Ahmedabad News : આજના યુવાનો ફક્ત મોજશોખ અને હરવા ફરવામાં જ નહીં ધાર્મિક કાર્યમાં પણ આગળ છે. આ વાતનો દાખલો બોપલમાં સરકારી ટ્યૂબવેલ પાસે આવેલી ભવ્ય પાર્ક સોસાયટીમાં જોવા મળ્યો છે. બધા યુવાનોએ ભેગા મળીને સોસાયટીમાં શિવમંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો. આ વિચારમાંથી આજે શિવમંદિરનું સુંદર મંદિર બનીને તૈયાર થઇ ગયું છે. સોસાયટીમાં સ્વેચ્છાએ ફાળો ઉઘરાવીને મંદિર તૈયારી કરી દીધું છે. નવીન શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરની ચલિત પ્રતિષ્ઠા 25 અને 26 નવેમ્બર એમ બે દિવસ યોજાશે.
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
25 નવેમ્બરને મંગળવારે માગસર સુદ પાંચમે વડોદરાના શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ દ્વારા યજ્ઞ અને પૂજાનો પ્રારંભ કરાવ્યો હતો અને શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યો અને ભાવિક ભક્તો જોડાયા હતા. ડીજેના તાલે અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
26 નવેમ્બરને બુધવારે માગસર સુદ છઠના દિવસે સવારે શિવલિંગની ચલિત પ્રતિષ્ઠા કરવામાં આવશે. સાંજે 5.00 વાગે શ્રીફળ હોમાશે અને 5.30 કલાકે આરતી થશે. સાંજે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.

શિવલિંગ માટે ઓમકારેશ્વરથી નર્મદા નદીમાંથી પથ્થર લાવ્યા
મંદિરમાં સ્થાપિત શિવલિંગ માટે ઓમકારેશ્વરથી નર્મદા નદીમાંથી પથ્થર લાવ્યા હતા અને ત્યાં ઘડામણ કરાવ્યા પછી લાવ્યા હતા. મંદિરની ખાસ બાબત એ છે કે છત પર 5.5 ફૂટના કોતરણળીવાળા નંદીજી મહારાજ બિરાજિત કરવામાં આવ્યા છે. ઉપર શિવલિંગાકાર ગુંબજ પણ છે. જે 8 ફૂટ ઊંચું અને 5 ફૂટ પહોળું છે.
આ પણ વાંચો – ઈસનપુર તળાવ પાસે 925 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા
આ વિશે શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર સમિતિના સભ્ય જીતુભાઇ રથવી અને ઉત્કર્ષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સોસાયટીના યુવાનોએ મંદિર બાંધવાનો વિચાર મુક્યો હતો અને તરત જ બધા સભ્યો રાજી થઇ ગયા હતા. આ પછી સ્વેચ્છાએ ફાળો ઉઘરાવી મંદિર બનાવ્યું હતું. જેમાં ઘણા દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું.





