ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહીવટી સરળીકરણનો જે વિચાર આપ્યો છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વર્તમાન રાજ્ય સરકાર વેગવંતો બનાવી રહી છે.
રાજ્ય સરકારે વહિવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તેવા પ્રજાહિતલક્ષી ઉદાત્ત અભિગમથી આ નવા 17 તાલુકાઓની રચનાને મંજુરી આપી છે.
પ્રવક્તા મંત્રી જણાવ્યું કે વાવ-થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજુરી આપવામાં આવી છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નવા તાલુકાઓની રચના અંગેની વિગતો આપતા કહ્યું કે, વર્ષ 2013માં નવા 23 તાલુકાઓની રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં 17 નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યુ કે, મુખ્યમંત્રીએ ગત સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જે જાહેરાત કરેલી છે તેનો લાભ નવા બનનારા તાલુકા મથકોને મળવાથી તેનો પણ શહેરી ઢબે વિકાસ થઈ શકશે.
આ પણ વાંચો: ફેસબુક ઇમોજીએ કેવી રીતે એક યુવકનો જીવ લીધો, રાજકોટમાં એક મજૂરની હત્યાની ચોંકાવનારી કહાની
તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ વિકસિત ભારત @2047ના કરેલા સંકલ્પમાં વિકસિત ગુજરાત @2047 માટે વિકાસશીલ તાલુકાઓ વિકસિત થાય તે દિશામાં નવા જિલ્લા તાલુકાઓની રચના કરવામાં આવશે. આ નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધારો થશે અને તેમને પણ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે.
તાલુકા વિભાજન
ક્રમ | જિલ્લો | મૂળ તાલુકો/ તાલુકાઓના નામ | નવા સૂચિત તાલુકાનું નામ | સૂચિત મુખ્ય મથક |
(1) | મહિસાગર/પંચમહાલ | સંતરામપુર તથા શહેરા | ગોધર | ગોધર |
(2) | લુણાવાડા | કોઠંબા | કોઠંબા | |
(3) | નર્મદા | ડેડિયાપાડા | ચીકદા | ચીકદા |
(4) | વલસાડ | વાપી ગ્રામ્ય, કપરાડા, પારડી | નાનાપોંઢા | નાનાપોંઢા |
(5) | બનાસકાંઠા | થરાદ | રાહ | રાહ |
(6) | વાવ | ધરણીધર | ઢીમા | |
(7) | કાંકરેજ | ઓગડ | થરા | |
(8) | દાંતા | હડાદ | હડાદ | |
(9) | દાહોદ | ઝાલોદ | ગોવિંદ ગુરુ લીમડી | લીમડી |
(10) | ફતેપુરા | સુખસર | સુખસર | |
(11) | છોટાઉદેપુર | જેતપુર પાવી | કદવાલ | કદવાલ |
(12) | ખેડા | કપડવંજ અને કઠલાલ | ફાગવેલ | કાપડીવાવ (ચિખલોડ) |
(13) | અરવલ્લી | ભિલોડા | શામળાજી | શામળાજી |
(14) | બાયડ | સાઠંબા | સાઠંબા | |
(15) | તાપી | સોનગઢ | ઉકાઈ | ઉકાઈ |
(16) | સુરત | માંડવી | અરેઠ | અરેઠ |
(17) | મહુવા | અંબિકા | વલવાડા |