Rahul Gandhi defamation case: શું મોદી સરકાર વિરુદ્ધ રાહુલ ગાંધીની માનહાનિની સજા ચાલુ રહેશે, કે પછી તેમને કોર્ટમાંથી રાહત મળશે? આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપી દીધો છે. ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની રિવ્યુ પિટિશન અરજી પર સુનાવણી કરતા તેમની 2 વર્ષની સજા યથાવત રાખી છે. આ સાથે રાહુલ ગાંધીની સાંસદ સભ્ય પાછુ મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
આ કેસમાં 23 માર્ચ 2023ના રોજ સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીનું સંસદીય સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય સામે 25 એપ્રિલ, 2023ના રોજ રાહુલ ગાંધી વતી ગુજરાત હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે 2 મેના રોજ સુરક્ષિત રાખ્યો હતો. આજે આજ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો છે, જેમાં રાહુલ ગાંધીને કોઈ રાહત મળી નથી.
શું છે સમગ્ર મામલો?
2019 માં, કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં ભાષણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેમ છે. રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરોની અટક મોદી કેમ છે?’ આ પછી ગુજરાતના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત સેશન્સ કોર્ટમાં આની સામે અરજી કરી હતી. આ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવીને 2 વર્ષની સજા ફટકારી છે.
આ પછી લોકસભા સચિવાલય દ્વારા જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ રાહુલની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી. રાહુલ કેરળના વાયનાડથી સાંસદ હતા. આ કાયદા અનુસાર, જો કોઈપણ સાંસદ અને ધારાસભ્યને કોઈપણ કેસમાં 2 વર્ષ કે તેથી વધુ સજા થાય છે, તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ કાયદા હેઠળ 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ છે.