રામ મંદિર આયોજનને લઈ ગુજરાત કોંગ્રેસ વિવાદમાં, GPCC વડાએ શંકરાચાર્યને બનાવ્યા ઢાલ!

Ram Temple and Gujarat Congress : રામ મંદિરને લઈ અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) ના ટ્વીટથી વિવાદ, જીપીસીસી (GPCC) વડા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) શંકરાચાર્ય (Shankaracharya) ના નિર્ણયને ઢાલ બનાવ્યું, સાથે પાર્ટીમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર, આંતરીક લોકશાહીને આગળ કર્યા.

Written by Kiran Mehta
Updated : January 13, 2024 20:22 IST
રામ મંદિર આયોજનને લઈ ગુજરાત કોંગ્રેસ વિવાદમાં, GPCC વડાએ શંકરાચાર્યને બનાવ્યા ઢાલ!
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. આ સાથે  સરયુ એન્ક્લેવનું પણ લોકાર્પણ થશે. કહેવામાં આવી રહ્યું છે કે તે 51 એકરમાં ફેલાયેલું છે.

લીના મિશ્રા | Ram Temple and Gujarat Congress : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી ન આપવાના તેમની પાર્ટીના “રાજકીય નિર્ણય” ની ટીકા કરતા નિવેદને પાર્ટીને શરમજનક સ્થિતિમાં મુકી દીધી હતી, જે કેટલાએ વર્ષથી રાજ્યની રાજનીતિમાં સત્તા પર આવવા સંઘર્ષ કરી રહી છે.

પોરબંદરના વરિષ્ઠ ધારાસભ્ય, મોઢવાડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) ના પૂર્વ પ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે.

મોઢવાડિયાએ 10 જાન્યુઆરીના રોજ એક X પોસ્ટમાં કોંગ્રેસની ટીકા કરી હતી, જેમાં AICC ના જનરલ સેક્રેટરી (સંચાર) જયરામ રમેશ દ્વારા તે દિવસે જાહેર કરાયેલા કોંગ્રેસના નિવેદનને ટેગ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે જાહેરાત કરી કે, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ અયોધ્યા કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ “સન્માનપૂર્વક નકારી કાઢ્યું” છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, ભાજપ અને આરએસએસ દ્વારા રામ મંદિરને “રાજકીય પ્રોજેક્ટ” માં ફેરવવામાં આવ્યો છે અને લોકસભાની ચૂંટણી પહેલા “ચૂંટણીના ફાયદા” માટે અભિષેક સમારોહ આગળ લાવવામાં આવ્યો છે.

GPCC પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, તે “તેમના (મોઢવાડિયાના) અભિપ્રાયની અભિવ્યક્તિ છે”, તેમણે તેને પક્ષની “આંતરિક લોકશાહી”નું ઉદાહરણ ગણાવ્યું છે.

ગોહિલે પણ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી ન આપવાના શંકરાચાર્યના નિર્ણયના સમર્થનમાં એક નિવેદન બહાર પાડ્યું છે, અને દાવો કર્યો છે કે, આ ઘટના આ આયોજન વિશેની કોંગ્રેસની ભાવનાઓ સાથે સુસંગત છે.

શુક્રવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ગોહિલે કહ્યું હતું કે, એક હિંદુ તરીકે તેઓ શંકરાચાર્યના શબ્દોને સર્વોચ્ચ માને છે અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા (અભિષેક) માં હાજરી ન આપવાના તેમના નિર્ણય પર અડગ છે, મંદિર હજુ “અધૂરુ” છે. ચારેય શંકરાચાર્યોએ કથિત રીતે અયોધ્યા કાર્યક્રમ ન યોજવાનો નિર્ણય લીધો છે કારણ કે “તે હિંદુ શાસ્ત્રો અનુસાર કરવામાં આવી રહ્યું નથી”.

ગોહિલ વિડિયોમાં કહે છે, “પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે રામ નવમીથી મોટો દિવસ કયો હોઈ શકે, પણ ના… જ્યારે તમને તેનાથી વોટ ન મળે, જેથી ચૂંટણી પહેલા રામના નામે તેમને રિડીમ કરો.”

તે વધુમાં કહે છે કે, જ્યારે શંકરાચાર્ય તેને “સંપૂર્ણ” જાહેર કરશે, ત્યારે “દરેક કોંગ્રેસી” મંદિરની મુલાકાત કરી લેશે.

ડિસેમ્બર 2022 ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસે તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું, જે 2017 માં જીતેલી 77 બેઠકોમાંથી, હવે 182 ના ગૃહમાં તે ઘટીને 17 બેઠકો થઈ ગઈ છે.

2017 માં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતમાં દ્વારકાધીશ અને અન્ય ઘણા મંદિરોની મુલાકાત લેનારા રાહુલ ગાંધીનું ઉદાહરણ આપતા, ગોહિલે તેમના વિડિયોમાં એમ પણ કહ્યું હતું કે, મંદિરની મુલાકાત લેવા માટે “નિમંત્રણ” ની જરૂર નથી. આ ભાજપનું આયોજન છે અને ચૂંટણી સમયે આવી રાજકીય ઘટનાને સ્વીકારવી જરૂરી નથી.

તેમના 10 જાન્યુઆરીના ટ્વિટમાં, મોઢવાડિયાએ કહ્યું હતું કે, “ભગવાન રામ એક શાસક દેવતા છે. આ દેશના લોકોની આસ્થા અને વિશ્વાસની બાબત છે, @INCIndia એ આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ.

આ પછી મોઢવાડિયાએ આ મામલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે પોતાનું ટ્વિટ પણ ડિલીટ કર્યું નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા “એઆઈસીસીના ત્રણ વરિષ્ઠ નેતાઓએ મોઢવાડિયાને ફોન કર્યો હતો અને તેમને ટ્વીટ દૂર કરવા વિનંતી કરી હતી” પરંતુ તેમણે તે ડિલીટ કર્યું ન હતુ.

ગોહિલે કહ્યું, ‘આ ટ્વીટથી કઈ તેઓ (મોઢવાડિયા) પાર્ટી લાઇનની વિરુદ્ધ નથી જઈ રહ્યા, તેમણે માત્ર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.’

રાજ્ય કોંગ્રેસના એક નેતાએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું, “જયરામ રમેશનું નિવેદન બહિષ્કાર જેવું લાગે છે… જ્યારે આખો દેશ રામમય (ભગવાનમાં ડૂબેલો) છે, ત્યારે એવું લાગે છે કે, કોંગ્રેસ ભગવાન રામનો વિરોધ કરી રહી છે.” એક પક્ષ તરીકે અમે સારી રીતે યુક્તિપૂર્વક જવાબ આપી શક્યા હોત.

નેતાઓને એવું પણ લાગે છે કે, પાર્ટી નેતૃત્વએ “ઉતાવળમાં કામ કર્યું”. “તેઓ ઉદ્ઘાટનના થોડા દિવસ પહેલા પણ કરી શક્યા હોત, હવે તેઓએ ભાજપને થાળીમાં એક મુદ્દો સોંપી દીધો છે.”

કોંગ્રેસ પાર્ટીએ 2014 અને 2019 ની છેલ્લી બે સંસદીય ચૂંટણીઓમાં ગુજરાતમાં 26 માંથી એક પણ લોકસભા બેઠક જીતી નથી. પાર્ટી આગામી ચૂંટણી માટે AAP સાથે ગઠબંધન કરવાની યોજના બનાવી રહી છે, પરંતુ હજુ સુધી સર્વસંમતિ સધાઈ નથી.

ગયા મહિને ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પક્ષ છોડ્યા બાદ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને હવે 16 થઈ ગયું હતું.

તેમના 2017 ના ચૂંટણી પ્રચારમાં, રાહુલ, જે તે સમયે AICC ના વડા હતા, તેમણે લાંબા સમય સુધી ગુજરાતમાં ધામા નાખ્યા હતા અને ઓછામાં ઓછા 27 મંદિરોની મુલાકાત લીધી હતી, જોકે તે સમયે પક્ષના નેતાઓએ તેમના સારા પ્રદર્શનને એકલાને આભારી નહોતા ગણાવ્યા. પાર્ટીએ જણાવ્યું હતું કે, “અહેમદ પટેલ રાજ્યસભામાં ચૂંટાયા પછી કાર્યકરો ઉત્સાહિત હતા, તે પરિબળો પણ મહત્વના હતા, જ્યારે ભાજપે અમારા 17 ધારાસભ્યોને છીનવી લીધા ત્યારે ખેડૂતો ગુસ્સે થયા હતા અને પાટીદાર આંદોલન થયુ હતું.”

આ પણ વાંચોBilkis Bano Case | બિલ્કીસ બાનો કેસ તમામ માહિતી : 5 મહિનાનો ગર્ભ અને ગેંગરેપ, 3 મહિનાની દીકરી સહિત પૂરા પરિવારની હત્યા, દોષિતો પાસે હવે શું વિકલ્પ?

જોકે, એ સ્પષ્ટ નથી થયું કે, ગુજરાત કોંગ્રેસના કોઈ નેતાને અયોધ્યા કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે કે નહીં.

VHP એ સમગ્ર ગુજરાતમાં ઘરોમાં પત્રિકાઓ અને “અક્ષત” (પૂજા માટે વપરાતા ચોખાના દાણા) નું વિતરણ કરતી આક્રમક ઝુંબેશ શરૂ કરી છે. પશ્ચિમ રેલ્વેએ ફેબ્રુઆરીમાં ગુજરાતથી અયોધ્યા માટે ચાર અને ઈન્દોરથી એક વિશેષ ટ્રેનની જાહેરાત કરી છે, જેને “આસ્થા એક્સપ્રેસ” કહેવામાં આવશે. એક ખાનગી એરલાઈને અયોધ્યા માટે સીધી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. મંદિરના ઉદ્ઘાટન માટે આવી “તૈયારીઓ” જોઈ રહેલા રાજ્ય કોંગ્રેસના નેતાઓ તેને લોકસભા ચૂંટણીમાં “ભાજપ માટે પ્રચાર” તરીકે જોઈ રહ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ