Rajkot Fire Incident : ગુજરાતના રાજકોટમાં શનિવારે બપોરે ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 12 બાળકો સહિત 28 લોકોના મોતના કેસમાં સોમવારે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રવિવારની રજા હોવા છતાં, કોર્ટે આ કેસમાં સ્વ-મોટુ સંજ્ઞાન (સુઓમોટો) લીધી હતી અને રાજ્ય સરકારના વલણ પર સખત નારાજગી વ્યક્ત કરી હતી.
જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન દેસાઈની બનેલી હાઈકોર્ટની બેન્ચે કહ્યું હતું કે, આ માનવસર્જિત દુર્ઘટના છે. કોર્ટે ગેમિંગ ઝોનને જાહેર સુરક્ષા માટે જોખમી ગણાવીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી એક દિવસમાં રિપોર્ટ માંગ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
હાઈકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસનને કડક ફટકાર આપતા કહ્યું, બાળકો સહિત 28 લોકોના મોત બાદ હવે તમને ખબર પડશે કે, શહેરમાં ગેમિંગ ઝોન પરવાનગી વગર ચાલી રહ્યા છે. શું તમે આંધળા થઈ ગયા હતા, અથવા તમે સૂઈ રહ્યા છો?
કોર્ટે કહ્યું, “શહેરમાં ગેમિંગ સેન્ટરો અનધિકૃત જગ્યામાં બનાવવામાં આવ્યા હતા અને ત્યાં કોઈ ફાયર સેફ્નીટી એનઓસી નથી. આ બધું છેલ્લા ચાર વર્ષથી ચાલતું હતું. હવે અમને શહેર પ્રશાસન અને ગુજરાત સરકાર પર વિશ્વાસ નથી. કોર્ટે કહ્યું, આ દુર્ઘટના આંખ ખોલનારી છે, સૌથી દુઃખદ વાત એ છે કે, તેમાં માસૂમ બાળકોના પણ મોત થયા છે.
એડવોકેટ એસોસિએશનના પ્રમુખે પીઆઈએલ માટે વિનંતી કરી હતી
સોમવારે, બંને એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહ અને મિતેશ અમીને રાજ્ય સરકાર વતી તેમના વિચારો રજૂ કર્યા હતા. રાજકોટ આગની ઘટનાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને વકીલ અમિત પંચાલે ડિવિઝન બેન્ચને આ મામલાને જાહેર હિતની અરજી તરીકે લેવા વિનંતી કરી હતી.
બેન્ચે કહ્યું હતું કે, પેટ્રોલ, ફાઈબર અને ફાઈબર ગ્લાસ શીટ્સ જેવી અત્યંત જ્વલનશીલ સામગ્રીને ‘ગેમ ઝોન’માં રાખવામાં આવી હતી. આ એક ખતરનાક કામ હતું અને ત્યાં મુલાકાત લેતા લોકોની સુરક્ષાને જોખમમાં મૂક્યું હતું.
હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, “અમે કેટલાંક અખબારોના અહેવાલો વાંચીને ચોંકી ગયા છીએ, જે દર્શાવે છે કે, રાજકોટમાં ગેમિંગ ઝોને ગુજરાત કોમ્પ્રીહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (GDCR) ની છટકબારીઓનો લાભ લઈને ગેરકાયદેસર મનોરંજન પ્રવૃત્તિઓનું નિર્માણ કર્યું હતુ. આ તમામ ઓથોરિટીની યોગ્ય મંજુરી વગર ચાલતુ હતુ. આ ટીન શેડમાં કામચલાઉ બાંધકામ સાથે ચલાવવામાં આવી રહી હતી. રાજકોટના ગેમ ઝોનમાં જ્વલનશીલ પદાર્થો, ઈંધણ, ટાયર, ફાઈબર ગ્લાસ રાખવામાં આવ્યા હતા.
વેલ્ડીંગમાંથી નીકળેલ સ્પાર્કને કારણે આગ લાગવાની આશંકા
રાજકોટ ગેમ ઝોનના સીસીટીવી ફૂટેજમાં વેલ્ડીંગના તણખાને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો સૂચવે છે કે, આગ શરૂઆતમાં વેલ્ડીંગ કરતી વખતે લાગી હતી. વીડિયોમાં એક ખૂણામાંથી ધુમાડો નીકળતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચો – Rajkot Fire Accident News: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટેની સુઓમોટો, આવા ગેમ ઝોન જાહેર જનતાની સુરક્ષા સામે ખતરો
રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, CCTV ફૂટેજ દર્શાવે છે કે, ગેમિંગ ઝોનના પહેલા માળે વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું, જેની નીચે જ્વલનશીલ સામગ્રીનો ઢગલો રાખવામાં આવ્યો હતો. જોશીએ જણાવ્યું હતું કે, “આવા કામચલાઉ માળખામાં વપરાતી અન્ય સામગ્રીઓ સાથે ફોમ શીટ્સ, અને થર્મોકોલના ઢગલા હતા.” તેથી એવું લાગે છે કે, વેલ્ડીંગના કામમાંથી કેટલાક તણખલા સામગ્રી પર પડ્યા હતા, જેના કારણે આગ લાગી હતી.”





