શંકર ચૌધરીએ ભાજપના સભ્ય પદેથી રાજીનામું આપ્યું, થરાદના ધારાસભ્ય અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગર બીજેપી મુખ્ય કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને રાજીનામું સોંપ્યું હતુ. તમને જમાવી દઈએ કે, શંકર ચૌધરી હવે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળશે, જેને પગલે તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર 156 બેઠકો સાથેની જીત બાદ શંકર ચૌધરી પર વિધાનસભા અધ્યક્ષ પદ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે, સાથે ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની પસંદગી કરવામાં આવી છે. શંકર ચૌધરી અને જેઠાભાઈ ભરવાડે 15 ડિસેમ્બરના રોજ સીએમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ માટે દાવેદારી કરી હતી.
કોણ છે શંકર ચૌધરી?
શંકર ચૌધરી આ વખતે થરાદના ધારાસભ્ય તરીકે ચૂંટણાઈ આવ્યા છે. શંકર ચૌધરી 2009થી જીએસસી બેન્કના વાઈસ ચેરમેન છે. આ સિવાય તેઓ 2015થી બનાસ ડેરીના ચેરમેન છે. તેમણે બનાસ ડેરીના વિકાસમાં અને આવકમાં મોટો ફાળો આપ્યો છે. સાત વર્ષમાં બનાસ ડેરીની આવકમાં ચાર ઘણો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે, શંકર ચૌધરી સૌપ્રથમ રાજકારણમાં ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેઓ રાધનપુર બેઠક પર 1997માં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે ચૂંટણી લડ્યા હતા. કહેવાય છે કે, નરેન્દ્ર મોદી તેમને સક્રિય રાજકારણમાં લાવ્યા હતા. આ પછી તેમણે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે, બનાસ બેન્કના ડિરેક્ટર તરીકે, ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ ભાજપના મહામંત્રી, આનંદીબેનનની સરકારમાં રાજ્ય આરોગ્ય મંત્રી સહિતની જવાબદારીઓ સંભાળી છે, કહેવાય છે કે, શંકર ચૌધરી નરેન્દ્ર મોદી અને અમિત શાહના વિશ્વાસુ પણ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતી સરકાર બનાવી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, સમાજવાદી પાર્ટીને 1 તો અન્યને ત્રણ બેઠકો મળી હતી. ભાજપે ત્યારબાદ ગુજરાતના સીએમ પદ માટે ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. આ સિવાય મંત્રીમંડળ માટે શપથ ગ્રહણ સમારોહ યોજ્યો હતો, અને 16 મંત્રીઓનું મંત્રી મંડળ બનવ્યું છે.
આ પણ વાંચો – ગુજરાત નવું મંત્રી મંડળ: કેમ નાનું કેબિનેટ છે? શું ભાજપાએ વિસ્તાર માટે જગ્યા છોડી, શું 2024ના પ્લાનનો ભાગ છે?
તમને જણાવી દઈએ કે, આ વખતના મંત્રી મંડળમાં અગાઉની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, જીતુ ચૌધરી, મનીષા વકીલ, નિમિષા સુથાર, ગજેન્દ્રસિંહ પરમાર, વિનોદ મોરડિયા અને દેવાભાઈ માલમ જેવા અનેક મંત્રીઓની બાદબાકી કરવામાં આવી હતી, તે સમયે જ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે, વરિષ્ઠ નેતાઓનો ટોચના નેતૃત્વ જેમ કે, વિધાનસભાના સ્પીકર તરીકે અથવા પાર્ટી સંગઠનમાં આ નેતાઓની સેવાઓનો ઉપયોગ અન્ય રીતે કરી શકે છે.