રાજકોટમાં આગ દુર્ઘટના અપડેટ્સ: કેમ DNA મેચિંગમાં સમય લાગી રહ્યો? શું છે પ્રક્રિયા? વેલ્ડીંગ કરનારની અટકાયત

Rajkot Fire Tragedy Updates : રાજકોટ આગ દુર્ઘટનામાં મૃતદેહો ઓળખી ન શકાય તેવા બળી ગયા બાદ ડીએનએ સેમ્પલિંગ જરૂરી હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે, સરળ ડીએનએ સેમ્પલિંગ માટે પણ કોઈ પ્રવાહી બચ્યું ન હતું. તેમણે જણાવ્યું કે, કેટલાક મૃતદેહો વિકૃત પણ હતા.

Written by Kiran Mehta
Updated : May 28, 2024 15:06 IST
રાજકોટમાં આગ દુર્ઘટના અપડેટ્સ: કેમ DNA મેચિંગમાં સમય લાગી રહ્યો? શું છે પ્રક્રિયા? વેલ્ડીંગ કરનારની અટકાયત
રાજકોટ આગ દુર્ઘટના ટીઆરપી ગેમિંગ ઝોન (ફાઈલ ફોટો)

Rajkot Fire Tragedy : રાજકોટ આગના ત્રણ દિવસ પછી પણ, ફોરેન્સિક નિષ્ણાતો TRP ગેમ ઝોન ફાયર સાઇટ પરથી મળી આવેલા 27 સંપૂર્ણ બળી ગયેલા મૃતદેહોમાંથી માત્ર 13 ના ડીએનએ નમૂનાઓ પરથી ઓળખ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. તો અન્ય અપડેટ્સમાં આજે વેલ્ડીંગ કરનાર વ્યક્તિની ઓળખ કરી તેની અટકાયત કરવામાં આવી છે, તો પરષોત્તમ રૂપાલાને પીડિતોના પરિવારોએ ઘેર્યા હતા અને અનેક પ્રશ્નો કર્યા હતા.

આ બાજુ રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, 17 મૃતદેહોની ઓળખ કરી દેવામાં આવી છે, તેમાંથી સાત મૃતદેહ પીડિત પરિવારોને સોંપવામાં આવ્યા છે. “પરિવારોની વિનંતી મુજબ આજે સવારે અન્ય ચારના મૃતદેહ સોંપવાની કામગીરી થઈ છે. જે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને એઈમ્સમાં કોલ્ડ રૂમની સુવિધામાં રાખવામાં આવ્યા હતા.” જોશીએ જણાવ્યું હતું.

પીડિતોમાં જે લોકોના સેમ્પલ મેચિંગ થઈ ગયા બાદ મૃતદેહ સોંપવામાં આવ્યા તેમાં સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (17), સ્મિત મનીષભાઇ વાળા, સુનિલભાઇ સુભાગ સિદ્ધપુરા (45), જીજ્ઞેશ કાળુભાઇ ગઢવી, ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (35), વિશ્વરાજસિંહ જસુભા જાડેજા (23) આશાબેન ચંદુભાઈ કાથડ (38), સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, જયંત અનીલભાઈ ઘોરેચા, માંશુભાઈ દયાળજીભાઈ પરમારનો સમાવેશ થાય છે, જ્યારે હરિતાબેન રતિલાલ સાવલિયા, ખ્યાતિબેન રતિલાલ સાવલિયા, દેવસિંહબા હિતેન્દ્રસિંહ જાડેજા, રાજભા પ્રદિપસિંહ ચૌહાણના સેમ્પલ મેચિંગની પ્રક્રિયા લગભગ પૂરી થઈ ગઈ છે.

મૃતદેહો ઓળખી ન શકાય તેવા બળી ગયા બાદ ડીએનએ સેમ્પલિંગ જરૂરી હતું. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે, સરળ ડીએનએ સેમ્પલિંગ માટે પણ કોઈ પ્રવાહી બચ્યું ન હતું. તેમણે જણાવ્યું કે, કેટલાક મૃતદેહો વિકૃત પણ હતા.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તેઓ સોમવારે ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની તપાસની સમીક્ષા કરવા ગયા હતા, “મૃતદેહમાંથી DNA સેમ્પલ કાઢવા માટે લોહીની જરૂર પડે છે, પરંતુ રાજકોટની ઘટનામાં બોડીમાં લોહી નહોતું (મૃતદેહોમાં બાકી હતું). તેથી, સમય બચાવવા માટે મૃતકોના હાડકાંને એર એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા.”

તેમણે કહ્યું કે, 18 થી વધુ સભ્યોની ટીમ “મૃતકોના મૃતદેહો તેમના પરિવારોને શક્ય તેટલી વહેલી તકે પરત કરવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે”.

25 મેના રોજ લાગેલી આગમાં સાત સગીર સહિત 28 લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં એક ગુમ વ્યક્તિ સિવાય તમામના અવશેષો મળી આવ્યા છે.

એક વરિષ્ઠ અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને પુષ્ટિ આપી કે, “કેટલાક ડીએનએ નમૂનાઓ આજે (સોમવારે) ઓળખવામાં આવ્યા છે. ડીએનએ પૃથ્થકરણની પ્રક્રિયા ચાલી રહી છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, બાકીના નમૂનાઓ શક્ય તેટલી વહેલી તકે, સંભવતઃ આજની રાત સુધીમાં પુષ્ટિ કરવામાં આવશે.”

પીડિત પરિવારોએ પરષોત્તમ રૂપાલાને ઘેર્યા

આ બાજુ આજે રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને પીડિતોના પરિવારે ઘેર્યા હતા અને તેમના સ્વજનોના ડીએનએ ટેસ્ટ કરવામાં કેમ આટલી વાર લાગી રહી છે, કેમ મૃતદેહ સોંપવામાં નથી આવી રહ્યા કહી ઘેર્યા હતા. પરષોત્તમ રૂપાલાએ ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું કે, હું કાલ સવારનો અહીં જ છુ, તમામ કામગીરી પર નજર રાખી રહ્યા છીએ, 17 લોકોના ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે, હજુ 10 લોકોના બાકી છે.

વેલ્ડીંગ કરનાર આરોપીની અટકાયત

આ બાજુ એસઆઈટી ની સૂચના પ્રમાણે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વેલ્ડીંગનુંકામ કરનાર મહેશ રાઠોડ નામના વ્યક્તિની અટકાયત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આગની ઘટનામાં તે પણ ઈજાગ્રસ્ત થયો હતો, તેની ટુંકી સારવાર બાદ અટકાયત થઈ છે. તો રાજકોટ દુર્ઘટના સ્થળની જગ્યાના માલિકો અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ અટકાયત કરી છે, જેમણે જગ્યા ભાડે આપેલી હતી.

પીડિતોના અંતિમ સંસ્કારમાં શોકનો માહોલ

પીડિત પરિવારોની હવે ધીરજ ખુટી રહી છે, પરિવારો એક જ વાત કરે છે કે, તેમના અગ્નિ સંસ્કાર તો કરવા મૃતદેહ આપો. અત્યાર સુધીમાં સોપાયેલા મૃતદેહના એક પછી એકના અંતિમ સંસ્કારની વીધી થઈ રહી છે. મૃતકોના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, લોકોના રડી રડીને હાલ બુરા છે. દરેકનો એક જ અવાજ ગુનેગારોને કડકમાં કડક સજા કરે અને અમને ન્યાય આપો, તથા આવી દુર્ઘટના ફરી ક્યાંય ના બને તે માટે દાખલા બેસાડો.

આ પણ વાંચો – Rajkot Fire Incident : ‘હત્યાથી ઓછુ નહીં, 28 ના મોત, તમારા પર ભરોસો નથી’, હાઈકોર્ટે કોર્પોરેશન અને તંત્રનો ઉધડો લીધો

ડીએનએ કરવામાં કેમ મોડુ થઈ રહ્યું?

સંઘવીના જણાવ્યા અનુસાર, એફએસએલ રવિવારે સવારે 5 વાગ્યાથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જે પ્રથમ ડીએનએ સેમ્પલ આવ્યા તે લોહી અને પોસ્ટમોર્ટમ સેમ્પલ હતા. તેમણે કહ્યું, “આ ઓપરેશન આઠ તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે – ડીએનએ નમૂનાના નિષ્કર્ષણથી અંતિમ અહેવાલ સુધી. દરેક તબક્કે, પરીક્ષણનો સમયગાળો નમૂનાના પ્રકારને આધારે નક્કી કરવામાં આવે છે.”

  • મંત્રીએ કહ્યું કે, કેટલાક સખત પેશીના નમૂનાઓને ઓળખવામાં લગભગ 36-48 કલાકનો સમય લાગવાનો અંદાજ છે. પ્રથમ તબક્કામાં, જે લગભગ છ થી સાત કલાક લે છે, પરીક્ષણ માટે નમૂનાઓનું વિશ્લેષણ કરવા માટે કેસ ખોલવાની પ્રક્રિયા કરવામાં આવે છે.

  • બીજા પગલામાં, જે લગભગ છ થી સાત કલાક લે છે, તેમાં નમૂનાઓમાંથી ડીએનએ કાઢવાનો સમાવેશ થાય છે.

  • તો ત્રીજું પગલું ડીએનએની માત્રા અને ગુણવત્તા તપાસવાનું છે. તે લગભગ ત્રણથી ચાર કલાક લે છે, મંત્રીએ જણાવ્યું હતું.

  • “પછી ચોથા પગલા હેઠળ, ડીએનએ સેમ્પલની પીસીઆર (પોલિમરેઝ ચેઈન રિએક્શન) એટલે કે ડીએનએ સંવર્ધન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ ત્રણ-ચાર કલાકની પ્રક્રિયા છે.

  • પાંચમા પગલામાં ડીએનએ પ્રોફાઇલિંગનો સમાવેશ થાય છે, જે લગભગ આઠથી નવ કલાક લે છે.

  • છઠ્ઠા પગલામાં મેળવેલ ડીએનએ પ્રોફાઈલનું વિશ્લેષણ કરવામાં આવે છે, જેમાં બે થી ત્રણ કલાકનો સમય લાગે છે.

  • વધુમાં, વિશ્લેષણ કરાયેલા નમૂનાઓનું અર્થઘટન સાતમા પગલામાં કરવામાં આવે છે જે લગભગ છ થી સાત કલાક લે છે.

  • અને ડીએનએ રિપોર્ટ છેલ્લા અને આઠમા પગલા હેઠળ તૈયાર કરવામાં આવે છે જે લગભગ ત્રણથી પાંચ કલાક લે છે,” સંઘવીએ માહિતી આપી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ