Surat Diamond Bourse world largest office building: ગુજરાતનું સુરત શહેર દુનિયાભરમાં ડાયમંડ સિટીના નામે પ્રખ્યાત છે અને હવે વધુ એક ખાસિયતથી તેનું મહત્વ ઘણુ વધી જશે. ગુજરાતના સુરત શહેરમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેનું નામ છે- સુરત ડાયમંડ બુર્સ. અત્યાર સુધી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ અમેરિકાના વર્જિનિયા રાજ્યના આર્લિંગ્ટન શહેરમાં સ્થિત પેન્ટાગોન ગણાતી હતી, જે હવે તેની પાસેથી આ બિરુદ્ધ છિનવાઇ જશે. નોંધનિય છે કે, પેન્ટાગોન એ અમેરિકાના રક્ષા વિભાગની બિલ્ડિંગ છે
સુરત ડાયમંડ બુર્સના નિર્માર્ણનો ખર્ચ
સુરત ડાયમંડ બુર્સના નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. 35 એકરમાં ફેલાયેલું, 7.1 મિલિયન ચોરસ ફૂટથી વધારે વિસ્તાર અને 15 માળના સુરત ડાયમંડ બોર્સની બિલ્ડિંગ બનાવવા પાછળ કુલ 3000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ડાયમંડ બોર્સના નિર્માણમાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે. સુરત ડાયમંડ બુર્સમાં આગામી 21 નવેમ્બર 2023ના રોજથી ડાયમંડ ટ્રેડિંગ શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 નવેમ્બરે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે.

સુરત ડાયમંડ બુર્સનો આકાર- દેખાવ
દુનિયાભરમાં જેમ્સ કેપિટલના નામ પ્રસિદ્ધ આ બિલ્ડિંગ ‘વન સ્ટોપ ડેસ્ટિનેશન’ની જેમ રહેશે. અહીં હીરની પોલિશિંગ – કટિંગથી માંડી હીરાના વેપાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ બિલ્ડિંગનું સમગ્ર માળખું નવ લંબચોરસ સ્વરૂપમાં છે. આ તમામ નવ ઈમારતો એકબીજા સાથે જોડાયેલ છે.
65 હજાર હીરાના વેપારીઓ એકસાથે વેપાર કરી શકશે
સુરત ડાયમંડ બુર્સની બિલ્ડિંગની ડિઝાઇન ભારતીય ફર્મ મોર્ફોજેનેસિસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ બિલ્ડિંગ બની તેની પહેલા પણ ઘણા મોટા હીરાના વેપારીઓએ પોતાની ઓફિસ શરૂ કરવા માટે અહીં ઓફિસ ખરીદી લીધી છે. બિલ્ડિંગની અંદર કોમર્શિયલ કોમ્પ્લેક્સ, એન્ટરટેઇનમેન્ટ ઝોન અને પાર્કિંગ સ્પેસ છે. ખાસ વાત એ છે કે દુનિયાની આ સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગમાં 65 હજારથી વધુ હીરાના વેપારીઓ એકસાથે પોતાનો વેપાર કરી શકશે.

પીએમ મોદીએ સુરત ડાયમંડ બુર્સ અંગે શું કહ્યું
આ બિલ્ડિંગ તૈયાર થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું કે, “સુરત ડાયમંડ બુર્સ સુરતના હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વિકાસ દર્શાવે છે. તે ભારતની ઉદ્યોગસાહસિક ભાવનાનો પણ સાક્ષી છે. તે વેપાર, ઇનોવેશન અને સહયોગના કેન્દ્ર તરીકે કામ કરશે, જેનાથી આપણી અર્થવ્યવસ્થાને વેગ મળશે અને રોજગારીની તકો ઊભી થશે.”
સુરત ડાયમંડ બુર્સમાં વિશ્વની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેના નિર્માણ બાદ વેપારીઓને કોઈપણ કામ માટે ક્યાંય જવાની જરૂર નહીં પડે. તમામ પ્રકારની જરૂરિયાતો માટેના ઉકેલો અહીં ઉપલબ્ધ છે. તેના નિર્માણમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બીજેપી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડે ટ્વીટ કર્યું, “સુરત ડાયમંડ બુર્સ અમેરિકાના આઇકોનિક પેન્ટાગોનને પાછળ છોડીને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું બિરુદ હાંસલ કર્યુ છે. આ ચમકદાર કેન્દ્ર વિશ્વના ડાયમંડ પોલિશિંગ કેપિટલ તરીકે સુરતની પ્રતિષ્ઠાને વધારે મજબૂત કરશે અને ભારતના હીરા, જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટે એક પ્રકાશિત સીમાચિહ્ન સાબિત થશે.”