સામાજિક કાર્યકર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા પ્રભાબેન શાહનું બુધવારે દમણની સરકારી હોસ્પિટલમાં નિધન થયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના પ્રભાબેન 92 વર્ષના હતા. ગુરુવારે બપોરે દમણમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
વય સંબંધિત બિમારીઓ અને હૃદયની તકલીફો બાદ નિધન
બુધવારે સવારે પ્રભાબેનને શ્વાસ લેવામાં તકલીફ અને હૃદય સંબંધિત બિમારીઓની ફરિયાદ બાદ તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, વય સંબંધિત બિમારીઓ અને હૃદયની તકલીફોને કારણે બપોરે તેમનું નિધન થયું હતું.
ગુરૂવારે અંતિમ સંસ્કાર
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પ્રભાબેનની પુત્રી વર્ષા શાહે જણાવ્યું હતું કે, “વૃદ્ધાવસ્થા અને હૃદયની તકલીફોને કારણે સારવાર જવાબ આપી ન શકી અને મોડે બપોરે દમણની સરકારી હોસ્પિટલમાં ડો. તપન અને તેમની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા.” અમે ગુરુવારે અંતિમ સંસ્કાર કરવાનું આયોજન કર્યું છે અને મોતી દમણમાં અમારા ઘરથી લગભગ 5 કિલોમીટરનું અંતર કાપીને તેમના પાર્થિવ દેહને નાની દમણ લઈ જવામાં આવશે. હાલ તો અમે તેમનો મૃતદેહ સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખ્યો છે. ગુજરાત અને મુંબઈથી અમારા બધા સંબંધીઓ ગુરુવારે સવાર સુધીમાં દમણ પહોંચી જશે.
2022માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો
તેમની નિઃસ્વાર્થ સેવાઓ માટે, પ્રભાબેનને જાન્યુઆરી 2022 માં સામાજિક કાર્ય શ્રેણીમાં પદ્મશ્રી, ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પ્રભાબેન શાહે દિલ્હીમાં એક કાર્યક્રમમાં તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી એવોર્ડ મેળવ્યો હતો. તે છેલ્લા છ દાયકાથી મહિલા સશક્તિકરણ અને પર્યાવરણીય મુદ્દાઓ માટે કામ કરી રહી હતી.
પ્રભાબેનનો જન્મ બારડોલીમાં થયો
પ્રભાબેનનો જન્મ 1930માં સુરત જિલ્લાના બારડોલી શહેરમાં થયો હતો અને 1963માં દમણમાં સ્થાયી થયા હતા. તે બારડોલી શહેરમાં સ્વરાજ આશ્રમ સાથે સંકળાયેલા હતા અને બાળપણથી જ ગાંધીવાદી વિચારધારાથી પ્રભાવિત હતા.
પ્રભાબેનના સામાજિક કાર્યો
1969 માં, પ્રભાબેને દમણમાં મહિલાઓ માટે ટેલરિંગ ક્લાસ શરૂ કર્યા, તેમણે મહિલા સહકારી મંડળી અને મહિલા ક્રેડિટ સોસાયટી પણ શરૂ કરી. તેમણે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની બાલવાડી (નર્સરી) અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય પણ શરૂ કર્યું.
પ્રભાબેને દહેજ પ્રથા નાબૂદી માટે પણ કામ કર્યું હતું. તેમનું કાર્યક્ષેત્ર માત્ર દમણ અને દીવ અને DNH પૂરતું મર્યાદિત ન હતું, પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સુધી પણ હતું.
આ પણ વાંચો – OBC અને દલિત રાજકીય પરિવારના વંશજ ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી નાના કોંગ્રેસ ધારાસભ્યદળનું નેતૃત્વ કરશે
પ્રભાબેન શાહના પતિ સોભાગ શાહનું 15 વર્ષ પહેલા અવસાન થયું હતું અને તેમના પરિવારમાં બે પુત્રી વર્ષા શાહ અને કિરણ શાહ અને એક પુત્ર સંજય શાહ છે જેઓ યુએસએમાં સ્થાયી થયા છે. વર્ષા શાહ તેની માતા સાથે દમણમાં રહેતી હતી.