ગુજરાતના અમરેલી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એક વિમાન રનવે પરથી લપસી ગયું. વિમાન રનવે પરથી લપસી ગયું અને કિનારા પર ઉતરી ગયું. જોકે વિમાનની સ્પીડ ઓછી થઈ ગઈ, જેના કારણે મોટો અકસ્માત થતા ટળી ગયો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ પ્લેનને સામાન્ય નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે.
તમને જણાવી દઈએ કે, આ ઘટના બપોરના સમયે બની હતી. પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું આ મીની પ્લેન રનવે પર લેન્ડિંગ કરી રહ્યું હતું. જોકે લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન એરક્રાફ્ટ રનવે પર સીધું રહેવાના બદલે તેની નીચેની સાઈડમાં ત્રાંસુ થઈને સરકી ગયું હતું.
એરક્રાફ્ટ નિયંત્રણ બહાર જઈને રનવેની નજીક જમીન પર સરકવા લાગતા ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, એરક્રાફ્ટને નુકસાન થયું છે, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. આ એક તાલીમી ફ્લાઇટ હતી.