તરભ, વાળીનાથ મહાદેવ મંદિર ઈતિહાસ? ગામ નું નામ તરભ કેવી રીતે પડ્યું? જાણો આ શિવધામની રસપ્રદ વાતો

તરભ વાળીનાથ મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવ ચાલી રહ્યો, તો જોઈએ આ શિવધામનો ઈતિહાસ, વિશેષતા અને રસપ્રદ વાતો

Written by Kiran Mehta
Updated : February 21, 2024 13:48 IST
તરભ, વાળીનાથ મહાદેવ મંદિર ઈતિહાસ? ગામ નું નામ તરભ કેવી રીતે પડ્યું? જાણો આ શિવધામની રસપ્રદ વાતો
તરભ, વાળીનાથ મહાદેવ મંદિર ઈતિહાસ (ફોટો - વાળીનાથ મંદિર - ફેસબુક)

તરભ, વાળીનાથ મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબેરુઆરી સુધી આ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત રાજ્યના મોટા નેતાઓ પણ હાજરી આપશે.

તરભ વાળીનાથ મહાદેવ મંદિર રબારી સમાજ સહિત અન્ય સમાજ માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. સાત દિવસના આ ધાર્મિક કાર્યક્રમમાં અનેક કલાકારો, સહિત સંતો, મહંતો પણ ઉપસ્થિત રહ્યા છે. રોજ 2થી 3 લાખ ભક્તો તરભ ગામે ઉમટી રહ્યા છે, ત્યારે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં 5 લાખથી વધુ ભક્તો દર્શને આવે તેવી સંભાવના છે.

તરભ ગામ ઈતિહાસ, ગામનું નામ તરભ કેવી રીતે પડ્યું?

તરભ ગામ, વાળીનાથ મહાદેવ ધામ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર ઊંઝા વચ્ચે (પુરાતન – આનર્ત પ્રદેશ) માં રૂપેણ અને પુષ્પાવતી નદી વચ્ચે આવેલુ એક ગામ છે. તરભ ગામની પાસે મહામુની શ્રી વાલ્મીકીજીના તપક્ષેત્ર ગાણાતા પૌરાણીક વાલમ ગામ તેમજ શ્રી ગણપતી યાત્રાધામ અઠૌર ગામ પણ આવેલા છે. વિકિપીડિયા અનુસાર, તરભ ગામનું નામ રબારી સમાજના એક ભક્ત તરભોવનભાના નામના પરથી આ ગામનું નામ તરભ પડ્યું છે. કહેવાય છે કે, મુળ રાજસ્થાનથી માલઢોર અર્થે અકયણાં કરતા કરતા ગુજરાતના ગામડે ગામડે વસેલ રબારીઓ પૈકી મોયડાવ શાખના રબારીઓ હાલના તરભ ગામે નેહડો બાંધી તરભ ગામે વસ્યા હતા. આ મોયડાવ પરિવારમાં તરભોવનભા મોયડાવ નામના એક ભલાભોળા ભક્તિવાન રબારી હતા. આ તરભ ગામનું નામ તરભોવનભા રબારીના નામથી પડેલ છે.

તરભ, વાળીનાથ મહાદેવ મંદિર ઈતિહાસ

તરભ ગામ, વાળીનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ 900 વર્ષ જુનો છે. તેના પ્રાગટ્યની વાત કરીએ તો, વિકિપીડિયા અનુસાર, તરભ ગામે તરભોવનભા મોયડાવ નામના ભક્ત રહેતા હતા, કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પરમ ભક્ત હતા. મુળ રાજસ્થાનથી આવી વસેલ આ તરભોવન મોયડાવ પોતાની કુળદેવી શ્રી ચામુંડા માતાના દર્શાનાર્થે રાજસ્થાનમાં આવેલ સુંધામાતાના શરણે અવારનવાર જતાં હતા તથા તરભ ગામના ગોદરે જ ધુણો ધખાવી બેઠેલા શ્રી વિરમગીરીજી મહારાજ ને પોતાના ગુરુ માનતા હતા.

ઘણા સમય નિયમ રાખ્યા પછી જ્યારે શરીર વૃધ્ધાવસ્થાએ પહોંચ્યું ત્યારે, તરભોવનભાએ માતાજીને વિનંતિ કરી કે ‘હે મા મે ઘણીવાર આપના દર્શન કર્યા છે. અને તે અર્થે અહીં સુધી આવ્યો પરંતુ, હવે આપ મારી સાથે પધારો કારણ કે હુ આવી શકુ તેમ નથી!’ ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે ‘તમારા ગુરૂદેવ શ્રી વિરમગીરીજી મહારાજ જ્યાં તપ કરે છે ત્યાં મારો કાયમી વાસ છે. અને તે વાત તમાર ગુરૂદેવશ્રી જાણે છે. તેઓ સમર્થ યોગી પુરૂષ છે.’

ભક્તરાજ તરભોવનભા તેમના સ્થાને પધાર્યા અને પૂજ્ય ગુરૂદેવશ્રીના દર્શન કરવા ગયા, તે પહેલાં જ પરમ પૂ. વિરમગિરિજી મહારાજશ્રીને સમાધી અવસ્થામાં ભગવાનશ્રી વાળીનાથ શ્રી ચામુંડા માતા શ્રી ગણેશનાં દર્શન થયાં. તરભોવનભા મોયડાવ ભક્તે આવી પૂજ્ય બાપુને બધી માંડીને વાત કરી! બાપુશ્રીએ એ તરભ ગામની પુરાતન ભૂમિમાંથી વાળીનાથ મહાદેવ, શ્રી ચામુંડા મા અને ગણેશજીની મૂર્તિઓ બહાર કઢાવી અને સ્થાપના કરી. ત્યાર બાદ આ જગ્યા અન્ય સમાજ સાથે સાથે રબારી સમાજનું આસ્થાનુ કેન્દ્ર બન્યુ.

રબારી સમાજ સહિત છત્રીસ જ્ઞાતી આ સ્થાનને ગુરૂગાદી તરીકે પરંપરાથી માને છે

રબારી સમાજ, સહિત અન્ય કોમ માટે શ્રી વાળીનાથ મહાદેવ મંદિર મોટુ આસ્થાનું કન્દ્ર છે. 900 વર્ષ જુના આ પવિત્ર ધામ ખાતે આજે પણ રબારી સમાજ તથા અન્ય છત્રીસે કોમ આવી શ્રધ્ધાપૂર્વક-દર્શન માનતા વગેરે કરે છે. અને શ્રધ્ધા ભક્તિ અને નિષ્ઠાથી સેવા કરે છે. તેમજ આ સ્થાનને ગુરૂગાદી તરીકે પરંપરાથી માને છે.

વાળીનાથ મહાદેવ ધામમાં મહંત-આચાર્ય પરંપરા

વાળીનાથ અખાડામાં ૯૦૦ વર્ષ પહેલાં બિરાજેલા પ્રથમ ગુરુગાદી પતિ પૂ. વિરમગિરિ બાપુ દ્વારા મંદિર નિમાર્ણ પછી શ્રી વાળીનાથજીની જગ્યામાં મહંત-આચાર્ય પરંપરા શરૂ થઇ. અત્યાર સુધીમાં 14 મહંતોએ વાળીનાથ મહાદેવ ધામની ગાદી સંભાળી હાલમાં શ્રી જયરામગીરી બાપુ રબારી વાળીનાથ મંદિરની સેવા પૂજા સહિતની ગાદી પરંપરા પર બિરાજમાન છે.

Tarabh Valinath Mahadev Temple mahant
તરભ, વાળીનાથ મહાદેવ મંદિર મહંત, સાધુ (ફોટો – ફેસબુક)

વાળીનાથ મહાદેવ મંદિર મહંતો

  • પ્રથમ મહંત : શ્રી વિરમગિરિજી
  • બીજા મહંત : શ્રી પ્રેમગિરિજી
  • ત્રીજા મહંત : શ્રી સંતોકગિરિજી, કોઠારી સ્વામી શ્રી માનગીરીજી
  • ચોથા મહંત : શ્રી ગુલાબિગરિજી, કોઠારી સ્વામી શ્રી માનગીરીજી
  • પાંચમા મહંત : શ્રી નાથગિરિજી, કોઠારી સ્વામી શ્રી રેવાગીરીજી
  • છઠ્ઠા મહંત : શ્રી જગમાલગિરિજી, કોઠારી સ્વામી શ્રી રેવાગીરીજી(7) સાતમા મહંત : શ્રી શંભુગિરિજી, કોઠારી સ્વામી શ્રી અરજણગીરીજી
  • આઠમા મહંત : શ્રી ભગવાનગિરિજી, કોઠારી સ્વામી શ્રી અરજણગીરીજી
  • નવમા મહંત : શ્રી મોતીગિરિજી, કોઠારી સ્વામી શ્રી અરજણગીરીજી
  • દસમા મહંત : શ્રી કેશવગિરીજી, કોઠારી સ્વામી શ્રી હેમગીરીજી
  • અગિયારમા મહંત : શ્રી હરિગિરિજી, કોઠારી સ્વામી શ્રી રણછોડગીરીજી
  • બારમા મહંત : શ્રી સૂરજિગરિજી, કોઠારી સ્વામી શ્રી મહાદેવગીરીજી
  • તેરમા મહંત : શ્રી બળદેવગિરીજી, કોઠારી સ્વામી શ્રી ગોવિંદગીરીજી
  • ચૌદમા મહંત : શ્રી જયરામગીરી બાપુ! કોઠારી સ્વામી શ્રી દશરથગીરીજી

તરભ, વાળીનાથ મહાદેવ મંદિરની વિશેષતા

તરભ ગામ ખાતે આવતીકાલે 22 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે, ત્યારે જોઈએ આ મંદિરની ખાસીયતો. તમને જણાવી દઈએ કે, 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિર પુરાતન નાગરશૈલીથી બનાવવામાં આવ્યું છે. મંદિરને બંસિપહાડપુરના પથ્થરોથી નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની ઊંચાઈ 101 ફૂટ, લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. કહેવાય છે કે, સોમનાથ મંદિર બાદ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટુ શિવધામ બનાવવામાં આવ્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ