રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા શિક્ષક સંઘના ગુજરાત એકમે શનિવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને ફિલ્મ ‘પઠાણ’ અને ફિલ્મના એક ગીત પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.
નેશનલ એજ્યુકેશનલ ફેડરેશનના ગુજરાત એકમે, રાજ્ય સરકારને તેની રજૂઆતમાં જણાવ્યું હતું કે, તેઓ “રાષ્ટ્રીય સંસ્કૃતિ અને વિદ્યાર્થીઓના હિત” માટે થિયેટર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ફિલ્મ પર પ્રતિબંધની માંગણી કરે છે અને ઉમેર્યું હતું કે, ફિલ્મ અશ્લીલતાથી ભરેલી છે.
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. ગીતમાં પાદુકોણના ડ્રેસ અને તેના ડ્રેસના રંગને લઈને અનેક વિરોધ થયા છે.
નેશનલ એજ્યુકેશનલ ફેડરેશન, ગુજરાતના પ્રમુખ ભીખાભાઈ પટેલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “અમે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્રો મોકલ્યા છે. ગીત અશ્લીલતાથી ભરેલું છે. ગીતમાં પહેરવામાં આવેલા કપડાં જ નહીં, ગીતનું શીર્ષક પણ વાંધાજનક છે… બાળકો પર આની શું અસર થશે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નું દિલ સંસ્કૃતિ અને ભારતીયતા છે. આવા ગીતો અને ફિલ્મોથી કોઈ ફાયદો થશે નહીં.
શિક્ષકોના સંગઠને ફિલ્મના નિર્માતાઓને “બધાની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ” નોટિસ પાઠવવાની પણ માંગ કરી છે અને તેમની પાસેથી ખાતરી માંગી છે કે, ભવિષ્યમાં આવા કોઈ કૃત્યનું પુનરાવર્તન થશે નહીં.
આ પણ વાંચો – Besharam Rang protest: ‘બેશરમ રંગ’ ગીતને લઈને દીપિકા પાદુકોણ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં થઇ ફરિયાદ
વધુમાં ફિલ્મને “સમાજ માટે હાનિકારક” ગણાવતા શિક્ષક સંઘે કહ્યું કે, આ ફિલ્મ સરકાર અને સામાજિક સંસ્થાઓના વર્ષોના કામને નુકસાન પહોંચાડી રહી છે અને સંસ્કૃતિના મૂલ્યોના વિકાસને અટકાવી રહી છે.