scorecardresearch

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી, આજે પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav : પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના રિંગ રોડ પણ ઓગણજ-ભાડજ પાસે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી, આજે પીએમ મોદી કરશે ઉદ્ઘાટન
અમદાવાદના રિંગ રોડ પણ ઓગણજ-ભાડજ પાસે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે (તસવીર – બીએપીએસ )

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂર્ણ રૂપે થઈ ચૂકી છે. 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 દરમિયાન એક મહિના માટે ભવ્ય ઉત્સવ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે. આ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના રિંગ રોડ પણ ઓગણજ-ભાડજ પાસે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે.

PM નરેન્દ્ર મોદી-મહંતસ્વામી 14મીએ ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે (14 ડિસેમ્બર)સાંજે 5.00 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. પીએમ મોદી 5.30 કલાકે સીધા એરપોર્ટથી ઓગણજ પહોંચશે. ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે. પીએમ મોદીના હસ્તે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પીએમ મોદીની સાથે મહંત સ્વામી સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સાધુ સંતો પણ હાજર રહેશે.

આવી છે ખાસ વિશેષતા – ગ્લો ગાર્ડન

મહોત્સવ સ્થળે અદભુત રંગબેરંગી ડિઝાઈન તેમજ પ્રેરક સંદેશ સાથે તૈયાર કરવામાં આવેલ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન એટલે કે ગ્લો ગાર્ડન 2100 સ્વયંસેવકોની દિવસ-રાતની મહેનતથી અદભુત રીતે સજાવવામાં આવ્યો છે. 10 એકર વિસ્તારમાં ફેલાયેલા આ ગ્લો ગાર્ડનમાં અંદરથી પ્રકાશિત થાય તેવાં, સ્વયંસેવકોએ હાથે બનાવેલાં વિશાળ કદનાં આઠ હજારથી વધુ ફૂલો ઝગમગી ઊઠ્યાં છે.

કુલ 2100થી વધુ સ્વયંસેવકોએ છેલ્લાં 6 મહિનાથી વધુ સમય મહેનત કરીને આ ગ્લો ગાર્ડન વિકસાવ્યું છે. ગ્લો ગાર્ડનમાં 150થી વધુ વિવિધ સંદેશાઓ લઈને જાત મહેનતથી રચવામાં આવેલ વિશાળકાય પ્રાણીઓ, પક્ષીઓ વગેરે સૌની આંખોને જકડી રાખશે. ગ્લો ગાર્ડન પ્રકૃતિમાં શ્રદ્ધા, પરમાત્મામાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, રાષ્ટ્રમાં શ્રદ્ધા અને વિશ્વમાં શ્રદ્ધા જેવા વિષયોની રચનાત્મક પ્રસ્તુતિ કરે છે.

આ પણ વાંચો – ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ ક્યા ભગવાનમાં માને છે? મુ્ખ્યમંત્રી વિશે જાણવા જેવી 5 મુખ્ય બાબતો

પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ મૂર્તિ

મહોત્સવ સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે, જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર 380 ફૂટ પહોળો પ્રવેશદ્વાર છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપે છે. આદિ શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ, બુદ્ધ અને મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.

મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલ પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારે તરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. આ વર્તુળની રંગબેરંગી ફૂલોની શોભતી રચનાઓ પણ આહલાદક છે.

બાળકો માટે બાળનગરી

મહોત્સવનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે બીએપીએસ બાળનગરી. આ બાળનગરી એટલે બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત એક એવી નગરી કે જ્યાં વિવિધ પ્રસ્તુતિઓ બાળકોને વધુ સારા વ્યક્તિ બનવાની પ્રેરણાથી છલકાવી દેશે. 4,500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યા છે.

કલાત્મક મેસ્કોટ, 3 પ્રદર્શન ખંડો, સંસ્કૃતિ રત્નો, શાંતિનું ધામ, બાળસ્નેહી ઉદ્યાન, બાળમંડળ એક્સપ્રેસ જેવી વિવિધ રચનાઓ ઉપરાંત બાળનગરીના બે કલામંચોમાં 150થી વધુ બાળકો નૃત્ય, ગીત-સંગીત, વક્તવ્યોની રમઝટ બોલાવી બાળકોને મોજ કરાવશે અને તેમની સુશુપ્ત શક્તિઓ ખીલવવાની પ્રેરણા આપશે.

દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે

મહોત્સવ સ્થળે દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રવિવારે સવારે 9.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રોજ રાત્રે 10.00 વાગ્યે મહોત્સવ સ્થળ બંધ થશે.

Web Title: Pramukh swami ji maharaj shatabdi mahotsav in gujarat pm narendra modi will inaugurate on wednesday

Best of Express