ગુજરાતના પ્રસિદ્ધ યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કરશે PM મોદી, જાણો મંદિરનો પૌરાણિક ઇતિહાસ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિજાતિઓના કુળદેવી પાંડોરી માતા (યાહમોગી)નું મંદિર આવેલું છે. સાતપુડાની ગીરીકંદરાઓમાં પ્રકૃતિના ખોળે વસેલા આ ધામમાં સ્વયંભૂ યાહા પાંડોરી દેવમોગરા માતા આદિ-અનાદિ કાળથી સ્વયં કણી-કંસરી બિરાજમાન છે.

Written by Rakesh Parmar
Updated : November 13, 2025 20:43 IST
ગુજરાતના પ્રસિદ્ધ યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કરશે PM મોદી, જાણો મંદિરનો પૌરાણિક ઇતિહાસ
આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન. (તસવીર: સોશિયલ મીડિયા)

આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આદિજાતિ સમુદાયના પરાક્રમ, બલિદાન અને સાંસ્કૃતિક વારસાને જન-જન સુધી પહોંચાડવા માટે વડાપ્રધાનએ 15 નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આ વર્ષે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વડાપ્રધાનની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે થશે. નર્મદા જિલ્લાની મુલાકાત દરમ્યાન પીએમ મોદી પ્રસિદ્ધ યાહા મોગી દેવમોગરા ધામ ખાતે માતાજીના દર્શન કરશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મનમોહક આ ધામ આદિજાતિ સમાજના લોકોની આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર છે, જેનો મહિમા અનેરો છે.

સાતપુડાની ગિરિમાળાની વચ્ચે આવેલું પૌરાણિક મંદિર દેવમોગરા ધામ-નેપાળના પશુપતિનાથ જેવું બહારથી દેખાય છે

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિજાતિઓના કુળદેવી પાંડોરી માતા (યાહમોગી)નું મંદિર આવેલું છે. સાતપુડાની ગીરીકંદરાઓમાં પ્રકૃતિના ખોળે વસેલા આ ધામમાં સ્વયંભૂ યાહા પાંડોરી દેવમોગરા માતા આદિ-અનાદિ કાળથી સ્વયં કણી-કંસરી બિરાજમાન છે. અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનાં આદિજાતિ સમુદાયના લોકો યાહામોગી પાંડોરીની કુળદેવી તરીકે અપાર શ્રદ્ધા-આસ્થા અને ભક્તિ સાથે પૂજા અર્ચના કરે છે. આ પવિત્ર હેલાદાબની આદિ-અનાદિ કાળથી ખૂબ અનેરો મહિમા રહ્યો છે.

Grand celebration of Birsa Munda's 150th birth anniversary
સાતપુડાની ગિરિમાળામાં આવેલું પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મનમોહક આ ધામ આદિજાતિ સમાજના લોકોની આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર છે.

હજારો વર્ષો પૂર્વે જ્યારે આ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, ત્યારે માતાજીએ દેવમોગરા ધામ પર સ્વયં વાસ કર્યો હતો. ભયંકર દુષ્કાળને કારણે, અન્ન-જળ ખૂટી પડ્યા હતા અને પશુ-પક્ષી, અને માનવી બધા જ દુઃખી થઈ ગયા હતા. આવા સંકટના કપરા કાળમાં આ વિસ્તારના પ્રજા પાલક ગોર્યા કોઠારે આવશ્યક અન્નનું વિતરણ કરવાનું શરૂ કર્યું. પરંતુ સમય જતાં ગોર્યા કોઠારના અન્ન ભંડાર પણ ખાલી થવા લાગ્યા ત્યારે તેમની પાલક પુત્રી, યાહા પાંડોરીએ કણી-કંસરીનું રૂપ ધારણ કરીને અન્ન વિતરણનું કાર્ય સંભાળ્યું હતું. ત્યારથી આજ પર્યંત અનાજના ભંડારો ક્યારેય ખૂટ્યા નથી. એટલે કે આદિ-અનાદિ કાળથી લઈને આજ સુધી માતાજીના અન્ન ભંડારો સમગ્ર માનવજાત માટે હંમેશા ભરેલા રહ્યા છે.

આ પણ વાંચો: અલ-કાયદાના આતંકી કાવતરાના કેસમાં એક્શન, NIA એ ગુજરાત સહિત 5 રાજ્યોમાં દરોડા પાડ્યા

સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલ આ મંદિરમાં અનેક પેઢીઓથી લાખો ભક્તો માતાજીના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે તેમની સમસ્યાઓ અને દુઃખોના ઉકેલ મેળવવા માટે આવે છે. મંદિરના પુજારી દ્વારા માતાજીને આહ્વાન કરવામાં આવે છે અને આશીર્વાદ આપીને દરેક વ્યક્તિના કલ્યાણની મંગળકામના કરવામાં આવે છે. માતાજીના ચરણોમાં જે પણ વ્યક્તિ રડતો આવે છે, દુઃખી માણસ તે હસતાં હસતાં પાછો ફરે છે.

આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન કરાવે છે મહાશિવરાત્રિનો મેળો

દેવમોગરા ખાતે જ્યાં રાજા પાંઠા-વિનાદેવનું સ્થાનક છે, ત્યાં દર વર્ષે મહાશિવરાત્રિ પર એક ભવ્ય ગઢ યાત્રા યોજવામાં આવે છે. આ યાત્રામાં પરંપરાગત વાજિંત્રો અને નૃત્ય સાથે માતાજીને ગઢમાં જંગલો-પર્વતોની વચ્ચે આવેલા કુદરતી ઝરણામાં સ્નાન કરાવવામાં આવે છે. એટલું જ નહીં, માતાજીની પૂજા કરીને આગામી વર્ષ માટે ખેતીવાડી તથા વરસાદ, હવામાનનો (હોલકો ઠોકીને) વરતારો લેવામાં આવે છે. હજારો શ્રદ્ધાળુઓ આ મુજબ તેમની ખેતીવાડીનું આગોતરું આયોજન કરે છે. મેળા દરમિયાન માતાનાં આંગણામાં આવેલ કાકળનાં વૃક્ષ પર એક જ રાતમાં ફૂલો આવી જાય છે. સવારે ભક્તો તેના દર્શન કરે છે અને જે દિશામાં સૌથી વધુ ફૂલો હોય એ દિશામાં વર્ષ દરમ્યાન ખેતીવાડીનું કામ સારું થશે તેવું માને છે.

દર વર્ષે મહા વદ અમાસ અને મહાશિવરાત્રીનાં આગલા દિવસથી સળંગ પાંચ દિવસ સુધી ભરાતો આ મેળો આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન કરાવે છે. આ મેળામાં લાખો ભક્તો માતાજીના દર્શન માટે ભેગા થાય છે, જે ખરેખર આહ્લાદક દ્રશ્ય હોય છે. આ મંદિરમાં ડાબી બાજું શ્યામવર્ણી મહાકાલી માતાની મૂર્તિના પણ લોકો ભાવથી દર્શન કરે છે. આમ એકજ મંદિરમાં બે માતાજી બિરાજમાન છે.

દેવમોગરા ધામ: આદિજાતિ સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક

આદિજાતિ સમુદાય હજારો વર્ષોથી તેમની અનોખી પરંપરાનું પાલન કરે છે, જેમાં તેઓ સંપૂર્ણ શ્રદ્ધા સાથે નવા પાકને વાંસની ટોપલીમાં મૂકે છે અને શાકભાજી, પૂજાનાં સામાનની હિરી (હિજારી) બાંધી માથા પર મૂકીને રંગબેરંગી વસ્ત્રો અને મહિલાઓ સોના-ચાંદીના ઘરેણામાં સજ્જ વાજતેગાજતે હોબ યાત્રા પર નીકળે છે. સવા મહિનાના વ્રત-ઉપાસના કરીને યાહા પાંડોરી દેવમોગરાનાં ચરણોમાં ધાન્ય-અન્નને શ્રદ્ધા સાથે સમર્પણ કરે છે અને ત્યાર પછી નવા ધાન્યને આરોગવામાં આવે છે. આમ, દેવમોગરા ધામ એ ફક્ત એક સ્થાનક જ નથી, પરંતુ આદિજાતિ સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે અને સ્થાનિક પ્રદેશના ઘેરીયાઓ હોળી-ધૂળેટીના તહેવાર દરમ્યાન સવા મહિનો ઘરની બહાર નિકળી જઈને ઘરે-ઘરે ફરી ઘેરીયા બને છે અને નવ રસના શ્રૃગાંર સાથે મન મૂકીને નાચગાન કરે છે અને હોળીના આગલા દિવસે હોળી ચોક ખાતે હોળી પ્રગટાવીને નાચ-ગાન વાજિંત્રો સાથે પરંપરાગત વેશભૂષામાં સજ્જ બની મહિલાઓ પણ હોળીના લોલે (ગીત) ગાઈને આનંદ ઉત્સવ મનાવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ