PM Modi Gujarat Visit : મંગળવારે ગુજરાતના હાંસલપુરમાં મારુતિ સુઝુકી ઇન્ડિયાના ઇ-વિટારા ઇલેક્ટ્રિક વાહન (EV) અને બેટરી ઉત્પાદન પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સ્વદેશી અને આત્મનિર્ભર ભારત અભિયાનો પર ભાર મૂક્યો હતો. તેમણે લોકોને પોતાનો “જીવન મંત્ર” અથવા જીવન ધ્યેય બનાવવા કહ્યું હતું.
અમદાવાદ જિલ્લાના હાંસલપુરમાં મારુતિ સુઝુકીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે એક જાહેર કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે રોકાણ કોઈપણનું હોઈ શકે છે, પરંતુ પરસેવો ભારતીયોનો હોવો જોઈએ. જો ઉત્પાદન હોગા ઉસમે મહેક મેરે દેશ કી હોગી, મેરે ભારત મા કી હોગી. ઉત્પાદનમાં મારા દેશ અને ભારત માની સુગંધ હશે.
પરસેવો મારા દેશવાસીઓનો હોવો જોઈએ – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે અહીં જાપાન દ્વારા જે ચીજો બનાવવામાં આવે છે તે વસ્તુઓ બધી સ્વદેશી છે. સ્વદેશીની મારી વ્યાખ્યા ખૂબ જ સરળ છે. પૈસા કોના લાગેલા છે તેનાથી મારે કોઇ લેવાદેવા નથી. તે ડોલર હોય, પાઉન્ડ હોય, તે કરન્સી કાળી હોય, ગોરી હોય, મારે કોઇ લેવા દેવા નથી. પણ જે પ્રોડક્શન છે તેમાં પરસેવો મારા દેશવાસીઓનો હોવો જોઈએ.
મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઇલેક્ટ્રિક વાહનો, ઇ-વિટારાનું ઉત્પાદન અને નિકાસ 100 થી વધુ દેશોમાં કરવામાં આવશે. તોશિબા , ડેન્સો અને સુઝુકીના સંયુક્ત સાહસ, ટીડીએસ લિથિયમ-આયન બેટરી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ, લિથિયમ-આયન બેટરી સેલ અને ઇલેક્ટ્રોડનું ઉત્પાદન કરશે.
આ કાર્યક્રમમાં ભારતમાં જાપાનના રાજદૂત કેઇચી ઓનો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મારુતિ અને સુઝુકીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આજે આખું વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા દાયકામાં, દેશમાં મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ અને સંરક્ષણ સામાનનું ઉત્પાદન અનેકગણું વધ્યું છે, અને રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધા શરૂ થઈ છે. આજે આખું વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, કોઈ પણ રાજ્યએ પાછળ ન રહેવું જોઈએ. દરેક રાજ્યએ તકનો લાભ લેવો જોઈએ. સ્પર્ધા એવી હોવી જોઈએ કે ભારતમાં આવતા રોકાણકારે વિચારવું જોઈએ કે તેમણે કયું રાજ્ય પસંદ કરવું જોઈએ. અને તેથી હું બધા રાજ્યોને સુધારા, સુશાસન અને વિકાસ તરફી સ્પર્ધા કરવા આમંત્રણ આપું છું.
આ પણ વાંચો – ગુજરાતની ધરતી પરથી ટેરિફ મામલે PM મોદીનો અમેરિકાને મોટો સંદેશ, કહ્યું- ગમે તેટલું દબાણ આવે…
પીએમ મોદીએ યાદ કર્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે 2012ની આસપાસ રાજ્યમાં જાપાની રોકાણકારોને સુવિધા આપવા માટે જાપાની વાનગીઓ, ગોલ્ફ કોર્સ વગેરે લાવીને વ્યવસ્થા કરી હતી. તેમણે ઉમેર્યું કે જો કોઈ રોકાણકારને આકર્ષિત કરવો હોય, તો સાંસ્કૃતિક ઇકોસિસ્ટમના દરેક પાસાને બારીકાઈથી ધ્યાનમાં લેવાની જરૂર છે.
પીએમ મોદીએ એ પણ નોંધ્યું કે મારુતિ-સુઝુકી ગુજરાતમાં 13 વર્ષથી હાજર છે અને ઉમેર્યું કે ગુજરાત સરકારે 2012માં હાંસલપુર ગામમાં કંપનીને જમીન ફાળવી હતી. તે સમયે પણ વિઝન આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાનું હતું. તેમણે કહ્યું કે તેઓ આવતા અઠવાડિયે જાપાનની મુલાકાત લેશે. બંને દેશો વચ્ચેના સંબંધો ‘રાજદ્વારી સંબંધો’ અને ‘સંસ્કૃતિ અને વિશ્વાસ’થી આગળ છે જે એકબીજાના વિકાસને પૂરક બનાવે છે.
(અહેવાલ – પરિમલ ડાભી)