Pramukh Swami ji Maharaj Shatabdi Mahotsav : અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂર્ણ રૂપે થઈ ચૂકી છે. 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 દરમિયાન એક મહિના માટે ભવ્ય ઉત્સવ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે. જેમાં દેશ-વિદેશના લાખો લોકો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ અર્પવા આ મહોત્સવમાં ઊમટશે. આ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના રિંગ રોડ પણ ઓગણજ-ભાડજ પાસે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત આ મહોત્સવ સ્થળ 250 કરતાં વધારે ખેડૂતો અને બિલ્ડરોના નિઃસ્વાર્થ સહયોગથી તેમણે આપેલી ભૂમિ પર બનાવવામાં આવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ નગરની ખાસ વિશેષતાઓ વિશે માહિતી આપી રહ્યા છીએ.
PM નરેન્દ્ર મોદી-મહંતસ્વામી 14મીએ ઉદ્ઘાટન કરશે
14 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન થશે. આ ઉદ્દઘાટન સમારોહમાં 1 લાખથી વધુ હરિભક્તો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહેશે.
ગ્લો ગાર્ડન
મહોત્સવ સ્થળે અદભુત રંગબેરંગી ડિઝાઈન તેમજ પ્રેરક સંદેશ સાથે તૈયાર કરવામાં આવેલ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન એટલે કે ગ્લો ગાર્ડન 2100 સ્વયંસેવકોની દિવસ-રાતની મહેનતથી અદભુત રીતે સજાવવામાં આવ્યો છે. 10 એકર વિસ્તારમાં ફેલાયેલા આ ગ્લો ગાર્ડનમાં અંદરથી પ્રકાશિત થાય તેવાં, સ્વયંસેવકોએ હાથે બનાવેલાં વિશાળ કદનાં આઠ હજારથી વધુ ફૂલો ઝગમગી ઊઠ્યાં છે. કુલ 2100થી વધુ સ્વયંસેવકોએ છેલ્લાં 6 મહિનાથી વધુ સમય મહેનત કરીને આ ગ્લો ગાર્ડન વિકસાવ્યું છે. ગ્લો ગાર્ડનમાં 150થી વધુ વિવિધ સંદેશાઓ લઈને જાત મહેનતથી રચવામાં આવેલ વિશાળકાય પ્રાણીઓ, પક્ષીઓ વગેરે સૌની આંખોને જકડી રાખશે. ગ્લો ગાર્ડન પ્રકૃતિમાં શ્રદ્ધા, પરમાત્મામાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, રાષ્ટ્રમાં શ્રદ્ધા અને વિશ્વમાં શ્રદ્ધા જેવા વિષયોની રચનાત્મક પ્રસ્તુતિ કરે છે.

આ પણ વાંચો – નેતા જ નહીં બિલ્ડર પણ છે ભૂપેન્દ્ર પટેલ, ક્રિકેટ અને બેડમિન્ટન રમવું છે પસંદ, નગરપાલિકાના સભ્ય
પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ મૂર્તિ
મહોત્સવ સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે, જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર 380 ફૂટ પહોળો પ્રવેશદ્વાર છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપે છે. આદિ શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ, બુદ્ધ અને મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે. મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલ પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારે તરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. આ વર્તુળની રંગબેરંગી ફૂલોની શોભતી રચનાઓ પણ આહલાદક છે.
દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હૂબહૂ પ્રતિકૃતિ
દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હૂબહૂ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલ 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુમ્મટો નીચે સનાતન ધર્મના દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ – શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, ભગવાન શ્રી રાધા-કૃષ્ણ, ભગવાન શ્રી સીતા-રામ, ભગવાન શ્રી ઉમા-મહાદેવ વગેરેની અદભુત મૂર્તિઓનાં દર્શન કરીને લાખો લોકો શ્રદ્ધા દૃઢાવશે. આ ઉપરાંત આ મંદિરના મંડોવર અને સ્તંભોમાં 48 ગણપતિજી, 104 ઋષિમુનિ-સંતો-ભક્તોની કલાત્મક મૂર્તિઓ શોભે છે.

બાળકો માટે બાળનગરી
મહોત્સવનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે બીએપીએસ બાળનગરી. આ બાળનગરી એટલે બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત એક એવી નગરી કે જ્યાં વિવિધ પ્રસ્તુતિઓ બાળકોને વધુ સારા વ્યક્તિ બનવાની પ્રેરણાથી છલકાવી દેશે. 4,500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યા છે. કલાત્મક મેસ્કોટ, 3 પ્રદર્શન ખંડો, સંસ્કૃતિ રત્નો, શાંતિનું ધામ, બાળસ્નેહી ઉદ્યાન, બાળમંડળ એક્સપ્રેસ જેવી વિવિધ રચનાઓ ઉપરાંત બાળનગરીના બે કલામંચોમાં 150થી વધુ બાળકો નૃત્ય, ગીત-સંગીત, વક્તવ્યોની રમઝટ બોલાવી બાળકોને મોજ કરાવશે અને તેમની સુશુપ્ત શક્તિઓ ખીલવવાની પ્રેરણા આપશે.
પાર્કિગની છે ખાસ વ્યવસ્થા
મહોત્સવ સ્થળે ઉમટનારા લાખો દર્શનાર્થીઓની પાર્કિંગની વ્યવસ્થા માટે અઢી હજાર કરતા વધારે સ્વયંસેવકો ખડે પગે સેવા બજાવવા ઊભા રહેશે.વિશાળ મહોત્સવ સ્થળની સ્વચ્છતા માટે પણ આગવું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ નગરના પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ છે. અહીં કચરામાંથી ખાતર કે અન્ય વસ્તુઓ એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં ફેંકી દેવાયેલી પાણીની બોટલોમાંથી કચરા ટોપલીઓ જેવી રચનાઓ બનાવીને પર્યાવરણની સંભાળનો પણ ખ્યાલ કરવામાં આવ્યો છે.

80,000થી વધુ સ્વયંસેવકો સેવા આપવા કાર્યરત
મહોત્સવ સ્થળના નિર્માણમાં અત્યાર સુધીમાં કુલ 60,000થી વધુ સ્વયંસેવકો આવી ચૂક્યા છે. મહોત્સવ સ્થળની આ તમામ વ્યવસ્થાઓને જાળવવા માટે 80,000થી વધુ સ્વયંસેવકો સેવા આપવા માટે તા. 12 ડિસેમ્બરથી મહોત્સવના અંત સુધી કાર્યરત રહેશે. મહોત્સવના વિવિધ કાર્યક્રમોથી 30 દિવસ સુધી મહોત્સવના વિવિધ સભામંડપો ગુંજતા રહેશે, જેમાં આધ્યાત્મિક વ્યાખ્યાનો, વિદ્વત્તાસભર સેમિનારો અને પરિષદો, પ્રોફેશનલ્સ સંમેલનો સહિત વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે
મહોત્સવ સ્થળે દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રવિવારે સવારે 9.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રોજ રાત્રે 10.00 વાગ્યે મહોત્સવ સ્થળ બંધ થશે.