વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે દાદરા અને નગર હવેલીમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. તે ઉદ્ઘાટનમાં સૌથી મહત્વપૂર્ણ ‘નમો ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’ હતું, જેને પીએમ એ આજે રાષ્ટ્રને સમર્પિત કર્યું. દાદરા અને નગર હવેલીના વિકાસમાં આ તબીબી સંસ્થાને સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે. આ સંસ્થા દેશને સમર્પિત કરતી વખતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના મહત્વ પર ભાર મૂક્યો છે.
NAMO રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયતો
એક કાર્યક્રમને સંબોધીત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આઝાદીને ઘણા વર્ષો થઈ ગયા છે, પરંતુ દાદરા અને નગર હવેલીમાં એક પણ મેડિકલ કોલેજ બની શકી નથી. જે લોકોએ આ દેશ પર દાયકાઓ સુધી શાસન કર્યું, તેમની સરકાર ચલાવી, તેમને અહીંના યુવાનોની કોઈ ચિંતા નહોતી. અગાઉ એવું માનવામાં આવતું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશનો વિકાસ કરવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. પરંતુ હવે દેશની કાર્યશૈલી બદલાઈ ગઈ છે, જે કામગીરી શરૂ કરવામાં આવે છે તેને સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવે છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં નમો ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચનો શિલાન્યાસ કર્યો હતો. હવે ચાર વર્ષ બાદ તેમણે તેનું ઉદ્ઘાટન પણ કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નમો ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ તમામ સુવિધાઓથી સજ્જ છે અને તકોના ઘણા દરવાજા ખોલે છે. આ મેડિકલ કોલેજમાં એડવાન્સ રિસર્ચ સેન્ટર હશે. ઉપરાંત આ સેન્ટરમાં એક લાઇબ્રેરી પણ હશે જે 24 કલાક ખુલ્લી રહેશે અને ત્યાં દેશ અને વિશ્વસ્તરના સંશોધન પત્રો અને જર્નલ્સ વાંચવા મળશે. ઉપરાંત અહીંયા નિષ્ણાત તબીબી સ્ટાફ અને સ્માર્ટ લેક્ચર હોલ હશે. આ ઉપરાંત અહીં ક્લબ હાઉસની સુવિધા પણ બનવા જઈ રહી છે અને રમતગમતની તમામ સુવિધાઓ પણ આપવામાં આવશે. આ સંસ્થાના નિર્માણમાં ઘણી મહેનત કરવામાં આવી છે. વડાપ્રધાન આ રિસર્ચ સેન્ટરની મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટને વાસ્તવિકતા સ્વરૂપ આપનાર શ્રમિકોને પણ મળ્યા હતા.
- આ નમો મેડિકલ કોલેજનો વિકાસ આરોગ્ય મંત્રાલય હેઠળ કરવામાં આવ્યો છે અને 14.48 એકરમાં ફેલાયેલા લીલાછમ કેમ્પસના બાંધકામ પાછળ 203 કરોડનો ખર્ચ કરાયો ખર્ચે છે. આ મેડિકલ કોલેજનો શિલાયન્સ જાન્યુઆરી 2019માં કરવામાં આવ્યો હતો.
- સિલવાસામાં સ્થિત આ કેમ્પસમાં મેડિકલ કોલેજની બિલ્ડિંગમાં 24×7 સેન્ટ્રલ લાઇબ્રેરી, રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ, વિદ્યાર્થીઓ અને ઇન્ટર્ન માટે હોસ્ટેલ, રિસર્ચ લેબ, એનાટોમી મ્યુઝિયમ, એક ક્લબ હાઉસ છે અને તેની મેડિકલ સ્ટુડન્સની વાર્ષિક પ્રવેશ સંખ્યા 177 છે.
- આ મેડિકલ કૉલેજની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર હોસ્પિટલમાં તમામ ઇન્ડોર અને આઉટડોર દર્દીઓ માટે બ્લડ બેંક સુવિધાઓ, એડવાન્સ કેર ફેસિલિટી, મોડ્યુલર ઓપરેશન થિયેટરની સુવિધાઓ અને 24X7 ઇમરજન્સી અને ફાર્મસી સેવાઓથી સજ્જ છે.
- આ નમો કોલેજની હાઇ-ક્લાસ ફેસિલિટી અને મોર્ડન સુવિધાઓ સાથેની સંસ્થા કેન્દ્રશાસિત પ્રદેશના નાગરિકો માટે આરોગ્ય સંભાળની સેવાઓને વધુ સગવડતાથી પ્રદાન કરે તેવી અપેક્ષા છે.
- આ મેડિકલ હોસ્પિટલ સિલવાસાની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલી છે, જે અગાઉ વર્ષ 1952માં સ્થપાયેલી કોટેજ હોસ્પિટલ તરીકે ઓળખાતી હતી. હાલની 650 પથારીની સુવિધા ધરાવતી હોસ્પિટલની ક્ષમતા આગામી સમયમાં વધારીને 1,250 પથારી સુધી લઇ જવાની યોજના છે.
96 પ્રોજેક્ટનો શિલાન્યાસ
વડાપ્રધાને આ રિસર્ચ સેન્ટર ઉપરાંત તેમના સિલવાસા પ્રવાસ દરમિયાન 4,873 કરોડના ખર્ચના 96 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમના તરફથી ઘણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમના ઘરની ચાવીઓ પણ સોંપવામાં આવી હતી. ગરીબ લોકોનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે દેશની રાજનીતિ એવી છે કે ઘણા દાયકાઓ સુધી અહીં નબળા વર્ગોની અવગણના કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે, અગાઉ પ્રોજેક્ટનો ઘોષણા ક્યાંથી વોટ મળશે તે ધ્યાનમાં રાખીને કરાતી હતી. આ કારણસર જ દબાયેલા અવાજવાળા લોકોને કંઇ મળ્યુ નહીં અને વિકાસના પ્રવાહ સાથે જોડાઇ શક્યા નહીં. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યુ કે, હવે તમામને અધિકાર મળ્યો છે. જો કોઇ આદિવાસી કે ગરીબ બાળકને ડોક્ટર બનવુ છે તો તે તેની સ્થાનિક ભાષામાં પણ અભ્યાસ કરી શકે છે.