Gujarat Congress: ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સત્તાથી દૂર રહ્યા બાદ કોંગ્રેસને ફરી પોતાના પગ પર ઉભી કરવાનો પ્રયાસ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કરી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસે ફરી એકવાર સિનિયર નેતા અમિત ચાવડાને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવ્યા છે. તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમિત ચાવડા ઓબીસી છે જ્યારે તુષાર ચૌધરી એસટી સમાજમાંથી આવે છે.
અમિત ચાવડા અને તુષાર ચૌધરીના ખભે ગુજરાતમાં અત્યંત ખરાબ તબક્કામાં પસાર થઇ રહેલી કોંગ્રેસને ભાજપ સામે ઉભી કરવાનો પડકાર તો છે જ સાથે આમ આદમી પાર્ટી સાથે પણ મુકાબલો કરવાનો છે. તાજેતરમાં થયેલી પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો.
અમિત ચાવડા 2018થી 2021 સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે એટલે ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનમાં કામ કરવાનો તેમને સારો અનુભવ છે. ગત મહિને ગુજરાતની બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ હાર્યા બાદ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
બંને નેતાઓ રાજકીય પરિવારમાંથી આવે છે
અમિત ચાવડા પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ રાજકીય પરિવારમાંથી આવે છે, તેમના દાદા ઇશ્વરભાઇ ચાવડા પણ સાંસદ હતા. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તેમના પિતરાઈ ભાઈ છે. તુષાર ચૌધરી પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે. ચૌધરી બે વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. આ રીતે કોંગ્રેસે રાજકીય પરિવારમાંથી આવતા આ બંને નેતાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસ સામે મોટો પડકાર એ છે કે શું તે થોડા વર્ષો પહેલા જ્યાં હતી ત્યાં ક્યારેય પરત ફરી શકશે કે નહીં. મહત્વનું છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 77 સીટો જીતનાર કોંગ્રેસ 2022માં માત્ર 17 સીટો પર સમેટાઈ ગઈ હતી. તાજેતરમાં થયેલી બે પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ પાર્ટીની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.
આ પણ વાંચો – ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી, તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા
કોંગ્રેસની ટોચની નેતાગીરીએ દેશભરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિઓના પુનર્ગઠનની સાથે ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની પણ નિમણૂક કરી હતી. પરંતુ તાજેતરની પેટાચૂંટણીમાં બંને બેઠકો પર કોંગ્રેસનો વોટ શેર ઘટી ગયો છે. વિસાવદર બેઠક પર કોંગ્રેસના વોટ શેરમાં લગભગ 8 ટકાનો ઘટાડો થયો છે જ્યારે કડી બેઠક પર તેના વોટ શેરમાં 4 ટકાનો ઘટાડો થયો છે અને આ પરિણામોએ પાર્ટીના ઘણા નેતાઓને બેચેન બનાવી દીધા છે.
મોદી-શાહના ગઢમાં છે આકરો પડકાર
ગુજરાત એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે. અહીં ભાજપ ખૂબ જ મજબૂત છે. આ ઉપરાંત કોંગ્રેસ સામે મોટો પડકાર આમ આદમી પાર્ટીની વધતી જતી સક્રિયતા સાથે પણ સ્પર્ધા કરવાનો છે. અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાજ્યમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ઓબીસી-એસટીના નેતાઓને કમાન સોંપવાનો ફાયદો કોંગ્રેસને મળશે કે કેમ તે જોવું રહ્યું.