દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ : તાપીમાં 57 રસ્તા બંધ, નવસારી, જામનગર, રાજકોટ, કચ્છ પાણી-પાણી..

South Gujarat Saurashtra heavy rain update : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ક્યાંક નદી નાળા છલકાયા તો ક્યાંક રસ્તા બંધ થયા. તાપી, નવસારી, જામનગર, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં આજે મેઘ તાંડવ જોવા મળ્યું હતું.

Written by Kiran Mehta
Updated : June 30, 2023 18:25 IST
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ : તાપીમાં 57 રસ્તા બંધ, નવસારી, જામનગર, રાજકોટ, કચ્છ પાણી-પાણી..
ગુજરાતમાં આજે વરસાદનું અપડેટ

South Gujarat Saurashtra heavy rain : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જાણે બારે મેઘ ખાંઘા થયા જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લા તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ સહિત તમામ જિલ્લામાં અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. તો જોઈએ હાલમાં કયા વિસ્તારોમાં કેવી સ્થિતિ છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, તાપી અને નવસારી જિલ્લામાં ગત રાતથી આજ સુધી મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે. બંને જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ નદી નાળા છલકાયા છે, તો ક્યાંક રોડ રસ્તા ધોવાઈ ગયા છે, કેટલાએ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. તો ક્યાંક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

તાપી: 24 કલાકમાં વાલોદમાં 9.40 ઈંચ વરસાદ ખાબક્યો

તાપી જિલ્લામાં ગત રાત્રી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જો પહેલા આંકડાની વાત કરીએ તો, જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં વ્યારા-8 ઇંચ, વાલોડ-9.40 ઇંચ, ડોલવણ-7.60 ઇંચ, સોનગઢ-5 ઇંચ, ઉચ્છલ-2.70 ઇંચ, નિઝર-2.90 ઇંચ અને કુકરમુંડામાં – 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

તાપી: નદી બે કાંઠે વહી, ખેતરો બેટમાં ફેરવાયા, રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા

તાપી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ તથા ઉપરવાસના વરસાદને પગલે વ્યારાથી પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ છે. વાલોડ તાલુકા નનસાડ પાટિયા નજીકના ખેતરોતો બેટમાં ફેરવાયા છે. નનસાડ ગામ તરફ જતા માર્ગ પરના કોતરો ઓવર ફલો થતાં રસ્તા પાણી પાણી થયા છે. વાલોડના જકાત નાકા નજીક પણ પાણી ભરાઈ જતાં મુશ્કેલી સર્જાઈ છે. વાલોડથી બારડોલી તરફ જતા માર્ગ પર આવતા જકાત નાકા નજીક પાણીનો ભરાવો થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

તાપી: જિલ્લામાં વરસાદને પગલે 57 જેટલા રસ્તાઓ બંધ થયા

તાપી જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈ અનેક ગ્રામીણ વિસ્તારના રસ્તા જાણે બંધ થઈ ગયા છે. જિલ્લાના પંચાયત હસ્તકના 57 જેટલા રસ્તા બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં વ્યારાના 13, ડોલવણના 7, વાલોડના 11 અને સોનગઢના 26 રસ્તા બંધ કરાયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોની સમસ્યા વધી ગઈ છે.

નવસારીમાં કાર રેલવેના ગરનાળામાં ડુબી, ચાર લોકોનું રેસક્યુ કરાયું

નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરાસદને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નવસારીના મંદિર ગામે રેલવેના ગરનાળામાં પાણી ભરાઈ જતા એક કાર ડુબી ગઈ હતી. કાર ચાલક ગરનાળામાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક પાણીનો મારો વધી જતા કાર બંધ પડી ગઈ અને કાર ડુબી ગઈ હતી. કારમાં ચાર સવારોને ફાયર વિભાગ દ્વારા રેસક્યુ કરી સહી સલામત બહાર લાવવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રમાં જામનગર જળબંબાકાર – ક્યાં કેવી સ્થિતિ

જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, જામનગર જાણે જળબંબાકાર બન્યું છે. અનેક ખેતરો પાણી-પાણી તઈ ગયા છે, ક્યાંક વીજળી ગુલ થઈ છે, તો અનેક રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. જામનગર જળબંબાકાર બન્યું છે મોડી રાત્રે થી શરૂ થયેલો વરસાદ હજુ પણ રોકાવાનું નામ નથી લઈ રહ્યો, જામનગરમાં રાત્રિના બે વાગ્યાથી બપોરના 12:00 વાગ્યા સુધીમાં 236 એમ.એમ. એટલે કે 9.30 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

જામનગરમાં 9.30 ઈંચ જેટલો વરસાદ

જામનગર શહેરમાં 10 ઇંચ ઉપર વરસાદ પડવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો રામેશ્વર નગર, પુનિત નગર, મચ્છર નગર, નવાગામ ઘેડ, ધણસેરી તેમજ ચર્ચ વિગેરે વિસ્તારોમાં પાણી ભરાયા છે.

જળાશયોમાં નવા નીર, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ

જામનગરના જળાશયોની વાત કરીએ તો, રસોઈ ડેમ, રણજીતસાગર ડેમ, ઉંડ ડેમ, આજી ડેમ, આ તમામ ડેમોમાં વરસાદના નવા નીર આવવાનું શરૂ થઈ ગયું છે, જામનગર શહેર મધ્યમાં આવેલા રણમલ તળાવમાં વરસાદી પાણીની આવકના કારણે દિવાલનો મોટાભાગનો ભાગ ધરાશાઇ થઈ જવા પામ્યો છે, જોકે, સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. જામનગર જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાએ વેચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલ સલામત સ્થળે ખસેડી જવા માટે અપીલ કરી છે તેમ જ કોઈ પણ પ્રકારની આપવામાં આવ્યા વગર તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

ગીર સોમનાથના ધારી પંથકની સેલ નદી બે કાંઠે થઈ

અમરેલીના ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધારીના નાગ્રઘા ગામમાંથી પ્રસાર થતી સેલ નંદીમાં પુર આવ્યું છે. અમરેલીના જીરા, ડાભાળી ગીર વિસ્તાર સહિતના ગામમો ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. ઘારી ડાભાળીમાંથી પ્રસાર થતી અમૂતપુર નંદીમા પુર આવ્યું છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાજકોટ : જામકંડોરણામાં 6 ઈંચ વરસાદ

આ બાજુ રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ગઈ કાલ રાત્રિના 12 વાગ્યા સુધીમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમના જણાવ્યા મુજબ પડધરી તાલુકામાં 2.5 ઈંચ, રાજકોટ તાલુકામાં 2 ઈંચ, લોધીકા તાલુકામાં 1.25 ઈંચ, કોટડા સાંગાણી તાલુકામાં 1.5 ઈંચ, જસદણ તાલુકામાં 2.25 ઈંચ, ગોંડલ તાલુકામાં 2 ઈંચ, જામકંડોરણા તાલુકામાં 6 ઈંચ, ઉપલેટા તાલુકામાં 5 ઈંચ, ધોરાજી તાલુકામાં 5.25 ઈંચ, જેતપુર તાલુકામાં 5 ઈંચ તથા વિછીયા તાલુકામાં 0.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

કચ્છ: અંજારમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો

કચ્છ જિલ્લાની વાત કરીએ તો, અંજારમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી છે. અંજાર શહેર પણ પાણી-પાણી થયું છે. ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. અંજાર ખેતીવાડી બજાર સમિતિમાં પાણી ભરાયા ગયા હતા. આજે વહેલી સવારથી જ મેઘરાજાએ બેટીંગ શરૂ કરી હતી અને 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યાની પણ માહિતી મળી રહી છે.

આ પણ વાંચોગુજરાત વરસાદ આગાહી : દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે, આગામી ચાર દિવસ આ જિલ્લાઓને મેઘરાજા ગમરોળશે

બોલેરો સાથે 9 લોકો નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયા

બીજી બાજુ અંજારના મોડવદરમાં ભારે વરસાદને પગલે નદી પાર કરતી એક બોલેરો ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. 9 લોકો બોલેરો સાથે ધસમસતા પાણીમાં ફસાયા હતા. મોડવદર પાસે વહેતી નદી પાર કરતી વખતે બોલેરો વહેતા પાણીમા નદીની વચ્ચોવચ બંધ પડી ગઈ હતી. ફસાયેલા લોકોને ટ્રક વડે સ્થાનિક ગ્રામજનોએ રેસ્ક્યુ કર્યું અને વહેતા પાણીમાં ટ્રક મોકલીને લોકોને સલામત રીતે બહાર કઢાયા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ