સુરત: શાળાના વિદ્યાર્થીએ લોખંડના સળિયાથી સિનિયર પર ‘હુમલો’ કર્યો

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાંથી એક વિદ્યાર્થીએ શાળાના પરિસર પાસે બીજા વિદ્યાર્થી પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો.

Written by Rakesh Parmar
September 18, 2025 15:05 IST
સુરત: શાળાના વિદ્યાર્થીએ લોખંડના સળિયાથી સિનિયર પર ‘હુમલો’ કર્યો
વિદ્યાર્થીએ લોખંડના સળિયાથી સિનિયર પર હુમલો કર્યો (પ્રતિકાત્મક તસવીર)

બુધવારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાંથી એક વિદ્યાર્થીએ શાળાના પરિસર પાસે બીજા વિદ્યાર્થી પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. જેના પછી પ્રિન્સિપાલની ઑફિસમાં તેઓની વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. જોકે આ પહેલા પીડિતાના માતા-પિતાએ અન્ય વાલીઓ સાથે મળીને આ કેસમાં કાર્યવાહીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જોકે સુરત જિલ્લા શિક્ષણ કચેરીએ આ હુમલાની ગંભીર નોંધ લીધી છે અને તપાસ બાદ શાળા અધિકારીઓને વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે સ્કૂલ કેમ્પસમાં અન્ય વિદ્યાર્થીઓની સામે સિનિયર છોકરાએ તેના જુનિયરને છેડ્યા બાદ બંને કિશોરો વચ્ચે ઝઘડો થયો હતો. શાળાના સમય પછી જ્યારે ધોરણ 12નો વિદ્યાર્થી સાયકલ પર ઘરે જઈ રહ્યો હતો, ત્યારે તેના જુનિયરે ઓટોરિક્ષામાં તેનો પીછો કર્યો અને તેને અડધે રસ્તે અટકાવ્યો હતો. સૂત્રોએ ઉમેર્યું કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે દરમિયાન ધોરણ 11ના વિદ્યાર્થીએ કથિત રીતે તેના સિનિયર પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો જે તેણે સ્કૂલ પરિસરની નજીક એક બાંધકામ સ્થળ પરથી આ લોખંડનો સળિયો ઉઠાવ્યો હતો. ઘટના બાદ પીડિત ઘરે ગયો જ્યાંથી તેના માતા-પિતા તેને ડૉક્ટરના ક્લિનિકમાં લઈ ગયા અને તેની સારવાર કરાવી હત.

બુધવારે પીડિતાના માતા-પિતા, અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ સાથે શાળામાં પહોંચ્યા હતા અને ધરણા કર્યા અને આરોપી વિદ્યાર્થીને કાઢી મૂકવાની માંગ કરી હતી. બંને વિદ્યાર્થીઓ શાળાના અંગ્રેજી માધ્યમ વિભાગના છે.

આ પણ વાંચો: આ ભારતીય સમુદાયમાં અનોખી પરંપરા; મૃત્યુની ઉજવણી કરવાની, બાળકના જન્મ સમયે શોક

શાળાના અંગ્રેજી માધ્યમ વિભાગના આચાર્ય વિકાસ પાઠકે બુધવારે બપોરે બંને વિદ્યાર્થીઓના વાલીઓને તેમના ચેમ્બરમાં બોલાવ્યા અને તેમની સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન સુરત જિલ્લા શિક્ષણ કચેરીના શિક્ષણ નિરીક્ષક હિમાંશુ બારોટ પણ હાજર હતા.

બંને વિદ્યાર્થીઓના પિતાએ પોતાનો પરિચય આપતાં તેમને ખબર પડી કે તેઓ લગભગ 25 વર્ષ પહેલાં શાળાના મિત્રો હતા. ત્યારબાદ બંને માતા-પિતાના જૂથે સમાધાન કરવાનો અને આ મામલાને આગળ ન વધારવાનો નિર્ણય લીધો હતો, એમ સૂત્રોએ ઉમેર્યું છે.

પીડિતાના પિતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “આ ઘટના વિશે જાણ્યા પછી હું અને કેટલાક અન્ય માતા-પિતા ઇચ્છતા હતા કે મારા પુત્ર પર હુમલો કરનાર વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવામાં આવે. આ કારણોસર અમે આજે સવારે શાળા કેમ્પસની બહાર વિરોધ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે આરોપી વિદ્યાર્થીના પિતાએ તેનું નામ શેર કર્યું, ત્યારે મેં એક જૂની યાદ તાજા કરી અને તેની સાથે વાત કરી. મને ખબર પડી કે તે વોલ્ડ સિટી વિસ્તારમાં મારો બાળપણનો સહાધ્યાયી હતો. અઢી દાયકા પછી અમે આખરે મળ્યા અને એકબીજાને ગળે લગાવ્યા. તેની સાથેની મુલાકાત મને મારા બાળપણના દિવસોમાં લઈ ગઈ જ્યારે અમે લંચ શેર કરતા અને સાથે રમતા. પછીથી હાઇ સ્કૂલમાં અમે અલગ થઈ ગયા અને સંપર્ક ગુમાવ્યો.”

તેમણે આગળ કહ્યું, “આ ઘટના સાથે મને મારો ખોવાયેલો મિત્ર મળી ગયો. અમારા બાળકો અને શાળાના આચાર્ય અમને મૈત્રીપૂર્ણ રીતે વાત કરતા જોઈને ચોંકી ગયા. મેં આચાર્યને કહ્યું કે હું આરોપી વિદ્યાર્થી સામે કોઈ કાર્યવાહી નથી ઈચ્છતો અને અમે સમસ્યાનું સમાધાન કરી લીધું.”

ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, પ્રિન્સિપાલ પાઠકે જણાવ્યું હતું કે, “બંને વિદ્યાર્થીઓના માતા-પિતાએ સમાધાન કર્યું અને અમને જણાવ્યું કે તેઓ કોઈ પગલાં લેવા માંગતા નથી, ત્યારબાદ આ મુદ્દો ઉકેલાઈ ગયો. બંને વિદ્યાર્થીઓના પિતા બાળપણના સહાધ્યાયી હતા અને તેમણે આ મુદ્દો એકબીજા સાથે ઉકેલી લીધો છે.”

સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, “બંને પક્ષો વચ્ચે કદાચ આ મુદ્દો ઉકેલાઈ ગયો હશે, પરંતુ અમે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને શાળાના અધિકારીઓને વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. અમે આવી કોઈ ઘટના સહન નહીં કરીએ. અમે શાળાના અધિકારીઓને પણ વિદ્યાર્થીઓ સામે લેવાયેલી કાર્યવાહી અંગે અમને જાણ કરવા જણાવ્યું છે.”

ઉલ્લેખનીય છે કે, આ ઘટના ગયા મહિને રાજ્યમાં વિદ્યાર્થીઓ પર તેમના શાળાના સાથીઓ દ્વારા થયેલા હુમલાના કેટલાક કિસ્સાઓની પૃષ્ઠભૂમિમાં આવી છે. 20 ઓગસ્ટના રોજ, અમદાવાદની એક શાળામાં ધોરણ 10 ના વિદ્યાર્થીની કથિત રીતે બીજા વિદ્યાર્થી દ્વારા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે શહેરમાં વ્યાપક વિરોધ થયો હતો અને શિક્ષણ અધિકારીઓને રાજ્યના વિવિધ ભાગોમાં સ્કૂલ બેગની સઘન તપાસ જેવા સુધારાત્મક પગલાં લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ