Gujarat Police Arrest Serial Killer: ખુબ જ મહેનત અને પ્રયાસો બાદ ગુજરાત પોલીસે એક સિરિયલ કિલરને પકડી પાડ્યો છે જે છોકરીઓને નિશાન બનાવતો હતો. આ સિરિયલ કિલર પહેલા છોકરીઓ પર દુષ્કર્મ ગુજારતો હતો અને ત્યારક પછી તેમની નિર્મમ હત્યા કરતો હતો. વલસાડ જિલ્લામાં 19 વર્ષની યુવતીની હત્યા અને દુષ્કર્મના કેસમાં પોલીસે આ શંકાસ્પદ સિરિયલ કિલરની ધરપકડ કરી છે. આરોપીનું નામ રાહુલ જાટ હોવાનું કહેવાય છે.
બી.કોમની વિદ્યાર્થિનીની લાશ મળી હતી
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામની 19 વર્ષીય યુવતીનો મૃતદેહ ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીકના પાટા પરથી મળી આવ્યો હતો. જેના પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવતી બી.કોમ.ની વિદ્યાર્થીની હતી. તે દિવસે સાંજે ટ્યુશનથી પરત ફરી રહી હતી ત્યારે આરોપીએ તેના પર પાછળથી હુમલો કર્યો અને પહેલા તેના પર દુષ્કર્મ આચર્યું અને પછી તેની હત્યા કરી નાંખી હતી. આ કેસની તપાસ દરમિયાન વલસાડ પોલીસ યુવતીના હત્યારાને શોધી રહી હતી.
પોલીસે 2000 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા
વલસાડ પોલીસની અનેક ટીમો આ બળાત્કાર અને હત્યા કેસની તપાસ કરી રહી હતી. 4 DySP, ઘણા PI, SOG, LCB સહિત તમામ વિભાગોના 400 જેટલા પોલીસકર્મીઓ સામેલ થયા હતા. આ કેસની તપાસ કરતી વખતે પોલીસે 2000થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આ સમય દરમિયાન CCTV ફૂટેજમાં રાહુલ જાટની તસવીર મળી આવી હતી. જેની ઓળખ સુરતની લાજપુર જેલના અધિકારીએ કરી હતી. રાહુલ આગળનો ગુનો કરે તે પહેલા વાપી રેલ્વે પોલીસ (GRP)એ વાપી રેલ્વે સ્ટેશન પરથી આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: ચોટીલા- રાજકોટ હાઈવે પર પિકઅપ વાનનો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારની ચાર મહિલાના મોત
આ લોકો હતા ‘સિરિયલ કિલર’નો શિકાર
તપાસમાં આરોપી રાહુલ જાટે પોલીસને જણાવ્યું કે તે એકલા લોકોને લૂંટતો હતો અને મહિલાઓ પર બળાત્કાર કરતો હતો. તે ખાસ કરીને ટ્રેનોના વિકલાંગ કોચમાં તેના પીડિતોને શોધતો હતો. તે મોટાભાગે રેલવે પ્લેટફોર્મ અને ટ્રેનોમાં રહેતો હતો જેના કારણે પોલીસ માટે તેને પકડવો મુશ્કેલ બન્યો હતો.
પોલીસ અનુસાર આરોપી રાહુલ જાટ હરિયાણાના રોહતકનો રહેવાસી છે. તે અલગ-અલગ રાજ્યોમાં ગુનાઓને અંજામઆપી સતત પોતાની લોકેશન બદલતો રહેતો હતો. તેણે 4 રાજ્યો, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તેલંગાણા અને મહારાષ્ટ્રમાં લૂંટ અને હત્યાઓની વરદાતને અંજામ આપી છે.
25 દિવસમાં 5 હત્યા
વલસાડના એસપી કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે, ઓક્ટોબર મહિનામાં આરોપી રાહુલ જાટે મહારાષ્ટ્રના સોલાપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં એક મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરી નાંખી હતી. આ પહેલા તેણે પશ્ચિમ બંગાળમાં કટિહાર એક્સપ્રેસમાં હાવડા સ્ટેશનની પાસે એક વૃદ્ધ વ્યક્તિને લૂંટીને ચાકુ મારીને તેની હત્યા કરી નાંખી હતી. ત્યાં જ કર્ણાટકના મુલ્કી સ્ટેશન પર આરોપી રાહુલે એક યાત્રીની હત્યા કરી નાંખી હતી. તેલંગાણાના સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનની પાસે એક મહિલાને લૂંટી લીધા બાદ તેની હત્યા કરી નાંખી બતી. તેમણે આગળ જણાવ્યું કે રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ટ્રક ચોરી અને ગેરકાયદેસર હથિયારની તસ્કરીના મામલે આરોપીને 2018-2019 અને 2024માં જેલમાં જઈ આવ્યો છે. આ સિવાય આરોપી રાહુલ જાટ વિરૂદ્ધ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં ગુનાહિત મામલાઓ નોંધાયેલા છે.