંસ્થામાં હવે ઓબીસીને 27 ટકા અનામત બેઠકો મળશે.
સુપ્રીમ કોર્ટની ભલામણ પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આ મામલે માહિતી આપતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બાદ આયોગની રચના કરવામાં આવી હતી, જેની ભલામણ બાદ રાજ્ય સરકારે ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા અનામત માટેનો નિર્ણય લીધો છે.
એસસી એસટી સમાજ સહિત કોઈ સમાજને નુકશાન ન થાય તે રીતે નિર્ણય લીધો
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ઓબીસી સમાજની 52 ટકા વસ્તી છે, ઓબીસીમાં 146થી વધુ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જમાવી દઈએ કે, ભાજપમાં 50 ધારાસભ્યો ઓબીસી સમાજના છે. અમારી સરકાર ઓબીસી સમાજને હંમેશા સાથે લઈને ચાલી છે. અમારી સરકારે ઓબીસી અનામત માટેના નિર્ણયને લેતા પહેલા દરેક સમાજને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આ નિર્ણયથી કોઈ પણ સમાજને નુકશાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે ચોખવટ સાથે કહ્યું કે, એસસી અને એસટી સમાજને કોઈ પમ પ્રકારનું નુકશાન ન થાય તે પ્રમાણે ભાજપ સરકારે નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બાદ આયોગ દ્વારા ઓબીસી માટે 27 ટકા અનામતની ભલામણ મળી હતી. જેને ધ્યાનમાં રાખી કેબિનેટની બેઠક થઈ અને ઓબીસીને 27 ટકા અનામત માટે કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજ સંસ્થામાં જ આ નિર્ણય લાગુ પડશે
તેમણે કહ્યું કે, ઓબીસીને 27 ટકા અનામતનો નિર્ય માત્ર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા જેવી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે જ લાગુ રહેશે. આ અનામત નિર્ણયથી વિધાનસભા કે લોકસભામાં કોઈ ફેરફાર નહી થાય.
એસટી વસ્તી વધારે ત્યાં 10 ટકા બેઠક અનામત યથાવત રહેશે
તેમણે કહ્યું કે, જ્યાં એસટીની વસ્તી વધારે છે તેવા 9 જિલ્લા અને 51 તાલુકામાં ઓબીસીની અગાઉ જે 10 ટકા બેઠક હતી તે યથાવત રહેશે. સ્થાનિક સ્વરાજ સંસ્થામાં 27 ટકા બેઠક અનામત રહેશે. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી કેટલાક સમયથી એટકેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરી પણ આગળ વધારી શકાશે.
અનામતનો નિર્ણય ઝડપીથી અમલમાં આવે તે માટે સરકાર પગલા ભરશે
મંત્રી રુષિકેશ પટેલે જણાવ્યું કે, વિધાનસભા સત્રમાં આ નિર્ણય મૂકવામાં આવશે. ત્યારબાદની પ્રક્રિયા પંચાયત વિભાગ અને શહેરી વિકાસ વિભાગ કરશે, કારણ કે ગ્રામ્ય વિસ્તાર શહેરી વિકાસ વિભાગમાં છે, જેનો પ્રપોઝલ જશે પછી કલેક્ટર અને વિભાગ આ બંને યુનિટ પ્રમાણેના વોર્ડની સમિક્ષા કરશે. પછી મતદાર યાદીમાં એક મહિનો જશે. પછી અનામત મુજબ બેઠકો નક્કી થશે. જેથી વહેલીમાં વહેલી તકે આ નિર્ણયને લાગુ કરવામાં આવે તે માટે પ્રયત્ન કરવામાં આવશે.