રાજકોટ અકસ્માત ની એક ઘટના સામે આવી છે. જેમાં સંતકબીર રોડ પર બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં બાઈક પર સવાર પિતા પુત્રનું સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. રસ્તા પરનો ખાડો અને રાહદારીને બચાવવા જતા બાઈક સ્લીપ ખાઈ ગયું અને ટેન્કરના ટાયર બંનેના શરીર પરથી ફરી વળતા સેકન્ડોમાં પિતા પુત્રના મોત. પોલીસે સ્થળ પર પહોંચી મામલો હાથ પર લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના સંતકબીર રોડ પર બાઈક પર પિતા પુત્ર કોઈ કામ માટે જઈ રહ્યા હતા તે સમયે ઓવરટેક લેતા સમયે રસ્તા પર ખાડો આવ્યો અને બાઈક સ્લીપ ખાઈ ગયું, બંને નીચે પટકાયા તેજ સમયે ટેન્કર ના પાછળના ટાયરો તેમના પર ફરી વળતા સ્થળ પર જ તેમના મોત નિપજ્યા હતા.
રાજકોટ અકસ્માત, પિતા-પુત્રના મોત
મહત્વની વાત એ છે કે, અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે, રાજકોટના સંતકબીર રોડ પર બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં પિતા પુત્ર બાઈક પર જઈ રહ્યા હતા. તે સમયે પાણીનું ટેન્કર પણ બાજુમાંથી પસાર થઈ રહ્યું હતુ, બાઈક ચાલકે ઓવરટેક લેવાનું શરૂ કર્યું, અને અચાનક ખાડો આવ્યો તથા સામેથી રાહદારી પસાર થઈ રહ્યો હતો, અચાનક બાઈક સ્લીપ થઈ ગયું અને પિતા પુત્ર ટેન્કર તરફ પટકાયા અને ટેન્કરના પાછળના ટાયરો તેમના પર ફરી વળ્યા. આ અકસ્માતમાં સેકન્ડોમાં જ બંનેના સ્થળ પર જ મોત થયા હતા.
રાજકોટ અકસ્માત ની ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. લોકોના ટોળે ટોળા રસ્તા પર ઉમટી પડ્યા હતા. પોલીસે મામલો હાથ પર લઈ ટેન્કર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટ અકસ્માત મામલે પોલીસ સૂત્રો અનુસાર, મૃતક પિતા પુત્ર હતા. (1) અજય શૈલેષભાઈ પરમાર (2) શૈલેષભાઈ પરમાર. મળેલી માહિતી અનુસાર, પિતા પુત્ર કોઈ કામ માટે સંતકબીર રોડ પર થી કોઈ કામ અર્થે યાર્ડ નગર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા છે. પોલીસે બંનેના મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.
આ પણ વાંચો – રાજકોટ : ફાર્મ હાઉસ પર જુગારધામનો અડ્ડો, 17 ઝડપાયા, 2 પોલીસકર્મીઓ પણ તપાસ હેઠળ
રાજકોટ અકસ્માત માં ભોગ બનનાર મૃતક અજય સુરત રહે છે અને ત્યાં એલએન્ડટીમાં નોકરી કરતો હતો, તે પિતરાઈ બહેનના લગ્નમાં રાજકોટ આવ્યો હતો, જ્યારે શૈલેષભાઈ રાજકોટમાં જ ચેઈનકટીંગ કામની મજૂરી કરતા હોવાની માહિતી મળી છે. પિતા પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે, અજય બે દિવસ બાદ જ પિતરાઈ બહેનના લગ્ન હતા, જેમાં હાજરી આપવા સુરતથી આવ્યો હતો.