અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ ઉનાળો જામી રહ્યો છે ત્યારે બીજી તરફ વાતાવરણમાં વલટો આવતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. આગાહી વચ્ચે શનિવારે વહેલી સવારે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે રાજ્યમાં અમદાવાદ શહેર સહિત અનેક વિસ્તારોમાં કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ
રાજ્યમાં આજે અમદાવાદ,પાટણ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં શુક્રવાર સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.આ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન અને કરાં સાથે વરસાદ વરસતાં ધરતીપુત્રોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. ગુજરાતમાં બીજી મે સુધી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.
શહેરમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં એસજી હાઇવે, ગોતા, સેટેલાઇટ, બોપલ, નિકો, ઓઢવ, ઇસનપુર, વટવા, સીટીએમ, મણીનગર, વસ્ત્રાલ, મકરબા, સરખેજ, સનાથલ શાંતિપુરા, કાસીન્દ્રા,વિસલપુર અને બાકરોલ જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.