Sarangpur Hanuman Temple mural painting Controversy : બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં હનુમાનની વિશાળ મૂર્તિની દીવાલો પર ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં બેઠેલા ભગવાન હનુમાનને દર્શાવતી કેટલાક ભીંતચિત્રો તોડી પાડવાના આરોપમાં રવિવારે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓની ઓળખ હર્ષદ ગઢવી, જયસિંહ ભરવાડ અને બલદેવ ભરવાડ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કર્મચારીની ફરિયાદને પગલે બરવાળા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
તેમની સામે IPC (ભારતીય દંડ સંહિતા) કલમ 427 (પચાસ રૂપિયા નુકસાન પહોંચાડનાર તોફાન), 295A (કોઈ પણ વર્ગના ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાપૂર્વકનું અને દૂષિત કૃત્ય) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાથે કલમ 153A (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષાના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું અને સંવાદિતા જાળવવા માટે પ્રતિકૂળ કૃત્યો કરવા) અને 120B (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
કેસની તપાસ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “મંદિર કર્મચારીની ફરિયાદ મળ્યા બાદ FIR નોંધવામાં આવી હતી.
ત્રણેયને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં અમે તેમના ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે અમારી માંગને ફગાવી દીધી હતી, જે બાદ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.”
હિંદુ ધાર્મિક નેતાઓ અને ભક્તોએ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં બેઠેલા ભગવાન હનુમાનને દર્શાવતા ભીંતચિત્રો હટાવવાની માગણી સાથે આ મુદ્દાએ વિવાદ ઉભો કર્યો છે.
શનિવારે, હર્ષદ ગઢવી પોલીસ કર્મચારીઓની હાજરી વચ્ચે વિશાળ કાંસ્ય પ્રતિમાની આસપાસ ઉભા કરાયેલા બેરિકેડ્સને ઓળંગીને મંદિરમાં પ્રવેશ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઘટનાના વિડિયોમાં, ગઢવી – એક હાથમાં શણગારાત્મક કુહાડી અને બીજા હાથમાં શાહી પકડીને – પ્રથમ કેટલાક ભીંતચિંત્રો પર શાહી ઘસતા, તેમને કાળા કરતા અને “સનાતન ધરમ ની” બૂમો પાડતા જોવા મળે છે. “સનાતન ધર્મની જય, કોઈ અવતા નઈ નકર મારી નાખે, તમારામાંથી કોઈ મારી નજીક આવવાની હિંમત ન કરે નહીં તો હું તમને મારી નાખીશ).”
તે પછી તેને કુહાડીથી બે વાર ભીંતચિત્રો પર પ્રહાર કરતા જોવા મળે છે, પરંતુ કુહાડીના બે ટુકડા થઈ જાય છે. ત્રણ પોલીસકર્મીઓ તેને પકડે તે પહેલાં ગઢવીએ કુહાડીના હેન્ડલ વડે વધુ બે ફટકાર લગાવી.
અન્ય એક પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, “જ્યારે ગઢવીએ ભીંતચિત્રોની તોડફોડ કરી, ત્યારે ત્રણેય આરોપીઓ સાથે હતા. જ્યારે, અન્ય બે તેનો વીડિયો શૂટ કરવામાં સામેલ હતા.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એપ્રિલમાં મંદિરમાં હનુમાનની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સ્વામિનારાયણ જૂથનું છે.





