Patan medical student ragging case: ગુજરાતના પાટણ જિલ્લાની મેડિકલ કોલેજના 18 વર્ષીય વિદ્યાર્થીનું શનિવારે રાત્રે તેની હોસ્ટેલમાં સિનિયર્સ દ્વારા રેગિંગ દરમિયાન કથિત રીતે ત્રણ કલાક ઊભા રહેવાના કારણે મૃત્યુ થયું હતું. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે તેઓએ કૉલેજની એન્ટિ-રેગિંગ સમિતિ પાસેથી રિપોર્ટ માંગ્યો છે જ્યારે સંસ્થાના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા ગામનો અનિલ નટવરભાઈ મેથાણીયા પાટણના ધારપુર ખાતે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. રેગિંગ કરનાર 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
તેના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર મેઘાણીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, તેમને તેના કાકાનો ફોન આવ્યો હતો જેમાં તેણે અનિલ બેભાન થઈ ગયો હોવાની માહિતી આપી હતી. “જ્યારે અમે કૉલેજ પહોંચ્યા, અમને કહેવામાં આવ્યું કે તે મરી ગયો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. અમે સાંભળ્યું છે કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. અને અનિલને 2-3 કલાક ઊભા રાખવામાં આવ્યો હતો. અમે તેમના મૃત્યુની નિષ્પક્ષ તપાસની માંગ કરીએ છીએ.
વોટ્સ એપ ગ્રૂપમાં ભેગા થવા માટે જાણ કરાઈ હતી
અનિલના બેચમેટ્સ, જેમણે નામ જાહેર ન કરવાની શરતે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે શનિવારે રાત્રે રેગિંગ કરવામાં આવ્યું ત્યારે 10થી વધારે વિદ્યાર્થીઓ સામે હતા. તેણે વધુ જણાવ્યું કે “અમે જ્યાંથી આવ્યા હતા તે પ્રદેશના આધારે, અમને રાત્રે 9 વાગ્યાની આસપાસ નિયુક્ત હોસ્ટેલ બ્લોકમાં ભેગા થવાનું કહેવામાં આવ્યું હતું. વોટ્સએપ સ્ટુડન્ટ ગ્રુપ પર આ વાતની જાણ કરવામાં આવી હતી.
ત્રણ કલાકથી વધુ સમય ઊભા રાખ્યા બાદ પરિચય આપવા કહ્યું
પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમને ત્રણ કલાકથી વધુ સમય ઊભા રહ્યા પછી અમારો પરિચય આપવા માટે કહેવામાં આવ્યું હતું,” કોલેજના ડીન ડૉ. હાર્દિક શાહે જણાવ્યું હતું કે અનિલ બેભાન થઈ જતાં કેટલાક વિદ્યાર્થીઓ તેને ધારપુર હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા. બાદમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
કેવી રીતે બની આખી ઘટના?
શનિવારે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા એમબીબીએસના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને આશરે સાડા ત્રણેક સતત ઉભા રાખી ગીતો ગવડાવી અને ડાન્સ કરાવી તથા ગાળો બોલી રૂમની બહાર ન જ વા દઇ માહોલની મજા લઈ માનસિક તથા શારીરીક ટોચેર કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિચય દરમિયાન અનિલ બેભાન થઈને ઢળી પડતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું.
છેલ્લા 5 વર્ષમાં 10 રેગિંગની ઘટના બની
ઉલ્લેખનીય છે કે મેડિકલ કોલેજોમાં રેગિંગની ઘટનાઓ બનવી એ સામાન્ય બની ગયું છે. ત્યારે અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રેગિંગની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે છેલ્લા પાંચ વર્ષમાં રેગિંગની ઘટનાઓ વિશે વાત કરીએ તો ગુજરાતમાં આશરે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આશરે 10 જેટલી રેગિંગની ઘટનાઓ બની છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024ના મે મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (AMC MET) દ્વારા સંચાલિત મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રેગિંગ કરનાર સામે શું લેવાઈ શકે પગલાં?
રેગિંગની ઘટનાઓને ડામવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં રેગિંગ કરનાર સામે શું શું પગલા લઈ શકાય એ અંગા જણાવવામાં આવ્યું છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રેગિંગ કરનાર, ભાગ લેનાર, પ્રોત્સાહન આપનારા વિદ્યાર્થીને બે વર્ષની મુદત માટે જેલની સજા કરવામાં આવી શકે. આ ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ઠંડીનો ચમકારો, ગાંધીનગરમાં 15.8 લઘુતમ તાપમાન નોંધાયું, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થામાંથી બરતરફ કરાશે. બરતરફીના આદેશની તારીખથી પાંચ વર્ષ સુધી અન્ય કોઈ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ નહીં અપાય.હોસ્ટેલમાંથી સસ્પેન્શન, હાંકી કાઢવા, કોઈપણ કસોટી, પરીક્ષા અથવા મૂલ્યાંકન પ્રક્રિયામાં હાજર રહેવા પર પ્રતિબંધ પણ લદાઈ શકે છે. પરિણામો પર રોકી શકાય છે.





