Chhello Show movie : ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને ઓસ્કરમાં એન્ટ્રી મળતા જ ચારેબાજુ તેની ધૂમ જોવા મળી રહી છે. ફિલ્મ ‘છેલ્લો શો’ માં જામનગરના બે બાળ કલાકારોએ અભિનય કર્યો છે. જેમાં ભાવિન રબારીએ લીડ રોલ કર્યો છે. ભાવિન રબારી પોતાના ગામમાં આવતા ગ્રામજનો અને પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવિન રબારી છેલ્લો શો ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યો છે.
જામનગરની ભાગોળે આવેલા વસઈ ગામમાં બપોરના 12 વાગ્યે બાળ કલાકાર ભાવિન રબારીનું ખુલ્લી કારમાં આગમન થયું હતું. તેના આગમન સાથે જ ગ્રામજનો ડીજેના તાલે ઝુમી ઉઠ્યા હતા અને ભાવિન રબારીનું પુષ્પહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ફિલ્મના ડિરેક્ટર દ્વારા કુલ 3000 બાળકોના ઓડિશન લેવામાં આવ્યા હતા. જેમાં ભાવિન રબારી અને રાહુલ કોળીનું સિલેક્શન થયું હતું. જોકે રાહુલ કોળી બ્લડ કેન્સરના કારણે મૃત્યુ પામ્યો છે.
સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા બંને બાળકોનું સિલેક્શન ફિલ્મ ‘છેલ્લો શો’માં થયું હતું અને ભાવનગર વિસ્તારમાં સમગ્ર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. હાલ છેલ્લો શો ફિલ્મ ઓસ્કરમાં નોમિનેટ થઈ છે. બાળ કલાકાર ભાવિને પોતાનો અભિનયથી સૌને ચકિત કરી દીધા છે કારણ કે નાની ઉંમરમાં ભાવિન રબારીએ ખૂબ ઉમદા અભિનય કર્યો છે.