Rajkot Fire in Game Zone : રાજકોટથી આગના એક મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં 20 થી વધુના મોત થયા છે, જ્યારે કેટલાક દાઝી જવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેને પગલે મૃત્યુઆંક વધી શકે છે. આ સિવાય 30 જેટલા લોકોનું રેસક્યુ કરાઈ સહિસલામત બહાર કાઢવામાં આવ્યા છે.
રાજકોટ, કાલાવાડ રોડ TRP ગેમ ઝોનમાં આગ
રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોન માં બપોર બાદ અચાનક ભીષણ આગ લાગી હતી, જેને પગલે નાસભાગ મચી ગઈ હતી. કોઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધુ અને ધીમે ધીમે પૂરા મોલને આગની લપેટમાં લઈ લીધો.
9 બાળકો સહિત 26 ના મોત, મૃત્યઆંક વધી શકે છે
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓળવવા સહિત રેસક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં પહેલા બે મૃતદેહ મળ્યા હતા, ત્યારબાદ એક પછી એક મૃતદેહ બહાર હોવાનુ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. અનેક ગંભીર રીતે દાઝેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે, હજુ મૃત્યુંઆક વધી શકે છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી
આગ એટલી ભયાનક છે કે, ધૂમાડાના ગોટે ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા છે. ઘટનાની જાણ થતા રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. આ બાજુ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ચિંતા વ્યક્ત કરી તંત્રને બચાવ કામગીરી, ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર મળી રહે તે માટે સૂચના આપી છે.
ફાયર વિભાગનું રેસક્યુ ઓપરેશન ચાલુ, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
નજરે જોનાર સૂત્રો અનુસાર, આગ લાગતા જ માત્ર 10 મિનીટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આઠ જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. 108 સહિત પ્રાઈવેટ એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.

તમામ ગેમ ઝોન બંધ કરવા હુકમ કરાયો
રાજકોટ ટીઆરપી મોલમાં આગ લાગ્યા બાદ રાજકોટ પોલીસ કમિશનરે શહેરના તમામ ગેમ ઝોન બંધ કરી દેવા આદેશ આપ્યા છે. આગની આ ઘટનાને ધ્યાનમાં રાખી આ હુકમ કરવામાં આવ્યો છે. પહેલા તમામ ગેમિંગઝોનમાં સેફ્ટીની તપાસ કરવામાં આવશે, જે મૃતદેહ મળ્યા છે તે ગંભીર રીતે દાઝી ગયા છે, જેથી તેમની ઓળખ થઈ શકી નથી, તેમનું ડીએનએ સહિતની કામગીરી કરી મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
મૃતકોના પરિવારને ચાર લાખ સહાયની જાહેરાત
રાજકોટ ટીઆરપી મોલના ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કરી કહ્યું, રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.
રાજકોટ આગની તપાસ માટે SIT ની રચનાની જાહેરાત
આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
રાજકોટમાં આગની દુર્ઘટનાએ આપણે સૌને દુઃખી કરી દીધા છે. થોડા સમય પહેલા તેમની સાથેની મારી ટેલિફોન વાતચીતમાં, ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જીએ મને અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા ચાલી રહેલા પ્રયાસો વિશે જણાવ્યું હતું.
પીએમ મોદીએ બીજા ટ્વીટમાં કહ્યું કે, રાજકોટમાં આગની ઘટનાથી અત્યંત વ્યથિત. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો માટે પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે.
પોલીસે માલિકની અટકાયત કરી હતી
રાજકોટ પોલીસે ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની અટકાયત કરી છે. પોલીસ ગેમ ઝોનના મેનેજરને પણ શોધી રહી છે. આ ગેમ ઝોનના એક ભાગમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે બે દિવસ પહેલા ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે, એક દિવસ બાદ ગેમ ઝોન ફરી ખોલવામાં આવ્યો હતો. જે દરમિયાન બે દિવસ પહેલા શોર્ટ સર્કિટના કારણે ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે, એક દિવસ બાદ ગેમ ઝોન ફરી ખોલવામાં આવ્યો હતો.
રાજકોટ TRP ગેમ ઝોનનો માલિક કોણ, કોની કોની અટકાયત થઈ
રાજકોટ પોલીસ કમિશ્નરના જણાવ્યા અનુસાર, જગ્યાનો માલિકનું નામ યુવરાજસિંહ છે, જેણે જગ્યા ભાડે આપી હતી. હાલમાં પોલીસે યુવરાજસિંહ સોલંકી, ગેમ ઝોન ચલાવનાર પ્રકાશ જૈન, મેનેજર નિતીન જૈન, રાહુલ રાઠોડની અટકાયત કરી. અપડેટ માહિતી અનુસાર, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 10 લોકોની અટકાયત કરી છે. જાણવા મળ્યું છે કે, 30-35 લોકોનો સ્ટાફ હતો, તેમની યાદી બનાવી તમામની અટકાયત કરી પુછપરછ કરવામાં આવશે.
મૃતદેહો ગંભીર રીતે દાઝી ગયા ઓળખવા મુશ્કેલ, ડીએનએ બાદ ઓળખ કરાશે
આગની ગંભીરતા આકનું વિકરાળ સ્વરૂપ ધરાવતા વીડિયો જોઈ જ લગાવી શકાય છે, એક પછી એક મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે, અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નરે કહ્યું કે, મૃતદેહો ગંભીર રીતે દાઝી ગયેલા છે, જેની ઓળખ કરવી હાલ મુશ્કેલ છે. જે લોકોના પરિવારજનો મિસીંગ હસે તેમની યાદી બનાવી તેમના ડીએનએ ના આધારે ઓળખ કરવામાં આવશે.
રાજકોટ અગ્નિકાંડ બાદ, અમદાવાદ-વડોદરાના ગેમ ઝોન બંધ કરાયા
રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત બાદ અમદાવાદ અને વડોદરામાં પણ ગેમ ઝોન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મોલમાં ચાલતા ગેમ ઝોન ની જ્યાં સુધી સેફ્ટીની તપાસ ન થઈ જાય ત્યાં સુધી આ ગેમ ઝોનો બંધ કરવાનો આદેશ અપાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ગેમિંગ ઝોનમાં વેલ્ડીંગનું કામ ચાલુ હતુ
ગેમ રમવા આવેલા એક યુવકે મીડિયાને જણાવ્યું કે, ગેમિંગ ઝોનમાં વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું, અમને કર્મચારીએ કહ્યું ભાગો આગ લાગી છે. ગેસ વેલ્ડીંગનો બાટલો ફાટ્યો હોવાનું ચર્ચા કરતા હતા.
આ પણ વાંચો – રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ : રમતની મજા વચ્ચે નિર્દોષોને મળી મોતની સજા
આગ પર કાબુ મેળવાયો, એફએસએલ ટીમ પહોંચી
ફાયર વિભાગના કર્મચારીએ મીડિયાને જણાવ્યું કે, આગ પર લગભગ કાબુ મેળવી લેવામાં આવ્યો છે, જેસીબીથી પતરા હટાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ક્યાંક ક્યાંક હજુ આગ સ્પાર્ક થઈ રહી છે, તે ઓલવવાની કામગીરી ચાલી રહી છે.